ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ ચર્ચા તેમણે 2 દિવસ અગાઉ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને શરૂ થઈ હતી. જોકે, હવે યુવરાજે પોતે મીડિયા સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરી છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ભાવનગર યુવરાજ દ્વારા શંકરસિંહ વાઘેલાને તેમજ સમાજના અન્ય અગ્રણીઓને તેમના પૂર્વજોને અને પરિવારને લઈને રાજકારણ ન કરવા જણાવ્યું છે. સાથે જ તેમણે તેમના પિતા અને ભાવનગરના વર્તમાન મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને સમર્થન આપતા હોવાનું જણાવ્યું છે.
ભાવનગર યુવરાજના નિવેદન વિશે જાણતા પહેલાં છેલ્લા ત્રણ દિવસનો ઘટનાક્રમ જાણવો જરૂરી છે. વાત એમ છે કે, ગત 20 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઈ ગયું. આ સંમેલનમાં ગુજરાતના ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ, રાજકારણીઓ અને ખાસ કરીને કેટલાક રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ની જાહેરાત કરવામાં આવી અને તેની સુકાન ભાવનગરના વર્તમાન મહારાજ સાહેબ વિજયરાજસિંહજી ગોહિલને સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર હતા.
ક્ષત્રિયોના મહાસંમેલન પહેલાં ભાવનગર યુવરાજની પોસ્ટ અને ચર્ચાઓએ જોર પકડ્યું
હવે આ કાર્યક્રમ પહેલાં જ (18 સપ્ટેમ્બર 2024) ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજીએ એક ફેસબુક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે તેઓ કોઈ પણ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી. તેમણે કહ્યું હતું કે તેઓ ક્ષત્રિય સમાજને વફાદાર છે અને રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે તેમના પૂર્વજો અથવા તેમના પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.
તેમની આ પોસ્ટ બાદ અનેક અટકળો ચાલી હતી અને મીડિયામાં અનેક વાતો ઉડી હતી. ક્ષત્રિય સમાજના કોઈ મોટા કાર્યક્રમ પહેલાં તેમની આ પોસ્ટે અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા હતા. જોકે, ત્યારબાદ સંમેલન યોજાઈ પણ ગયું અને તેમના પિતા અને ભાવનગર મહારાજને નવી બનાવેલી સમિતિના અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવ્યા. સમગ્ર ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ હવે ભાવનગર યુવરાજે મૌન તોડ્યું છે અને તેમણે કરેલી પોસ્ટ વિશે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદન બાદ ફરી એક વાર ચર્ચાઓનો દોર ચાલી પડ્યો છે. કારણ કે, ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલાને લઈને જે વાત કરી છે, તે આ નવા બનાવવામાં આવેલા ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ પર સવાલો ઉભા કરી શકે તેમ છે.
ભાવનગર યુવરાજે નવી સમિતિને લઈને મીડિયા સામે આપ્યું સ્ફોટક નિવેદન
ભાવનગર યુવરાજે મીડિયા સમક્ષ હાજર થઈને જણાવ્યું કે, “ગત 20 તારીખે જે કાર્યક્રમ હતો તે મામલે હું 2 બાબતોની ચોખવટ કરી દઉં. 20 તારીખે જે સમિતિનું સંગઠન બન્યું છે, મારે તેની શરુઆત ક્યાંથી થઈ એ વાત કરવી છે. ગત 31 મે, 2024ના રોજ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર કે જેઓ શીવાબાપા તરીકે ઓળખાતા હતા, એમનું દુ:ખદ અવસાન થયું હતું. 6 દિવસ પછી એટલે કે 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ મળ્યો કે મારે પરિવારને મળવું છે. સ્વાભાવિક છે કે, શંકરસિંહ વાઘેલા શીવાબાપાને ઓળખતા જ હશે કારણ કે, બંને રાજનીતિમાં હતા અને એક જ પક્ષ સાથે સંકળાયેલા હતા. મને લાગ્યું કે, બાપુ આવે છે અમારા માટે સારુ રહેશે, સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, આ સમયમાં એમનો સહારો મળે આ સમયમાં એ સારી વાત છે.”
મારા દાદાનું બારમું નહોતું થયું ને શંકરસિંહે સમિતિના પ્રમુખ પદે મને બેસાડવાની વાત કરી: ભાવનગર યુવરાજ
તેમણે આગળ જણાવ્યું કે, “બાપુ (શંકરસિંહ વાઘેલા) આવ્યા ત્યારે તેમની સાથે અન્ય સમાજના વ્યક્તિઓ પણ આવ્યા હતા. પણ તેમની વાત સાંભળી મને આશ્ચર્ય થયું હતું કે, એક તરફ શીવાબાપાનું બારમું પણ થયું ન હતું અને સમાજના વડીલ આવી વાત કેવી રીતે કરી શકે? આપણે સંસ્કારી માણસો છીએ, કોઈના પરિવારમાં કોઇનું અવસાન થાય તો બારમા સુધી આપણે બીજી વાત નથી કરતાં. તેવા સમયમાં આપણે ત્યાં જઈને શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને સવારે નીલમબાગ પેલેસ હોટલ ખાતે શંકરસિંહ બાપુ આવ્યા અને આ નવી બનેલી સમિતિની વાત અને તેના પ્રમુખ સ્થાને મને બેસાડવાની વાત કરી હતી.”
વધુમાં જયવિરરાજસિંહએ જણાવ્યું કે, “મેં બાપુને પુછ્યું કે, આનું કારણ શું? અમે બધા અત્યારે શોકમાં છીએ અત્યારે દુ:ખથી પસાર થઈ રહ્યા છીએ. ત્યારે મને બાપુએ કહ્યું કે, ચૂંટણીઓ થઈ ત્યારે પરષોત્તમ રૂપાલાવાળો જે મુદ્દો થયો હતો ત્યારે સમાજની એક પ્રકારની એકતા ઉભી થઈ હતી. બાપુએ મને કહ્યું કે, આ એકતા યથાવત રહેવી જોઈએ. એટલે મેં તેમને જવાબ આપ્યો કે, સ્વાભાવિક વાત છે કે એકતા કાયમ રહેશે. એના માટે કંઈ આપણે દર અઠવાડીયે આંદોલન કરવાની જરૂર નથી. તેના જવાબમાં બાપુએ મને કહ્યું કે, આ સમિતિ રાજકીય નથી પણ જેમ ભારતીય જનતા પાર્ટીની માતૃસંસ્થા સંઘ છે એવી રીતે જ આપણે આ સંસ્થા શરુ કરવા માંગીએ છીએ અને તમને લઈને યુવાનોને તેમાં જોડવા માંગીએ છીએ.”
ભાવનગર રાજવી પરિવાર વગર સમિતિની કલ્પના કરી જુઓ: ભાવનગર યુવરાજ
તેમણે આગળ જણાવ્યું કે, “મેં તેમને સ્પષ્ટ કહ્યું કે, હું સમાજને લઈને ક્યારેય રાજકારણ નહીં કરું. જો રાજકારણમાં આવવું જ હશે તો ભાવનગર શહેરના અને નાગરિકોના અન્ય અનેક મુદ્દાઓ છે, જેને લઈને આગળ આવી શકાય તેમ છે. હું સમાજને કહેવા માંગું છું કે, મેં જે પોસ્ટ કરી હતી તે મારા પિતાના સમર્થનમાં મૂકી હતી. એ પોસ્ટ કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે, કોઈ પણ વ્યક્તિ મારા પિતા, પરિવાર કે મારા પૂર્વજોના નામનો ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે. અને છેલ્લી વાત કે, 20 તારીખના કાર્યક્રમમાં પ્રજાવત્સલ નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોત અને તેમને ભારત રત્ન આપવા મામલે નિર્ણય ન લેવો હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ સમિતિથી હટાવી લો તો સમિતિનું અસ્તિત્વ શું છે?”
મારા પરિવાર કે પૂર્વજોના નામે રાજકારણ કર્યું તો…
ભાવનગર યુવરાજે ક્ષત્રિય સમાજને અને યુવાઓને જાગૃત રહેવા હાંકલ કરી હતી. તેમણે અંતમાં એમ પણ કહ્યું હતું કે, બાપુ (શંકરસિંહ વાઘેલા) વડીલ છે, વડીલને માન-સન્માન આપાય અને વડીલ જો ખોટું કરે તો તેમને પણ જવાબ આપવાની ક્ષમતા રાખો કે ખોટું છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, “મારા પરિવાર કે પૂર્વજોના નામનો તમે રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો અને જો તેમ કરશો તો હું તમારી સામે ઉભો રહીશ.” નોંધવું જોઈએ કે, શંકરસિંહ વાઘેલાએ યુવરાજને ભાજપ અને RSSનું ઉદાહરણ આપી જે મુજબની સમિતિ બનાવવા કહ્યું, તે અને સંમેલન વખતે શંકરસિંહ સહિતના અગ્રણીઓએ જે મુજબ વાત કરી કે સમિતિ રાજકારણથી દૂર રહેશે. તે બંને વાતો એક બીજાથી વિપરીત પ્રતીત થઇ રહી છે.