Wednesday, October 2, 2024
More
    હોમપેજગુજરાતછોટે કાશી ગણાતા લુણાવાડામાં ઐતિહાસિક વાસિયા તળાવમાં તોડફોડ: વિવિધ પવિત્ર ઘાટ પર...

    છોટે કાશી ગણાતા લુણાવાડામાં ઐતિહાસિક વાસિયા તળાવમાં તોડફોડ: વિવિધ પવિત્ર ઘાટ પર લગાવવામાં આવેલી ‘હિંદુ’ લખેલી પ્રાચીન તકતીઓ તોડાઈ- OpIndia Exclusive

    થોડા સમય પહેલા કોઈ અજાણ્યા લોકોએ આ ઘાટ પર લગાવવામાં આવેલી તકતીઓ કે જેમાં 'હિંદુ' શબ્દનો ઉલ્લેખ હતો, તેને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી. અનેક તકતીઓ એવી હતી કે જેને સરળતાથી હટાવી શકાતી હતી, તેને તોડીને તળાવમાં ફેંકી દેવામાં આવી. જેને ન તોડી શકાઈ, તેમાં હિંદુ શબ્દને ખરડી નાખવામાં આવ્યા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશમાં એવી અનેક ઘટનાઓ ઘટી છે, કે જેમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હોય. તાજેતરમાં જ ગણેશોત્સવ દરમિયાન હિંદુ સમુદાયને ટાર્ગેટ કરી-કરીને હુમલા કરવામાં આવ્યા. ત્યારે હવે ફરી એક વાર આવો જ એક મામલો મહિસાગર જિલ્લાથી સામે આવ્યો છે. વડામથક લુણાવાડા ખાતે આવેલા વાસિયા તળાવમાં લગાવવામાં આવેલી હિંદુ તકતીઓ તોડીને ફેંકી દેવામાં આવી છે.

    વાસ્તવમાં લુણાવાડા ખાતે શહેરની બહાર (એક સમય સુધી જ, હાલ શહેર વિસ્તરી ગયું છે) વાસિયા દરવાજા બહાર વર્ષ 1980માં તે સમયના મહારાણા વખતસિંહ દ્વારા એક સરોવર બંધાવવામાં આવ્યું. નોંધવું જોઈએ કે લુણાવાડાને ‘છોટે કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ સરોવર બંધાવવાનો હેતુ નાગરિકોને પાણી પૂરું પાડવા ઉપરાંત વિવિધ ઘાટના નિર્માણ કરીને તેને હિંદુઓને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેથી કરીને ત્યાં હિંદુઓ તેમની સંસ્કૃતિઓનું પાલન કરી શકે.

    વાસિયા સરોવર હિંદુઓ માટે અતિ મહત્વનું

    ત્યારે સરોવરના નિર્માણ બાદ અહીં વિવિધ ઘાટોનું નિર્માણ કરવામાં આવ્યું અને દશકાઓથી હિંદુઓ અહીં ધાર્મિક વિધિ વિધાન કરતા આવ્યા છે. તેવામાં થોડા સમય પહેલા કોઈ અજાણ્યા લોકોએ આ ઘાટ પર લગાવવામાં આવેલી તકતીઓ કે જેમાં ‘હિંદુ’ શબ્દનો ઉલ્લેખ હતો, તેને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી. અનેક તકતીઓ એવી હતી કે જેને સરળતાથી હટાવી શકાતી હતી, તેને તોડીને તળાવમાં ફેંકી દેવામાં આવી. જેને ન તોડી શકાઈ, તેમાં હિંદુ શબ્દને ખરડી નાખવામાં આવ્યા.

    - Advertisement -

    આ ઘટના સ્થાનિક હિંદુ સમુદાયને ધ્યાને આવતા તેમનામાં રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી હિંદુઓ આ મામલે આક્રોશિત હતા. ત્યારે કોઈ નિવેડો ન આવતા, સ્થાનિક હિંદુ સમુદાયે સંગઠનોને સાથે રાખીને જિલ્લા કલેકટરને હાથોહાથ આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે, જે પણ ઈસમોએ આ કૃત્ય કર્યું છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

    તળાવ કિનારે દબાણો થતા હિવાની રાવ

    આવેદનપત્રમાં માત્ર તે એક જ વિષય નહીં, પરંતુ હિંદુઓના અસ્થાના કેન્દ્ર એવા વાસિયા તળાવ ફરતે કરવામાં આવેલા મઝહબી દબાણોને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે તળાવમાં પૂરાણ કરી-કરીને બાંધકામો ઉભા કરવામાં અવી રહ્યા છે. અહીં હિંદુઓના આરાધ્ય મહાદેવ અને અન્ય એક ખોડીયાર માતાનું મંદિર પણ આવેલું હોવાથી મામલો વધુ ગંભીર બને છે.

