ભારતમાં (Bharat) વધી રહેલ ટ્રેન દુર્ઘટના અને ટ્રેન ઉથલાવી (Train Derail) નાખવાના ષડયંત્રભરી ઘટનાઓ સામે આવતા રેલવે વિભાગે (Indian Railway) એક મહત્વનો નિર્ણય લીધો હતો. કોઈ સ્થાને ટ્રેન દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ત્યાં પહોંચી શકે એ હેતુથી ‘રેલ રક્ષક દળ’ (Rail Rakshak Dal) રચવામાં આવી રહ્યું છે. ‘રેલ રક્ષક દળ’ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચીને બચાવ (Rescue) કામગીરી હાથ ધરવા સક્ષમ છે. તે સિવાય રેલ રક્ષક દળના કારણે ટ્રેન ઉથલાવવાના માટે થતાં પ્રયાસો પણ ટળી શકે તેમ છે.
ભારતીય રેલવેએ પ્રથમ વખત ‘રેલ રક્ષક દળ’ની સ્થાપના કરી છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે, ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) ઝોનમાં આ પહેલ શરૂ કરી છે. વર્તમાનમાં વધી રહેલ ટ્રેન અકસ્માતો અને ટ્રેન વિરુદ્ધના ષડ્યંત્રની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ‘રેલ રક્ષક દળ’ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ તરત જ તે દિશામાં અસરકારક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલ્વેના RPFના IG જ્યોતિ કુમાર સતીજાએ જણાવ્યું હતું કે, “આ અમારા માટે ગર્વની ક્ષણ છે કે, અમારા રેલવે મંત્રીએ કોઈપણ દુર્ઘટના દરમિયાન બચાવમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે આ પહેલ કરી છે. NWRને પાયલોટ પ્રોજેક્ટમાં આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ વખત RPFને બચાવ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહી છે. “
ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અમિતાભે કહ્યું હતું કે, “મંત્રીના નિર્દેશ પર ‘રેલ રક્ષક દળ’ની રચના કરવામાં આવી છે. તેમાં રેલવેના સક્ષમ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. અમે તેમને સ્વિમિંગ જેવા ક્ષેત્રોની તાલીમ આપી રહ્યા છીએ. જે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે તે બધા ઓછા વજનના અને વહન કરવા માટે સરળ છે. ‘રેલ રક્ષક દળ’નો ઉદ્દેશ્ય જરૂર પડ્યે રેલવેના કામ આવવાનો છે. સમયાંતરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.”
#WATCH | General Manager, NWR, Amitabh says, "…Rail Rakashak Dal has been formed on the direction of the Minister. The able-bodied staff of the Railway are being deployed in it. We are also training and exposing them in areas like swimming. The equipment that will be used all… https://t.co/6d0nVskYl6 pic.twitter.com/PuOF0cxNPT
— ANI (@ANI) September 24, 2024
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (24 સપ્ટેમ્બરે) સવારે જ પશ્ચિમ બંગાળમાં એક માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી હતી. આ સિવાય 23 સપ્ટેમ્બરે રાત્રે મહાબોધિ એક્સપ્રેસ ટ્રેનની ગાર્ડ બ્રેક પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી. આ સિવાય કાલિંદી એક્સપ્રેસ, સાબરમતી એક્સપ્રેસ, દહેરાદૂન એક્સપ્રેસ સહિતની ટ્રેનોને ઉથલાવી દેવાના મોટા ષડયંત્ર પણ સામે આવ્યા હતા. આ મામલાઓને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ દ્વારા ‘રેલ રક્ષક દળ’ રચવાની જાહેરાત કરી હતી.