ગત રક્ષાબંધનના પવિત્ર દિવસે બોરસદના વનતળાવ પાસેથી ટેકરીયાપુરા જતી નહેરમાંથી મૃત ગૌવંશનું માથું મળી આવ્યું હતું. ઘટના બાદ 21 ઑગસ્ટના રોજ બોરસદમાં પ્રચંડ જન આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે હવે પોલીસે આ મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આરોપીઓએ નિયાઝ માટે ગૌવંશની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરાર મુખ્ય આરોપીઓ અસલમ, હાસિમ અને સાદિક પોલીસના હાથમાં આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાદથી જ પોલીસ ફરાર આરોપીઓને પકડવા સતત મહેનત કરી રહી હતી. તેવામાં અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આરોપીઓએ નિયાઝ માટે ગાય ખરીદીને તેને મામા કાંસ નજીક ગોસમહોમ્મદ નામના વ્યક્તિના તબેલા પાસે કાપી નાખી હતી. ગાયનું માંસ અલમદીના નગર લઈ જઈને નિયાઝમાં વાપરી દેવામાં આવ્યું હતું. બાદમાં ગાયના માથા સહિતના વધેલા અવશેષો બોરસદના વનતળાવ પાસે આવેલી ટેકરીયાપુરા જતી નહેરમાં નાખી દેવામાં આવ્યા હતા.
આ મામલે બોરસદ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર મુખ્ય આરોપીઓને શોધી રહી હતી. તેવામાં બાતમીના આધારે તેમના ઠેકાણાં વિશે ખબર પડતાં જ પોલીસે બોરસદની અશરફી સોસાયટીમાં રહેતા મહંમદ સાદિક ઉર્ફે લાલો ભઠીયારો રહેમત ખાન પઠાણ, અલમદીના નગરમાં રહેતા હાસિમ મહંમદ હનીફ મૈયુદ્દીન મલેક અને અલમદીના નગરમાં જ રહેતા મહંમદ અસલમ ઉર્ફે પૂરી ઈદ્રીશોદ્દીન બેલીમને પકડી લીધા હતા. હાલ ત્રણેય આરોપીઓને ઝડપીને તેમના વિરુદ્ધ ધારા-ધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર્યવાહી બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધવા જેવું છે કે, નિયાઝ એટલે મુસ્લિમ સમુદાય દ્વારા ચડાવાતી બલિ.
શું હતી આખી ઘટના?
ઉલ્લેખનીય છે કે, ગત રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બોરસદના ટેકરીયાપુરા ખાતેની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બોરસદની આસપાસના અનેક ગામોમાં આ નહેર મારફતે પીવા તેમજ ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ નહેરમાંથી ગાયનું માથું મળી આવતા સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા દુભાઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 299 અને 325 તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 8 (2) મુજબ FIR નોંધી હતી.
ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હજારોની સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંદુઓએ બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે બોરસદમાં ગૌહત્યાને બંધ કરાવવા માટેની માંગણી પણ કરી હતી. ‘ગૌહત્યાને બંધ કરો’ તથા ‘જય જય શ્રીરામ’ના નારા સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને ઉગ્ર માંગણી કરી હતી.