Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહંમેશા બે દરવાજા ખુલ્લા રાખતા નીતીશ કુમાર હવે ફરી પલટી મારશે? જાણીએ...

    હંમેશા બે દરવાજા ખુલ્લા રાખતા નીતીશ કુમાર હવે ફરી પલટી મારશે? જાણીએ તેમનો વારંવાર પલટી મારવાનો ઇતિહાસ

    નીતીશ કુમારે જેને પણ પોતાના વિશ્વાસુ બનાવ્યા છે, તેને બહારનો રસ્તો પણ દેખાડ્યો છે. હવે જોવાનું એ છે કે તેઓ શું નિર્ણય લેશે.

    - Advertisement -

    બિહારના રાજકારણમાં ફરી એકવાર હલચલ તેજ બની ગઈ છે. છેલ્લાં 17 વર્ષથી જે થતું આવ્યું છે તે મુજબ આ ઉથલપાથલના કેન્દ્રમાં પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર છે. છેલ્લા 17 વર્ષથી સત્તા પર તેમનો જ કબજો છે. તેની સાથે જ મીડિયામાં સૂત્રોનો ખેલ પણ શરૂ થઇ ગયો છે. ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે હાલમાં જ વાતચીત થઇ છે, તો કોઈ જેડીયુ પ્રદેશ અધ્યક્ષની આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સાથે મુલાકાતના દાવા કરી રહ્યું છે. 

    નીતીશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા ન પહોંચ્યા ત્યારથી જ અટકળો શરૂ થઇ ગઈ હતી કે શું હવે તેઓ ફરીથી પલટી મારશે? એક તરફ જેડીયુ નેતા ઉપેન્દ્ર કુશવાહા કહે છે કે ગઠબંધનમાં બધું ઠીક છે અને કેન્દ્રની દરેક બેઠકમાં ભાગ લેવો જરૂરી નથી. તો બીજી તરફ જેડીયુ અધ્યક્ષ લલનસિંહ કહી રહ્યા છે કે ક્યાંથી જેડીયુને તોડવાનું ષડ્યંત્ર થયું અને કોણે ખુલાસો કર્યો તે બધી જ વિગતો સામે આવી જશે. કોઈ એમ પણ કહી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી જ નીતીશ કુમાર બેચેન છે. 

    નીતીશ કુમારને ડર છે કે બિહારમાં પણ કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનું પુનરાવર્તન થઇ શકે છે. જોકે, રાજકારણના શાતિર ખેલાડી નીતીશ કુમાર વિશે કહેવાય છે કે તેઓ હંમેશા બે દરવાજા ખુલ્લા રાખે છે અને દબાણથી બચવા માટે કોઈ પણ તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખે છે. કદાચ એ જ કારણ છે કે એક સમયે ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી હારવા છતાં લગભગ બે દાયકાથી બિહારનું રાજકારણ તેમની આસપાસ જ ફરી રહ્યું છે.

    - Advertisement -

    નીતીશ કુમારની રાજકીય યાત્રા પર નજર કરવામાં આવે તો તેમણે સૌથી મોટી પલ્ટી 2017માં મારી હતી અને આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા અને મુખ્યમંત્રી પદે યથાવત રહ્યા હતા. તેમના આ નિર્ણયને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તેમનું સ્ટેન્ડ તરીકે ભલે પ્રચારિત કરવામાં આવતો હોય પણ શું તેમને લાલુ યાદવના પરિવાર વિશે જુલાઈ 2017 પહેલાં કંઈ ખબર ન હતી? 20 વર્ષોમાં 7 વખત મુખ્યમંત્રી પદની શપથ લેનારા નીતીશ કુમારને ત્યારથી તેમના વિરોધીઓ ‘પલટૂરામ’ કહીને સંબોધિત કરતા રહ્યા છે. 

    ચૂંટણી મામલે નીતીશ કુમારની શરૂઆત નબળી રહી હતી અને તેમણે સતત ત્રણ વખત ધારાસભ્યની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આખરે 1985માં તેમને પહેલી જીત મળી અને નાલંદાના હરનૌતથી ‘જનતા દળ’ની ટિકિટ પર જીત મેળવી હતી. તે પહેલાં 80ના દાયકાના અંતમાં જ્યારે ‘જનતા પાર્ટી’ તૂટી હતી ત્યારે નીતીશ કુમાર સત્યેન્દ્ર નારાયણ સિન્હા સાથે થઇ ગયા હતા. જોકે, તે દરમિયાન પણ તેઓ કિશન પટનાયકના નેતૃત્વવાળા ‘લોહિયા વિચારમંચ’ સાથે જોડાયેલા રહ્યા હતા. 

    ત્યારથી જ તેમણે આ બે તરફવાળું રાજકારણ શરૂ કરી દીધું હતું. પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી જીત્યાના 4 વર્ષ બાદ જ તેઓ સાંસદ પણ ચૂંટાઈ આવ્યા હતા. એ સમય એવો હતો જ્યારે બિહારમાં લાલુ યાદવનું કદ સતત વધી રહ્યું હતું અને અંતે તેઓ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા હતા. લાલુ યાદવને મુખ્યમંત્રી બનાવવામાં નીતીશ કુમારનું પણ યોગદાન હતું. ‘જનતા પાર્ટી’માં તેમણે મુખ્યમંત્રી તરીકે લાલુ યાદવનું સમર્થન કર્યું હતું. 

