આમ તો દાદા-દાદી માટે સંતાનોનાં સંતાનો વ્હાલાં ગણાય છે. પૌત્ર-પૌત્રીઓને જોઈ વૃદ્ધોની આંખોમાં એક અલગ જ ચમક આવી જાય. પરંતુ તાજેતરની એક ઘટનાએ આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધું. અમરેલીના રાજસ્થળી ગામમાં કુલસન સૈયદ નામની એક મહિલાએ પોતાના જ 1 વર્ષના પૌત્રને બચકાં ભરી અને ઢીકાપાટુનો માર મારીને હત્યા કરી નાખી. બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે સતત રડી રહ્યો હતો અને ચૂપ જ નહોતો થઇ રહ્યો અને દાદી ઊંઘવા માંગતી હતી. મૃતક બાળક તેના અબ્બુ રફીક અને અમ્મીનો એકનો એક દીકરો હતો. હાલ અમરેલી રૂરલ પોલીસે હત્યારી દાદીને જેલના સળિયા ગણતી કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કંપારી છૂટે તેવી આ ઘટના અમરેલીના રાજસ્થળી ગામની છે. અહીં હુસૈન સૈયદ તેની પત્ની કુલસન અને દીકરા રફીક સાથે રહે છે. રફીકના નિકાહ થઇ ચૂક્યા છે અને તેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. બુધવારે (4 સપ્ટેમ્બર, 2024) રાત્રે આફીક અને તેની પત્ની તેમના રૂમમાં ઊંઘતાં હતાં. તેમનાં બંને બાળકો તેમની દાદીના રૂમમાં હતાં. જ્યારે હુસૈન સૈયદ (મૃતક બાળકના દાદા) ખેતીના કામથી ગામતરે ગયા હતા. બહારગામથી જ્યારે હુસૈન સૈયદ વહેલી સવારે પરત ફર્યા ત્યારે તેમણે તેમના પૌત્રને ઘોડિયામાંથી નીચે પડેલો જોયો. આટલું જ નહીં, તેના શરીરનું એક પણ અંગ એવું નહોતું કે જ્યાં ઈજાનાં નિશાન ન હોય.
કુમળા બાળક સાથે રાક્ષસી અત્યાચાર થયો હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો
પરિણામે ઘરમાં હોબાળો મચી ગયો. અચેત પડેલા બાળકને તાત્કાલિક નજીકની સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો. દવાખાને ફરજ પર હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં તે મૃત હોવાનો ખુલાસો થયો હતો. સમાચાર સાંભળીને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. એક તરફ પરિવારે રોકકળ શરૂ કરી અને બીજી તરફ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તે માત્ર શોકમગ્ન પરિવાર માટે જ નહીં, પરંતુ આખા પંથક માટે કંપારી છૂટવી દેનારો નીકળ્યો. રિપોર્ટમાં સામે આવ્યું કે બાળકને અઢળક બચકાં ભરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં, માત્ર એક વર્ષના કુમળા બાળક પર રાક્ષસી અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેને એ હદનો મૂંઢમાર મારવામાં આવ્યો હતો કે તેનું મોત નીપજ્યું. પોલીસ પોતે પણ રિપોર્ટ જોઈ હચમચી ગઈ. બાળકના મોતને લઈને આખો પરિવાર પોલીસના રડારમાં આવી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો.
દાદીજાનને ઊંઘ એટલી વહાલી લાગી કે માસૂમનો જીવ લઇ લીધો
એક પછી એક પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ થતાં જ કુલસન સૈયદ પોલીસ સામે ભાંગી પડી અને તેણે પોતે જ પોતાના દીકરાના એકના-એક દીકરાની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ ચોંકી ઉઠેલી પોલીસને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કુલસને માસુમ બાળકની હત્યાનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે, તેને ખૂબ જ ઊંઘ આવી રહી હતી અને બાળક સતત કજીયો કરી રહ્યું હતું. તેણે તેને ચૂપ કરાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ તે શાંત જ ન થયો. આથી તે ઉશ્કેરાઈ ગઈ અને તેને ઢોર માર માર્યો. ઉલ્લેખનીય છે કે કુલસનને ઊંઘ એટલી વહાલી લાગી કે તેણે કજીયો કરી રહેલા તેના દીકરાના દીકરાને અઢળક બચકાં ભરીને તેને ઢીકા અને ધબ્બા મારી મારીને પતાવી દીધો.
નોંધનીય છે કે આ મામલે અમરેલી રૂરલ પોલીસ પોતે ફરિયાદી બની છે. ફરિયાદ દાખલ થતાં જ પોલીસે હત્યારી દાદીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ ગુરુવારે (5 સપ્ટેમ્બર) તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને જેલમાં ધકેલી દીધી હતી. પોલીસે તપાસમાં કોઈ કચાસ ન રહે અને હત્યારી દાદીને આકરી સજા મળે તે માટે ફોરેન્સિક અને FSLની મદદ લીધી છે, ઉપરાંત ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે અમરેલી રૂરલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ થઈ શક્યો ન હતો. વધુ માહિતી મળતાં જ લેખ અપડેટ કરી દેવામાં આવશે.