    શું છે વાસિયા સરોવરનો ઈતિહાસ

    આ મામલે વધુ માહિતી લેવા માટે ઑપઇન્ડિયા વિશ્વ હિંદુ પરિષદના મહીસાગર જિલ્લાના સહ સંયોજક વિજય રાણા સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયા સમક્ષ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ગત 26 તારીખની આસપાસ અમને આખી ઘટનાની જાણ થઈ. કેટલાક અજાણ્યા લોકોએ તળાવમાં લાગેલી તકતીઓ તોડવાનું, તેમાં ‘હિંદુ કોમ માટે’ લખેલા શબ્દોમાં હિંદુ શબ્દ ભૂસી નાખવાનું અને જેમાં ન ભૂંસી શકાય તેને તળાવમાં ફેંકી દેવાનું કૃત્ય કર્યું છે. આ ઘટનાને લઈને જ અમે આવેદન પત્ર આપવાની કામગીરી કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.”

    ઐતિહાસિક સરોવરની માઠી દશા, તકતીઓ તોડીને તળાવમાં ફેંકી

    સરોવરના ઈતિહાસ અને મહત્વતા વિશે જણાવતા તેમણે જણાવ્યું કે, “વાસિયા સરોવર મહારાણા વખતસિંહજીએ તેમના પૂત્રી કિશનકુંવરબાના નામે બનાવીને તેને લોકાર્પણ કર્યું. તળાવ બન્યા બાદ મહારાજ સાહેબે જનતાને કહ્યું હતું કે સરોવરના કાંઠે તમને યથાયોગ્ય ઘાટ બનાવવા જેવા લાગે તે બનાવી લો. મહારાજની પરવાનગી મળી એટલે હિંદુ સંસ્કૃતિ અનુસાર ઘાટ બનાવવાનું નક્કી થયું. તેમાં 1994માં મોતી ઘાટ બનાવવામાં આવ્યો, તેને મોતીરામ નામના વેપારીએ બનાવ્યો, ત્યારબાદ દામોદર ઘાટ બનાવવામાં આવ્યો. ત્યાર બાદ મહારાનીજીના મનમાં મહારાણી ઘાટ બનાવવામાં આવ્યો.”

    વિવિધ ઘાટ અને તેના ધાર્મિક ઉપયોગો

    તેમણે જણાવ્યું કે, “ત્યારબાદ જાની ઘાટ બનાવવામાં આવ્યો, ચિત્તોડ ઘાટ કે જે 40 ફૂટનો ઘાટ બનાવવામાં આવ્યો. શ્રી પરશોત્તમ ઘાટ તેના બળ અસ્તિત્વમાં આવ્યો. આ તમામ ઘાટ બનાવવામાં જેમણે પણ યોગદાન આપ્યા તેમના નામોના ઉલ્લેખ સાથે તકતીઓ મારવામાં આવી હતી. આ તકતીઓમાં ઘાટને બનાવવામાં મદદરૂપ થનારના નામ સાથે, ‘હિંદુ સમુદાય’ને અર્પણ તેમ લખવામાં આવ્યું હતું. ત્યારે કોઈ વ્યક્તિઓએ આ જે હિંદુ શબ્દ છે તેને લઈને આ પ્રકારની હરકત કરી.”

    વિજય રાણાના જણાવ્યા અનુસાર આ તમામ ઘાટ હિંદુઓ માટે બનાવવામાં આવ્યા હતા, અહીં હિંદુઓ વિવિધ તહેવારો દરમિયાન પૂજા-પાઠ, સારા નરસા પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન અને ગણપતિ કે અન્ય તહેવારો દરમિયાન વિસર્જન સહિતની ધાર્મિક અનુષ્ઠાન અહીં કરવામાં આવતા હતા.

    તળાવની આસપાસ મુખ્ય મુસ્લિમોની વસ્તી

    અહીં વસતા લોકો વિશે માહિતી માંગવામાં આવતા ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું કે, તળાવ આસપાસ મુખ્ય વસ્તી મુસ્લિમોની છે. હિંદુઓ અહીંથી થોડા દૂર વસે છે. વિજય રાણાએ જણાવ્યા અનુસાર અહીં માત્ર એ એક જ પ્રશ્ન નહોતો કે તકતીઓ તોડી નાખવામાં આવી, પરંતુ અહીં તળાવમાં પૂરાણ કરીને તેના પાળે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું.

    તોડવામાં આવેલી તકતી

    તળાવમાં પૂરાણ કરીને પાકા બાંધકામો કરવામાં આવતા હોવાનો દાવો

    તેમણે જણાવ્યું કે, “તળાવની આસપાસની પાળીઓ પર પૂરાણ કરવામાં આવી રહ્યા છે અને ત્યાં પાકા બાંધકામ કરવામાં આવી રહ્યા છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. માત્ર પાકા બાંધકામો જ નહીં, અહીં એક પ્રાચીન ખોડીયાર માતાનું મંદિર પણ આવેલું છે, આજથી પાંચ-સાત વર્ષ પહેલા ત્યાં મંદિર સિવાય કશું નહોતું, જયારે અત્યારે ત્યાં મંદિરના રસ્તા પર જ અનેક મજારો બનાવી દેવામાં આવી છે. તળાવની પાળે પણ કેટલીક કબરો બનાવી દેવામાં આવી છે.

    સ્થાનિક હિંદુ સમુદાયનો આરોપ છે કે પ્રશાસન આ મામલે કશું જ નથી કરી રહ્યું. વિજય રાણાના જણાવ્યા અનુસાર તળાવની આસપાસ કોઈ જ કબ્રસ્તાન નથી અને તેમ છતાં અહીં કબરો બનાવી દેવામાં અવી છે. બીજી તરફ ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પર તપાસ કરી તો અમને તળાવ પાસે જ એક મોટી મસ્જિદ અને દરગાહ જોવા મળી. આ બંને મઝહબી બાંધકામો તળાવની નજીક જ ઉભા કરવામાં આવ્યા છે.

    કોંગ્રેસી ધારાસભ્યને તેમના મત વિસ્તારના હિંદુઓની સમસ્યાઓની ખબર જ નથી

    નોંધનીય છે કે મહીસાગરની આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. હાલ અહીંયા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ મહિસાગર જિલ્લાના કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે. ઑપઇન્ડિયાએ જયારે આ મામલે માહિતી લેવ તેમનો સંપર્ક કર્યો, તો તેમનો જવાબ ખરેખર ચોંકાવનારો હતો.

    ઑપઇન્ડિયા સાથે થયેલી ટેલીફોનીક વાતચીતમાં કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહે જણાવ્યું હતું કે તેમને આ વિષયની કશી ખબર જ નથી. અત્યાર સુધી તેમના ધ્યાનમાં આવી કોઈ બાબત આવી જ નથી. ઑપઇન્ડિયાએ જયારે તેમને ખોડિયાર માતાના મંદિર વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે, હા તેઓ મંદિર વિશે જાણે છે. પરંતુ જયારે તેમને મંદિરના રસ્તામાં અને તળાવની આસપાસ ઉભા કરવામાં આવેલા મઝહબી દબાણોને લઈને કશી જ ખબર નથી.

    ગુલાબસિંહ ચૌહાણે ઑપઇન્ડિયાને કહ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરશે અને ત્યાર બાદ જ કોઈ નિવેદન આપી શકશે. આટલી વાત કરીને ફોન મૂકી દેવામાં આવ્યો હતો.

    ગુજરાતના છોટે કાશી તરીક ઓળખાય છે લુણાવાડા

    ઉલ્લેખનીય છે કે મહિસાગર, પાનમ અને વેરી એમ ત્રણ નદીઓ વચ્ચે તેમજ ડુંગરોથી ઘેરાયેલું આ લુણાવાડા નગર આગવું મહત્વ ધરાવે છે. નગરની ઓળખ ગુજરાતના છોટે કાશી તરીકે છે અને તેનું કારણ છે અહીં આવેલા અઢળક શિવાલયો. લુણાવાડા નામ જેના પરથી પડ્યું તે લૂણેશ્વર મહાદેવ, રણમુક્તેશ્વર મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, નંદેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મંદિર, કાલભેરવ મંદિર અને શહેરની વચ્ચોવચ બનેલું દક્ષિણી શૈલીનું રામજી મંદિર મુખ આકર્ષણનું કેન્દ્ર છે.

    આટલું જ નહીં, લુણાવાડા નગર વચ્ચે જ એક વિશાળ ડુંગર છે, આ ડુંગર પર નગર દેવી મહાકાલી માતાજી અને હનમાનજી મહારાજના મંદિર આવેલા છે. આ સિવાય આસપાસના ડુંગરો પણ અનેક હિંદુ ધાર્મિક સ્થળો આવેલા છે. આટલા બધા મંદિરો ઉપરાંત અહીં જિનાલયો પણ છે. અહીં મનોહરનાથનો અખાડો પણ છે જે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. ઘાટો, મંદિરો અને જિનાલયોની આ નગરી આથી જ ગુજરાતના છોટે કાશી તરીકે ઓળખ ધરાવે છે. આ મંદિરોના લેખિત સ્ત્રોત ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    નોંધવું જોઈએ કે છોટે કાશી લુણાવાડાનું આ વાસિયા સરોવર, સરોવરના ઘાટ, સરોવર પાળે આવેલુ ખોડીયાર માતાનું મંદિર, તેમજ પ્રાચીન મહાદેવોના મંદિર હિંદુઓ માટે અતિ મહત્વના છે. ત્યારે અહીં આ પ્રકારની હરકતથી સ્થાનિક હિંદુઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર તો આપવામાં આવ્યું છે, પરંતુ તે દિશામાં કાર્યવાહી ક્યારે થાય તે જોવું રહ્યું. હિંદુ સંગઠનોએ આપેલા આવેદનપત્રની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં