હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના (PM Modi’s US Visit) પ્રવાસે છે. પ્રથમ દિવસે તેમણે ક્વાડ સમિટ સહિતના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ જો બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી. જ્યાં અમેરિકાએ ભારતને 297 પ્રાચીન કલાકૃતિઓ અને પુરાવશેષો (297 antiquities) પરત સોંપવાની જાહેરાત કરી હતી. આ પ્રાચીન વસ્તુઓમાં અનેક બહુમૂલ્ય મૂર્તિઓ અને કલાકૃતિઓનો સમાવેશ થાય છે, જેને સમયાંતરે ભારતમાંથી લૂંટી/ચોરી કે દાણચોરી કરીને વિદેશમાં લઈ જવામાં આવી. વિદેશ મંત્રાલય દ્વારા પછીથી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરી કે પછી તસ્કરી દ્વારા લઈ જવામાં આવેલી 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી છે. તેને ટૂંક સમયમાં જ ભારત લઈ આવવામાં આવશે. ડેલાવેયરની વિલમિંગટન ખાતે યોજાયેલી ભારત અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને પ્રતીકાત્મક રૂપે કેટલીક ભારતીય પ્રાચીન કલાકૃતિઓ સોંપવામાં આવી હતી.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “297 બહુમૂલ્ય કલાકૃતિઓ ભારતને પરત કરવાના નિર્ણય બદલ હું રાષ્ટ્રપતિ બાયડન અને US સરકારનો આભાર વ્યક્ત કરું છું.” સાથે તેમણે સાંસ્કૃતિક જોડાણ વધુ મજબૂત બનાવીને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદેસર તસ્કરી પર રોક લગાવવા માટે આહવાન કર્યું.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
— Narendra Modi (@narendramodi) September 22, 2024
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO
પ્રાચીન વસ્તુઓમાં શાનો-શાનો સમાવેશ?
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક સૂચિ જાહેર કરવામાં આવી છે, જેમાં અમેરિકા દ્વારા પરત કરવામાં આવનાર કેટલીક અમૂલ્ય પ્રાચીન વસ્તુઓનો ઉલ્લેખ છે. આ સૂચિ અનુસાર આમાં લગભગ 4000 વર્ષ જૂની એટલે કે ઈસ. 2000 પૂર્વથી લઈને 1900 સુધીની ચીજવસ્તુઓ છે. તેમાં મોટાભાગની વસ્તુઓ પૂર્વીય ભારતની ટેરાકોટા કલાકૃતિઓ છે, જ્યારે અન્ય કેટલીક વસ્તુઓ પથ્થર, ધાતુ, કાષ્ઠ તેમજ હાથી દાંતથી બનેલી છે અને દેશના અલગ-અલગ ભૂભાગથી તેને તસ્કરી કે ચોરીને લઈ જવામાં આવી હતી.
During this visit of PM Narendra Modi to the US, 297 antiquities smuggled out of the country were handed over to India. This takes the total number of antiquities recovered by India since 2014 to 640. The total number of antiquities returned from the USA alone will be 578. pic.twitter.com/dE1EpLYFkj
— ANI (@ANI) September 22, 2024
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચિ અનુસાર તેમાં એક અપ્સરાની મૂર્તિ છે જે મધ્ય ભારતમાં મળી આવતા બલુઆ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિ 10-11મી સદીમાં બનાવવામાં આવી હોવાનું મનાય છે. આ સિવાય કાંસાની બનેલી જૈન તીર્થંકરની મૂર્તિ, પૂર્વી ભારતથી મળેલું ત્રીજી-ચોથી સદીનું ટેરાકોટા ફૂલદાન, દક્ષિણ ભારત શૈલીની પથ્થરની મૂર્તિ, કાંસાના ગણપતિ જે 17-18મી સદીના છે. આ ઉપરાંત, ભગવાન બુદ્ધની પ્રતિમા, ભગવાન વિષ્ણુની કાંશાની પ્રતિમા, ભગવાન કૃષ્ણની કાંસાની પ્રતિમા તેમજ ગ્રેનાઈટમાંથી બનાવવામાં આવેલી ભગવાન કાર્તિકેયની મૂર્તિ કે જે 13 કે 14મી સદીમાં બનાવવામાં આવી હતી તેનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચે સંસ્કૃતિક સંપદાઓ અને સમજનું આદાન-પ્રદાન વધ્યું છે. વર્ષ 2016થી લઈને અત્યાર સુધી અમેરિકાએ ભારતથી લઈ જવામાં આવેલી અનેક ધરોહરો પરત કરી છે. જૂન 2016માં પીએમ મોદી જ્યારે અમેરિકા ગયા ત્યારે 10 ઐતિહાસિક અવશેષો ભારત પરત લઈ આવ્યા હતા. ત્યારબાદ 2021માં ફરી જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે 157 પ્રાચીન ભારતીય વસ્તુઓ સ્વદેશ પરત આવી. ગત વર્ષે પણ 105 પૌરાણિક અવશેષો ભારત પરત લાવવમાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 578 પ્રાચીન ધરોહરો અમેરિકાએ ભારતને પરત કરી છે.