નવરાત્રિને ધ્યાને રાખીને ગુજરાત સરકારે (Government Of Gujarat) અનેક નિર્ણયો લીધા છે. મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી પણ મળી છે. તેવામાં હવે સુરત ભાજપના (Surat BJP) એક કોર્પોરેટરે (Corporator) ‘યોગી મોડલ’ (Yogi Model) અપનાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમ્યા બાદ ખેલૈયા સ્વાભાવિક હોટેલ (Hotel) પર ભોજન અથવા નાસ્તા માટે જતાં હોય છે. જેથી હોટેલ માલિકોએ પોતાની હોટેલ પર નામ લખવું ફરજિયાત થઈ જવું જોઈએ. જેથી કરીને કોઈની ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચી શકે. તેમણે વધુમાં કહ્યું કે, હોટેલનું નામ શ્રીરામ અને માલિક મોહમ્મદ, આવું હવે ચલાવી લેવાશે નહીં.
સોમવારે (30 સપ્ટેમ્બર) સુરત કોર્પોરેશનમાં (SMC) સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન વિજય ચોમાલે (Vijay Chomale) નામના એક ભાજપ કોર્પોરેટરે ‘યોગી મોડલ’ અપનાવવાની વાત કરી હતી અને દરેક હોટેલ પર માલિકનું નામ દર્શાવવા માટે અપીલ કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારો વિષય એ છે કે, તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે. આ સુરતીઓની વિશેષતા છે. 3 ઑક્ટોબરથી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. તેમાં સુરતીઓ સાથે કોઈ ઠગી ના થાય એ મહત્વનું છે. કોઈપણને ભેળસેળવાળું ભોજન ન મળે એ મહત્વનું છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “હોટેલનું નામ હોય છે આશીર્વાદ અને માલિક હોય છે યુનિસ. હોટેલનું નામ હોય છે શ્રીરામ અને માલિક હોય છે મોહમ્મદ. આ ન થવું જોઈએ. માલિકનું નામ જે છે, તે અનુસાર જ હોટેલનું નામાંકન પણ હોવું જોઈએ. હવે આવું ચલાવી શકાય નહીં. સુરત મહાનગરપાલિકાની હદમાં આવી કોઈ હોટેલ મળે તો તેને દંડ કરો. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો. આ એક ગુનો છે. સુરત મહાનગરપાલિકાને હું આવું કરવા વિનંતી કરું છું. અમે બધા કોર્પોરેટરો સાથે આ મામલે તપાસ પણ કરાવીશું અને કાર્યવાહી પણ હાથ ધરીશું.”
તેમણે વધુમાં કહ્યું કે, “આવી ઘટનાઓ ઘણા સમય સુધી ચાલી છે, પરંતુ હવે તેને નહીં ચાલવા દઈએ. ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરો સાથે મળીને આ કાર્યવાહીને આગળ વધારીશું.” કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવેલા યોગી મોડલ અપનવવાના મુદ્દાને તમામ કોર્પોરેટરોએ કોઈપણ વિવાદ વગર સંપત્તિ આપી હોવાનું પણ સામે આવ્યું છે. ઘણા કોર્પોરેટરોએ આ મુદ્દાને યોગ્ય પણ ઠેરવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ યોગી સરકારે આખા ઉત્તર પ્રદેશમાં તમામ ખાદ્ય પદાર્થોની દુકાનો પર નામ દર્શાવવાનો આદેશ જારી કર્યો હતો.