તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સંસદમાં વક્ફ એક્ટમાં સુધારો કરવા માટે એક બિલ (Waqf Amendment Bill) રજૂ કર્યું હતું. જેને પછીથી સંયુક્ત સંસદીય સમિતિની રચના કરીને ત્યાં (Joint Parliamentary Committee) મોકલી આપવામાં આવ્યું. હાલ આ સમિતિ બિલ પર ચર્ચા કરી રહી છે ત્યારે તાજેતરમાં આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાના (ASI) અધિકારીઓએ સમિતિ સમક્ષ રજૂઆત કરીને બિલનું સમર્થન કરીને સાથે કહ્યું કે, તેમની 120થી વધુ ધરોહરો પર વિવિધ રાજ્યોનાં વક્ફ બોર્ડે દાવો માંડી દીધો છે. બીજી તરફ, અન્ય બે કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓએ પણ 200થી વધુ સરકારી સંપત્તિઓ વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.
JPCમાં ચર્ચા દરમિયાન ASIએ વિવિધ રાજ્યોનાં વક્ફ બોર્ડ સાથે કુલ 120 ધરોહરો પર થયેલા દાવાને લઈને ચાલતા વિવાદનો ઉલ્લેખ કર્યો અને વક્ફ બિલનું સમર્થન કર્યું હતું. સાંસ્કૃતિક મંત્રાલય, જેના હેઠળ ASI આવે છે, તેના અધિકારીઓએ વક્ફ બોર્ડની અનિયંત્રિત સત્તાઓ વિશે વાત કરી હતી તો બીજી તરફ સમિતિમાં સભ્યો એવા વિપક્ષી સાંસદોએ તેમનો પણ વિરોધ કર્યો હતો, જેના કારણે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું.
ASIએ જેપીસી સમક્ષ વક્ફ બોર્ડ સાથે ધરોહરોને લઈને ચાલતા વિવાદોની સંપૂર્ણ વિગતો આપી હતી. સાથે એમ પણ જણાવ્યું કે, અમુક સ્મારકો તો એવાં પણ છે, જેને ASIએ ‘સંરક્ષિત ધરોહર’ જાહેર કર્યાની એક સદી બાદ વક્ફ બોર્ડ દ્વારા પોતાની સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવી હોય. આ બાબતો જણાવીને ASIએ વક્ફ સુધારા બિલનું સમર્થન કર્યું હતું.
નોંધવું જોઈએ કે વક્ફ એક્ટ, 1995 હેઠળ વક્ફ બોર્ડને કોઇ પણ સંપત્તિને વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવાનો અધિકાર પ્રાપ્ત છે. રિપોર્ટ્સ અનુસાર, આ સત્તાનો ઉપયોગ કરીને વિવિધ વક્ફ બોર્ડે અમુક સંરક્ષિત સ્મારકોને પણ ‘વક્ફ સંપત્તિ’ ઘોષિત કરી દીધાં છે, જેના કારણે તેના સંચાલનને લઈને ASI અને વક્ફ કાઉન્સિલ વચ્ચે વિવાદ ચાલતો રહે છે.
200 સરકારી સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરાઈ: વિવિધ મંત્રાલયના અધિકારીઓની પણ રજૂઆત
બીજી તરફ, શહેરી વિકાસ અને માર્ગ પરિવહનના સચિવ તથા રેલ્વે બોર્ડના અધ્યક્ષે અન્ય મંત્રાલયોના અધિકારીઓએ સંયુક્ત સંસદીય સમક્ષ આ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, 200થી વધુ સરકારી સંપત્તિઓ, જે કેન્દ્ર સરકારની બે અલગ-અલગ એજન્સીઓ હેઠળ આવે છે, તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવી છે. જોકે, વિપક્ષી સાંસદોએ તેમને પણ પ્રશ્નો કર્યા હતા અને કહ્યું હતું કે, જ્યારે રેલવે જેવા મંત્રાલયના પોતાના નિયમો અને ટ્રિબ્યુનલ હોય તો આવા બિલની શું જરૂર છે? અહીં પણ ત્રણ મંત્રાલયોના અધિકારીઓને વિપક્ષી સાંસદોએ અનેક સવાલો કર્યા હતા, જેમની દલીલો હતી કે બિલના અમુક નિયમો મંત્રાલયોના હાલના નિયમોથી વિરુદ્ધ જઈ શકે છે.
વિપક્ષના નેતાઓના પ્રશ્નો પર સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય તથા ભાજપના નેતા નિશિકાંત દુબેએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વક્ફની સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કરવામાં આવે તે ખોટું છે. બીજી તરફ, શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, જ્યારે બ્રિટીશ કાળ દરમિયાન દિલ્હીને નવી રાજધાની બનાવવાની હતી ત્યારે 1911-1912 દરમિયાન ભૂમિ અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી દિલ્હી વકફ બોર્ડે આમાંથી ઘણી સંપત્તિઓ વકફ મિલકતો તરીકે જાહેર કરી દીધી હતી, જેના પગલે કોર્ટમાં અનેક કેસ પણ થયા હતા.