સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરને શુક્રવારે CBI-EDના દારૂ નીતિના કેસમાં દિલ્હીના CM અને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા. સાથે જામીન આપવા માટે કેટલીક શરતો પણ મૂકી હતી. જેનો સ્વીકાર કર્યા બાદ જ CM કેજરીવાલ જામીન પર બહાર નીકળ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભૂયને CM કેજરીવાલની ધરપકડની આવશ્યકતા અને અનિવાર્યતા મામલે અલગ અલગ અભિપ્રાયો આપ્યા હતા. જો કે, કેજરીવાલને શરતી જામીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
AAP સુપ્રીમો કેજરીવાલને શરતોના આધારે જામીન આપવામાં આવ્યા
- સુપ્રીમ કોર્ટે કેજરીવાલ પર ચાલી રહેલ કેસ માટે જાહેરમાં ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે કે તેમની પર ચાલી રહેલ મની લોન્ડરિંગ કેસ અંગે કેજરીવાલ જાહેરમાં કોઈ જ નિવેદન આપી શકશે નહિ.
- જ્યાં સુધી કોર્ટ મુક્તિ ના આપે ત્યાં સુધી દરેક સુનાવણીમાં હાજર રહેવું પડશે. તથા તપાસમાં સહયોગ કરવો પડશે.
- જ્યાં સુધી કેજરીવાલ જામીન પર ફરી રહ્યા છે ત્યાં સુધી, CM ઑફિસ કે દિલ્હી સચિવાલયમાં જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
- ઉપરાંત કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે કોઈ પણ સરકારી ફાઈલો પર સહી કરી શકશે નહિ.
- ₹10 લાખના જામીન બોન્ડ ભરવા પડશે.
- પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે…
- વિદેશ પ્રવાસ નહીં જઈ શકે….
- અઠવાડિયામાં 2 વાર તપાસ અધિકારી સમક્ષ રહેવું પડશે હાજર
- સાક્ષીઓ સાથે કોઇ સંપર્ક નહીં કરી શકે
જામીન દરમિયાન નહિ કરી શકે વિદેશ પ્રવાસ
ઉલ્લેખનીય બાબત છે કે સુપ્રીમ કોર્ટે જામીન આપતા કહ્યું હતું કે અન્ય આરોપીઓના જામીન માટે જે શરતો હશે, તે શરતો પણ અરવિંદ કેજરીવાલને લાગુ પડશે. જે અનુસાર અરવિંદ કેજરીવાલનો પાસપોર્ટ કોર્ટે જપ્ત કર્યો છે. આ સિવાય તેઓ વિદેશની મુલાકાતે જઈ શકશે નહીં. ઉપરાંત અરવિંદ કેજરીવાલે અઠવાડિયામાં બે વાર દર સોમવાર અને ગુરુવારે તપાસ અધિકારીની સામે હાજર થવાનું રહેશે. કોર્ટે આપેલ આદેશ અનુસાર અરવિંદ કેજરીવાલ આ કેસના કોઈ પણ સાક્ષી સાથે મુલાકાત કે વાતચીત કરી તેમને પ્રભાવિત કરી શકશે નહીં. તથા કોઈ પણ પુરાવાઓ સાથે ચેડા કરી શકશે નહીં. ઉપરાંત કોર્ટે કેજરીવાલને આવનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા છૂટ આપી હતી. તથા વ્યક્તિગત જીવન પર કોઈ મર્યાદાઓ લાદી નથી.
જામીન મંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલ પાસે મુખ્યમંત્રી તરીકે કોઈ મહત્વના અધિકારો રહેવા દીધા નથી. જો કે સુપ્રીમે તેમને પ્રચાર કરવાની મંજુરી આપી છે, પરંતુ CM તરીકે કોઈ જ મહત્વના નિર્ણય લેવાની કે કોઈ પણ સત્તાવાર દસ્તાવેજો પર હસ્તક્ષાર કરવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી કેસની તપાસ ચાલશે અને કોર્ટ તેમને મુક્તિ ના આપે ત્યાં સુધી તેમણે એજન્સીઓ દ્વારા ચાલતી તપાસમાં સહયોગ આપવાનો આદેશ પણ કર્યો હતો.