ગત 24 ઑગસ્ટના રોજ હરિયાણાના પલવલમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પર ગોળીબારની ઘટના સામે આવી હતી, જે દરમિયાન આર્યન મિશ્રા નામના એક 19 વર્ષીય યુવકને ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેમના પુત્રની કાર પર ગોળીબાર કરનારા લોકો ગૌરક્ષકો હતા અને આર્યન મિશ્રા સહિતના લોકોને ગૌતસ્કર સમજીને ગોળી ચલાવી દીધી હતી. જોકે, હવે આ કેસમાં વળાંક આવ્યો છે. ફરીદાબાદ પોલીસે આ કેસને લઈને જણાવ્યું છે કે, આર્યન મિશ્રાની હત્યા ગેરસમજના કારણે થઈ થઈ હતી. યુવકને ગોળી મારનારા આરોપીઓએ તેને અને તેના સાથીઓને અપરાધી સમજી લીધા હતા અને ગોળી ચલાવી દીધી હતી. સાથે પોલીસે એ પણ જણાવ્યું કે, આરોપીઓ ગૌરક્ષક હોવાના હમણાં સુધીમાં કોઈ પુરાવા પણ નથી મળ્યા.
ફરીદાબાદ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર અમન યાદવે 3 સપ્ટેમ્બરે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને આ કેસ વિશેની માહિતી આપી હતી. તેમણે કેસ વિશે જણાવતાં કહ્યું કે, “24 ઑગસ્ટની રાત્રે બનેલી ઘટનામાં એક યુવક આર્યન મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ફરીદાબાદ પોલીસે FIR નોંધી છે અને હત્યા બાદ 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે. તેમના નામ અનિલ, કૃષ્ણા, વરુણ, આદેશ અને સૌરભ છે. ગુનામાં વપરાયેલ વાહન કબજે કરવામાં આવ્યું છે. આ તમામ આરોપીઓ ફરીદાબાદના રહેવાસી છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અત્યાર સુધીની તપાસમાં ગેરસમજના કારણે ગોળીબાર કર્યો હોવાની વાત સામે આવી છે. ગોળી ચલાવનારા વ્યક્તિઓને લાગ્યું કે, આ લોકો ગુનેગાર છે અને ગુનો આચરવા માટે અહીં આવ્યા છે. આ કારણે તેમણે ફાયરિંગ કર્યું હતું. પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. તમામની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ અંગેની તપાસ ચાલી રહી છે. હાલમાં આરોપીઓના દાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.”
#WATCH | Faridabad, Haryana: A student of class 12th shot dead on suspicion of cow smuggling.
— ANI (@ANI) September 3, 2024
ACP Crime, Faridabad, Aman Yadav says," All accused – Anil, Krishna, Varun, Adesh and Saurav- have been sent to judicial custody. Initial probe has revealed that due to a… pic.twitter.com/4CIrzLxZ8n
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, આર્યન મિશ્રાને જે કારમાં ગોળી વાગી હતી તેમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાંથી એક યુવક સાગર ઉર્ફે શૈંકી પણ હતો. પોલીસે કહ્યું કે, આ યુવક વિરુદ્ધ પહેલાંથી જ હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો છે અને જ્યારે પાંચ લોકો કારનો પીછો કરી રહ્યા હતા ત્યારે કારમાં સવાર લોકોને એવું લાગ્યું કે, તેમના દુશ્મન જૂથના લોકો તેમનો પીછો કરી રહ્યા છે. પોલીસે કહ્યું કે, તેથી જ આર્યન અને તેના સાથીઓએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હશે. આ કારણે તેની પાછળ આવી રહેલા લોકોની શંકા વધુ ઘેરી બની હતી. જે બાદ આ ઘટના બની હતી.
પોલીસે મૃતક આર્યન મિશ્રા અને તેના સહયોગીઓ તથા હત્યાના આરોપીઓ વચ્ચે જૂની દુશ્મની હોવાના દાવાને નકારી કાઢ્યો છે. પોલીસે કહ્યું છે કે, હજુ સુધી આવી કોઈ વાત સામે આવી નથી. હત્યાના આરોપીઓ ગૌરક્ષકો હતા કે કેમ, તે અંગે પોલીસે કહ્યું કે, તે બાબતના કોઈ પુરાવા નથી મળ્યા અને સ્પષ્ટ પણ નથી થયું. પોલીસે કહ્યું કે, હત્યાના આરોપીઓ કોઇ સંગઠન સાથે સંકળાયેલા હોય તેવું અત્યાર સુધીમાં કંઈ સામે આવ્યું નથી. તેમના ભૂતકાળની પણ તપાસ ચાલી રહી છે.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, 24 ઑગસ્ટ, 2024ની રાત્રે 19 વર્ષીય આર્યન મિશ્રા તેના સાથીઓ સાથે કાર લઈને ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન અન્ય એક વાહન દ્વારા તેને અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આર્યન મિશ્રાએ કાર ન રોકીને સ્પીડ વધારી દીધી હતી. આરોપીઓએ લગભગ 25 કિલોમીટર સુધી તેનો પીછો કર્યા બાદ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં કારમાં મુસાફરી કરી રહેલા યુવક આર્યન મિશ્રાને તેના ખભા પાસે ગોળી વાગી હતી. હોસ્પિટલ પહોંચતાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, ગૌરક્ષકોએ આર્યનને ગૌતસ્કર સમજીને ગોળીબાર કર્યો હતો. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હજુ સુધી બહાર આવ્યું નથી કે, આ લોકો ગૌરક્ષક હતા. હાલ આ કેસને લઈને વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.