Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાની ફિલ્મ, અભિનેતા 26/11ના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદનો સમર્થક: ભારતમાં રિલીઝની ઘોષણાથી...

    પાકિસ્તાની ફિલ્મ, અભિનેતા 26/11ના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદનો સમર્થક: ભારતમાં રિલીઝની ઘોષણાથી વિવાદ, સોશિયલ મીડિયા પર ભારે વિરોધ

    જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તેમાં અભિનેતા હમજા અબ્બાસી છે, જે હાફિઝ સઈદને આતંકવાદી માનતો નથી અને કહે છે કે સઈદ ભારતના લોકોનું ભલું ઇચ્છે છે અને કાશ્મીરના યુવાનો માટે અવાજ ઉઠાવે છે. ફિલ્મની રિલીઝ રોકવાની હાલ માંગ થઈ રહી છે.

    - Advertisement -

    ભારતની ઘણી ફિલ્મો પર પાકિસ્તાનમાં અવારનવાર પ્રતિબંધ મૂકવામાં આવતો રહે છે. પરંતુ હવે એક પાકિસ્તાની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ્ટ’ નામની આ ફિલ્મ 2 ઑક્ટોબરના રોજ ભારતમાં રિલીઝ થશે. તે પહેલાં જ તે વિવાદમાં સપડાઈ છે. કારણ એ છે કે ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા હમઝા અલી અબ્બાસી પણ છે, જે મુંબઈના 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો સમર્થક છે. ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની જાહેરાત બાદથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. 

    અગાઉ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડિસેમ્બર, 2024માં શિડ્યુલ કરી હતી, પરંતુ ભારતમાં ભારે વિરોધ બાદ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે તાજેતરમાં એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું, જેમાં ફિલ્મ ફરી મોટા પડદે લાવવાની વાત કહેવામાં આવી. 

    ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના અકાઉન્ટ પરથી મૂકવામાં આવેલી પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું- “બે વર્ષ બાદ, ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ્ટ હજુ પણ અજેય છે. આ અદ્ભુત કથાને ભારતમાં મોટા પડદે જુઓ 2 ઑક્ટોબર, 2024ના રોજ. સિનેમા લિસ્ટિંગ અંગે જલ્દીથી જાણકારી આપવામાં આવશે.”

    - Advertisement -

    ફિલ્મ રિલીઝ થવાની જાહેરાત બાદ જ સોશિયલ મીડિયા પર અનેક યુઝરોએ પાકિસ્તાની ફિલ્મ અને તે પણ આતંકવાદી સમર્થકોની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા પર વાંધો ઉઠાવ્યો અને પ્રતિબંધની માંગ કરી. લોકોએ કહ્યું કે, જે દેશ ભારતમાં છાશવારે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો રહે છે તેની ફિલ્મ શું કામ દર્શાવવી જોઈએ. સાથે હમજા અબ્બાસીનો ઉલ્લેખ કરીને પણ કહ્યું કે, તે એ આતંકવાદીઓનો સમર્થક છે, જેમના કારણે 26/11ના મુંબઈ હુમલામાં સેંકડો નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. 

    પોલિટિકલ કોમેન્ટેટર મિ. સિન્હા લખે છે કે, “આપણે આ ફિલ્મને કઈ રીતે રિલીઝ થવા દઈ શકીએ? શું ભારત અને પાકિસ્તાન વચ્ચે બધું બરાબર છે? શું પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બંધ થઈ ગયો છે? તેમણે ગૃહ મંત્રાલયને ટેગ કરીને ફિલ્મ ભારતમાં રિલીઝ ન થવા દેવાની માંગણી કરી. 

    આ સિવાય પણ ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે. 

    ઉપરાંત, લોકોએ ઝી સ્ટુડિયોઝને પણ પ્રશ્ન કર્યા હતા અને પૂછ્યું હતું કે આખરે તેઓ કઈ રીતે એક પાકિસ્તાની ફિલ્મને ભારતમાં રિલીઝ થવા દે સાથે એમ પણ કહ્યું કે, ભારતના દર્શકો પાસેથી જે કમાણી થશે તેનો ઉપયોગ પછીથી ભારતની જ સુરક્ષા જોખમમાં મૂકાય તેવી ગતિવિધિઓ માટે કરવામાં આવશે. 

    આ ફિલ્મ 1979ના પાકિસ્તાની કલ્ટ ક્લાસિક ‘મૌલા જટ્ટ’ પર આધારિત હોવાનું કહેવાય છે. ફવાદ ખાન અને હમજા અલી અબ્બાસી જેવા તેના અભિનેતાઓ છે. ભારતમાં રિલીઝ કરવાના હકો ઝી સ્ટુડિયોઝ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. ડિસેમ્બર, 2022માં નિર્માતાઓએ ફિલ્મ પંજાબ અને દિલ્હીમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો, પણ ત્યારે પણ બહુ વિવાદ થયો હતો અને પછીથી રિલીઝ અટકી ગઈ હતી. 

    હમજા અબ્બાસી હાફિઝ સઈદનો મોટો સમર્થક, કહ્યું હતું- તે આતંકવાદી નથી

    આતંકવાદીઓનું સમર્થન કરવાનો હમજા અબ્બાસીનો જૂનો ઇતિહાસ છે. તેણે અગાઉ એક વખત ટ્વિટર પર જાહેરમાં હાફિઝ સઈદની વકાલત કરી હતી અને દાવો કર્યો હતો કે સઈદે ઇન્ટરવ્યુ દરમિયાન મુંબઈ હુમલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેની ભારતના નાગરિકો સાથે કોઈ દુશ્મનાવટ નથી. પરંતુ હકીકત એ પણ છે કે આ જ હાફિઝ સઈદે મોકલેલા આતંકવાદીઓએ ભારતના નિર્દોષ નાગરિકોને માર્યા હતા. 

    જુલાઈ, 2019માં પાકિસ્તાનની એજન્સીઓ દ્વારા હાફિઝ સઈદની ધરપકડ બાદ હમજા અલી અબ્બાસીએ આતંકવાદીનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તેણે કશું જ ખોટું કર્યું નથી. ઉપરાંત, સઈદના સમર્થનમાં આવવા માટે લોકોને અપીલ કરી હતી. 

    જુલાઈમાં જ તેણે એક પોસ્ટમાં કહ્યું હતું કે, હાફિઝ સઈદ આતંકવાદી નથી અને તેનો એકમાત્ર ‘વાંક’ એટલો છે કે તે કાશ્મીરના યુવાનો માટે અવાજ ઉઠાવે છે. જ્યારે અમેરિકાથી લઈને UN સુધીના તેને આતંકવાદી ઘોષિત કરી ચૂક્યા છે. 

    એક ઠેકાણે અબ્બાસી એવો પણ દાવો કરી બેઠો હતો કે હાફિઝ સઈદે પાકિસ્તાનમાં બિન-મુસ્લિમો માટે ઘણું કામ કર્યું છે અને ભારત અને ભારતીયો માટે પણ તેને કોઈ દ્વેષ નથી. 

    અબ્બાસી  ‘ટૂ નેશન થિયરી’નો પણ સમર્થક છે. એક વખત તેણે કહ્યું હતું કે, હિંદુ અને મુસ્લિમ માત્ર બે ધર્મ નથી પરંતુ પોતે જ અલગ-અલગ રાષ્ટ્રો છે અને બંને સમુદાયો ક્યારેય રહી શકે નહીં.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં