તાજેતરમાં સુરતમાં સૈયદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરીને શહેરની શાંતિમાં પલીતો ચાંપનારા મુસ્લિમ ઇસમોને કોર્ટમાં રજૂ કરતી વખતે સરકારે દલીલ કરી હતી કે તેમનો ઈરાદો પોલીસને જાનથી મારી નાખવાનો હતો અને પથ્થર પણ પહેલેથી એકઠા કરી રાખવામાં આવ્યા હતા. જેને જોતાં આ કાવતરું પૂર્વનિયોજિત જ હોવાની પૂરેપૂરી શક્યતા છે.
સુરતના વરિયાળી બજાર વિસ્તારમાં રિક્ષા લઈને આવેલા છ સગીર મુસ્લિમોએ ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરતાં સ્થિતિ વણસી હતી. ત્યારબાદ આક્રોશિત થયેલા હજારો હિંદુઓએ પોલીસ મથકનો ઘેરાવ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. અહીં પણ પથ્થર ફેંકાયા તો પથ્થરબાજોને પકડવા માટે DCP સહિતના પોલીસ અધિકારીઓ ગયા ત્યારે મુસ્લિમ વિસ્તારોમાંથી તેમની ઉપર પણ પથ્થરમારો થયો, જેમાં અમુક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પછીથી પોલીસે રાત્રે જ 27 પથ્થરબાજોને પકડી લીધા હતા.
આ 27માંથી 25ને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાંથી 1 બીમારને બાદ કરતાં 24 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, જે છ સગીરો સામેલ હતા, તેમને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા હતા.
300નું ટોળું ધસી આવ્યું હતું, આટલા પથ્થર ક્યાંથી આવ્યા?
કોર્ટમાં સરકાર પક્ષેથી વકીલે દલીલ કરી હતી કે, પોલીસ મથકે 200થી 300ના ટોળાએ ધસી આવીને પથ્થર ફેંક્યા હતા અને આરોપીઓનો ઇરાદો પોલીસને જાનથી મારી નાખવાનો જ હતો. સરકાર પક્ષેથી કહેવામાં આવ્યું કે, પહેલાં પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને ત્યારબાદ 300નું ટોળું ચોકીએ ધસી આવ્યું હતું તે કાવતરું હોય શકે છે. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટમાં આ વિગતો જણાવવામાં આવી છે.
દર વખતે પથ્થરમારો થાય ત્યારે જ પ્રશ્ન સર્જાય છે તે જ પ્રશ્ન સરકાર પક્ષેથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, આસપાસ કોઈ બાંધકામની સાઇટ ચાલતી નથી, તો આ કિસ્સામાં આટલા બધા પથ્થર ક્યાંથી આવ્યા તે પણ તપાસનો વિષય છે. ઉપરાંત, જે ટોળું એકઠું થયું હતું તેમાંથી અમુક બહારગામના પણ હોય શકે છે, તો તેમને કઈ રીતે બોલાવાયા એ જાણવા માટે તેમનું ક્રોસ ઇન્ટરોગેશન કરવું આવશ્યક છે.
આ કાવતરા પાછળ કોનો દોરીસંચાર?
વધુમાં, પોલીસ એ પણ તપાસ કરશે કે આ રીતે પથ્થરમારો કરીને શહેરની શાંતિ ડહોળવા પાછળ કોનો દોરીસંચાર હતો અને જે બાળકોએ પથ્થર ફેંક્યા હતા તેમને આ પ્રોત્સાહન ક્યાંથી મળ્યું હતું તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, આગામી 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે. આ સ્થિતિમાં શહેરની શાંતિ ડહોળવા માટે આરોપીઓએ અન્ય પણ કોઇ કાવતરાં કર્યાં છે કે કેમ કે પછી ભવિષ્યમાં અન્ય તહેવારોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાની યોજના હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે.
આ દલીલોને અંતે કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થયા બાદ તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં સામે આવ્યું હતું કે જે છ સગીરોએ પથ્થર ફેંક્યા હતા તેમાંથી એક છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત મદરેસામાં જતો હતો. ઉપરાંત તેમનું પ્લાનિંગ આવા 10 પંડાલ પર પથ્થરમારો કરવાનું હતું. એ પણ સામે આવ્યું હતું કે તેઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને ગણેશજીની પ્રતિમા સુધી પહોંચ્યા હતા. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.