    જોકે, ત્યારપછીનાં થોડાં વર્ષોમાં લાલુ યાદવ સાથેના તેમના સબંધોમાં અંતર આવતું ગયું અને 90ના દાયકાના મધ્યમાં સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસે સમતા પાર્ટીની રચના કરી તો નીતીશ કુમાર તેમની સાથે ચાલ્યા ગયા હતા. પછીથી તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને અટલ બિહારી બાજપેયીની સરકારમાં રેલવે, માર્ગ પરિવહન અને પછી કૃષિ જેવાં મંત્રાલય સંભાળ્યા હતાં. 1994માં સમતા પાર્ટીની રચનાના 9 વર્ષ બાદ તેમણે 2003માં જનતા દળ યુનાઇટેડની રચના કરી. 

    નીતીશ કુમાર ભલે પોતાને જાતિવાદના વિરોધો ગણાવતા હોય અને પોતાને તેનાથી અલગ કરવાની વાત કરતા હોય, પરંતુ જાણવાલાયક બાબત એ પણ છે કે તેમણે બિહારમાં પોતાનો રાજકીય દબદબો જાળવી રાખવા માટે એક જાતીય રેલીનો જ સહારો લીધો હતો. ફેબ્રુઆરી 1994ની એ રેલીએ તેમને લાલુ વિરોધનો મુખ્ય ચહેરો બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેનું નામ હતું ‘કુર્મી ચેતના મહારેલી.’ જોકે, નીતીશ તેમાં પહેલાં ભાગ લેવા માંગતા ન હતા, પરંતુ પછીથી જોડાયા હતા. 

    ધારાસભ્ય રહેલા સતીશ કુમાર સિંહના આગ્રહ બાદ તેઓ આ રેલીમાં જોડાવા માટે તૈયાર થઇ ગયા હતા. કહેવાય છે કે આ રેલીમાં તેમના સામેલ થયા બાદ જ કુર્મી-કોઇરી સમાજમાં તેમનું કદ વધ્યું હતું અને લાલુ યાદવ વિરોધી રાજકારણ પણ તેજ બનતું ગયું. જેડીયુ અને સમતા પાર્ટી વચ્ચેની પણ એક વાર્તા છે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમારે સમતા પાર્ટીનો વિલય ‘જનતા દળ’માં કરી દીધો હતો. 

    2005માં નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી બન્યા અને ભાજપના સહયોગથી સરકાર ચલાવવાની શરૂ કરી. ગુનાઓ પર અંકુશ મૂકવાથી લઈને વિકાસ પરિયોજનાઓ સુધી, આ ગઠબંધન સરકારના પહેલા કાર્યકાળની ખાસ્સી સરાહના થઇ હતી. પરંતુ ભાજપ સાથે રહેતા નીતીશ કુમારે 2010માં ભાજપ નેતાઓ માટે આયોજિત ભોજન કાર્યક્રમ રદ કરી દીધો હતો. તેનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની અને નીતીશ કુમારની એક તસ્વીર અખબારોમાં છપાય ગઈ હતી. 

    લુધિયાણાની એ સભામાં નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારનો હાથ પકડીને ઉપર ઉઠાવ્યો હતો અને જનતાને સંદેશ આપ્યો હતો કે તે બંનેમાં સારા સબંધો છે. પરંતુ નીતીશ તેનાથી ભડકી ઉઠ્યા. હિંદુત્વથી પોતાને અલગ દેખાડવાના પ્રયત્નોમાં નીતીશ કુમારે ભાજપ નેતાઓ માટે આયોજિત ભોજન કાર્યક્રમ રદ કરી દીધો હતો. આ કાર્યક્રમ માટેનાં કટઆઉટ્સ પણ આખા પટનામાં લાગી ગયાં હતાં. ભાજપના નેતાઓ માટે આ શરમજનક હતું. એટલું જ નહીં, પૂર રાહત કાર્ય માટે ગુજરાત સરકારે  મોકલેલી રકમ પણ તેમણે પરત કરી દીધી હતી. 

    જોકે, તેમ છતાં નીતીશ ભાજપ સાથે સત્તામાં ટકી રહ્યા હતા. પરંતુ હિંદુત્વ વિરોધી રાજકારણની એ અસર થઇ કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવતાંની સાથે જ તેમણે ભાજપ સાથેનું ગઠબંધન તોડવાનું એલાન કરી દીધું અને આરજેડીના સમર્થનથી મુખ્યમંત્રી બની ગયા. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં જેડીયુની ખરાબ રીતે હાર થઇ અને મોદી વડાપ્રધાન બની ગયા ત્યારે નીતીશ કુમારે નૈતિક જવાબદારીની વાત કરતાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

    ત્યારબાદ તેમણે જીતન રામ માંઝીને પોતાની જગ્યાએ પદ પર બેસાડી દીધા, પરંતુ તેમની સાથે તેમના સબંધો થોડા દિવસોમાં જ બગડવા માંડ્યા. જેથી તેમણે માંઝીને હટાવી દીધા અને પોતે ફરી મુખ્યમંત્રી બની ગયા. 2015ની ચૂંટણી તેમણે આરજેડી-કોંગ્રેસ સાથે મળીને લડી હતી અને જીત મેળવી હતી. પરંતુ 3 વર્ષ સરકાર ચલાવ્યાં બાદ તેમને આરજેડી ફરી ભ્રષ્ટાચારી લાગવા માંડી ત્યારે તેમણે ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને 2020ની ચૂંટણી ભાજપ સાથે લઈને જીત મેળવીને ફરી મુખ્યમંત્રી બન્યા. 

    હવે 2 વર્ષ સરકાર ચલાવ્યાં બાદ તેમને ફરી ભાજપ ખરાબ લાગવા માંડી છે અને ફરી એક્વાર આરજેડી સાથે જવા વિચારી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે જે રામચંદ્ર પ્રસાદ સિંહના કારણે આ આખો વિવાદ શરૂ થયો છે, તેઓ એક સમયે નીતીશના વિશ્વાસુ કહેવાતા હતા. કેન્દ્રીય મંત્રીના કાર્યકાળ દરમિયાન આરસીપી સિંહ તેમના સચિવ હતા. તેમના સમય પહેલાં નિવૃત્તિ લેવડાવીને રાજકારણમાં લાવવાનો શ્રેય પણ નીતીશ કુમારને જ જાય છે. તેમણે આરસીપી સિંહને કેન્દ્રીય મંત્રી પણ બનાવી દીધા હતા. 

    નીતીશ કુમારે પહેલા મોદી મંત્રીમંડળમાં જેડીયુને સામેલ કરાવ્યું, પણ પછી એલાન કરી દીધું કે જેડીયુ મોદી મંત્રીમંડળનો હિસ્સો રહેશે નહીં. આજે આરસીપી સિંહ નીતીશ કુમારના દુશ્મન નંબર એક છે. જોકે, જેડીયુ અધ્યક્ષો સાથે તેમની દુશમની નવી નથી. જ્યોર્જ ફર્નાન્ડિસને તેમણે જ જેડીયુના અધ્યક્ષ બનાવ્યા પરંતુ મુખ્યમંત્રી બન્યાના એક જ વર્ષ બાદ તેમનું પદ છીનવી લીધું હતું. એટલું જ નહીં, 2009ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ કાપી નાંખી હતી. 

    જે બાદ નીતીશ કુમારે શરદ યાદવને જેડીયુનું અધ્યક્ષ પદ આપ્યું હતું. અમુક વર્ષો બાદ તેમને પણ બહારનો રસ્તો દેખાડીને પોતે જેડીયુ અધ્યક્ષ બની ગયા. તેમજ તેમનું નિવાસસ્થાન પણ લઇ લેવામાં આવ્યું. પછી આરસીપી સિંહની પણ એ જ હાલત થઇ. હાલના જેડીયુ અધ્યક્ષ લલન સિંહ ભલે તેમના વિશ્વાસપાત્ર હોય પરંતુ વચ્ચે બંને વચ્ચે દુશ્મની થઇ ગઈ હતી. 2009માં તેમણે લલન સિંહને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. પછી બંને મિત્રો થઇ ગયા અને લલન સિંહને મંત્રી પદ મળ્યું. 

    જે નીતીશ કુમાર નરેન્દ્ર મોદીના હિંદુત્વથી પોતાને અલગ દેખાડવા માટે ભાજપ સાથેના સબંધો તોડી નાંખે છે તેઓ પછીથી હિંદુત્વના ફાયરબ્રાન્ડની છબી ધરાવતા યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં સામેલ થાય છે. ક્યારેક લાલુ સાથે હોય છે, તો ક્યારેક વિરુદ્ધમાં. ક્યારેક જ્યોર્જ-આરસીપી-શરદ-લલનને અધ્યક્ષ બનાવે છે તો ક્યારેક દુશ્મની કરી નાંખે છે. ક્યારેક કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો બને છે તો ક્યારેક જીતનરામ માંઝીને સીએમ બનાવી દે છે અને પછી તેમની પાસેથી પદ લઇ પણ લે છે. 

    પ્રશાંત કિશોર પણ તેના સાક્ષી રહ્યા છે. ક્યારેક તેઓ તેમના સૌથી મોટા વિશ્વાસુ હતા અને જેડીયુની સદસ્યતા સાથે મંત્રીનો દરજ્જો પણ મળી ગયો હતો. પરંતુ પછી તેમને પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. બિહારમાં તો પ્રશાંત કિશોરના એક ઘરને પણ ગેરકાયદે બાંધકામ ગણાવીને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. નીતીશ કુમારે જેને પણ પોતાના વિશ્વાસુ બનાવ્યા છે, તેને બહારનો રસ્તો પણ દેખાડ્યો છે. હવે જોવાનું એ છે કે તેઓ શું નિર્ણય લેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં