પાકિસ્તાનની ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય. સૂત્રોના હવાલાથી મીડિયામાં આ માહિતી સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા ભારતીય ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાને તમામ ભારતીય ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ હવે ભારત સરકારે પણ પાકિસ્તાની ફિલ્મની રિલીઝ અટકાવી દીધી છે.
ફવાદ ખાન અને માહિરા ખાનની આ ફિલ્મ 1979ની ફિલ્મ મૌલા જટ્ટનું રિમિક્સ છે, જેનું નિર્દેશન બિલાલ લશારીએ કર્યું હતું. મળતી માહિતી મુજબ, ભારતમાં 10 વર્ષ બાદ કોઈ પાકિસ્તાની ફિલ્મ રીલિઝ થઈ રહી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેને લઈને દેશભરમાં ભારે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 2 ઑક્ટોબરના રોજ આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં આવી રહી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
Pakistani film 'The Legend of Maula Jatt' is not being permitted in cinema theatres in India. It is learnt that the decision has been taken as Indian films have not been permitted in Pakistan since 2019: Sources
— ANI (@ANI) September 28, 2024
જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. રાજ ઠાકરેએ જે થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી તેમને ખુલ્લો પડકાર પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ મહારાષ્ટ્રના કોઈપણ થિયેટરમાં નહીં દર્શાવાય. તે સિવાય સોશિયલ મીડિયામાં પણ લોકોએ આ ફિલ્મની રિલીઝને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાના હકો ઝી સ્ટુડિયોઝ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. જેના કારણે લોકોએ જી સ્ટુડિયોઝને પણ ટાર્ગેટ કર્યું હતું અને તેનો પણ વિરોધ કર્યો હતો.
ફિલ્મના રિલીઝનો વિરોધ થવાનું એક સૌથી મોટું કારણ તેનો પાકિસ્તાની અભિનેતા હમઝા અલી અબ્બાસી છે, જે મુંબઈના 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો સમર્થક છે. આતંકવાદીઓનું સમર્થન કરવાનો હમજા અબ્બાસીનો જૂનો ઇતિહાસ છે. તેણે અગાઉ એક વખત ટ્વિટર પર જાહેરમાં હાફિઝ સઈદની વકાલત કરી હતી. તે સિવાય તેણે આતંકીની ધરપકડ થઈ તે સમયે પણ તેનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, તેણે કઈ જ ખોટું નથી કર્યું. આ બધા કારણોને ધ્યાને રાખીને લોકોએ આ ફિલ્મનો ખૂબ વિરોધ કર્યો હતો.