દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAPના કાર્યકર્તાઓની જાહેર સભાને સંબોધતા કહ્યું છે કે, તેઓ બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. આ સાથે જ તેમણે કાર્યકર્તાઓને કહ્યું છે કે, હવે જનતા પોતે ફરીથી તેમને ચૂંટીને ન લાવે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર બેસશે નહીં. નોંધવા જેવું છે કે, તાજેતરમાં અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. તેના 2 દિવસ બાદ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓની એક સભાને સંબોધિત કરીને પોતાના રાજીનામાં અંગેની વાત કરી છે. આ દરમિયાન કેજરીવાલ સાથે પાર્ટીના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રવિવારે (15 સપ્ટેમ્બર) અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે સંબોધન પણ કર્યું હતું. તેમણે મોટું એલાન કરતાં કહ્યું છે કે, “આજથી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઇશ. હું ત્યાં સુધી CMની ખુરશી પર નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય નહીં સંભળાવે કે, કેજરીવાલ ઈમાનદાર છે. ત્યાં સુધી હું ખુરશી પર નહીં બેસું.”
#BREAKING | I will resign from CM chair after 2 days: @ArvindKejriwal#ArvindKejriwal #News #Delhi #BreakingNews pic.twitter.com/ys3bEtBkXQ
— IndiaToday (@IndiaToday) September 15, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “હું દરેક ઘર અને ગલીમાં જઈશ અને જ્યાં સુધી જનતા તરફથી નિર્ણય નહીં આવે ત્યાં સુધી પદની ખુરશી પર નહીં બેસું. હું દેશની જનતાને પૂછવા માંગુ છું કે, કેજરીવાલ ગુનેગાર છે કે, ઈમાનદાર છે. હું જનતાની વચ્ચે જઈશ. આજથી થોડા મહિના પછી ચૂંટણી છે. હું જનતાને નિવેદન કરું છું કે, તમને લાગે છે કે, કેજરીવાલ ઈમાનદાર છે, તો મારી પાર્ટીને મત આપજો અને તમને લાગે કે, કેજરીવાલ ગુનેગાર છે તો મત ન આપતા.” આ સાથે જ તેમણે મોદી સરકાર પર પણ પ્રહાર કરવાના શરૂ કર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, “કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે ઘણી કન્ડિશન લગાવી છે, છેલ્લા 10 વર્ષમાં તેમણે કન્ડિશન લગાવવામાં કોઈ કસર નથી છોડી. જો તમને લાગે છે કે, કેજરીવાલ ઈમાનદાર છે તો ખૂલીને પાર્ટીને મત આપજો. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે, મારી માંગ છે કે, ચૂંટણી વહેલી કરાવવામાં આવે.” ઉપરાંત તેમણે કહ્યું કે, “મનીષ સિસોદિયાએ પણ કહ્યું છે કે, તેઓ પણ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના પદ પર ત્યાં સુધી નહીં બેસે, જ્યાં સુધી જનતાની અદાલતમાંથી ચૂંટાઈને ન આવે.”