હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં મતદાનની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલાં નક્કી કરવામાં આવેલી 1 ઑક્ટોબરની જગ્યાએ હરિયાણામાં હવે 5 ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. પંચે આ નિર્ણય રાજસ્થાનમાં પ્રભુત્વ ધરાવતા બિશ્નોઈ સમાજના મહત્વપૂર્ણ માનવામાં આવતા એવા આસોજ અમાવસ્યાના તહેવારને ધ્યાનમાં રાખીને લીધો છે. મતદાનની બદલાયેલી તારીખો સાથે હવે ચૂંટણીનાં પરિણામોની તારીખ પણ બદલી દેવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર 8 ઑક્ટોબરના રોજ પરિણામો ઘોષિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પહેલાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં એક સાથે 1 ઑક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી. બંને રાજ્યોમાં પરિણામો પણ એક સાથે 4 ઓક્ટોબરના રોજ જાહેર થવાનાં હતાં. પરંતુ આસોજ અમાવસ્યાના તહેવારને લઈને બિશ્નોઈ સમાજે ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખોમાં ફેરફાર કરવા માટેની માંગ કરી હતી. આ માંગ બાદ પંચે હરિયાણાની 90 બેઠકો પર મતદાન 1ની જગ્યાએ 5 ઑક્ટોબરના રોજ કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર એમ બંને રાજ્યોનાં પરિણામો એક સાથે 8 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
શું હતી બિશ્નોઈ સમાજની માંગ કે ચૂંટણી પંચે લીધો આટલો મોટો નિર્ણય
નોંધનીય છે કે 2 ઑક્ટોબરના રોજ આસોજ અમાવસ્યા આવે છે અને હરિયાણા, રાજસ્થાન, પંજાબ સહિત દેશભરમાં વસતા બિશ્નોઈ સમાજના લોકો આ દિવસે રાજસ્થાન તેમના ધાર્મિક ગુરુ જમ્બેશ્વરની સમાધિએ દર્શને આવે છે. આસોજ અમાવસ્યા એ બિશ્નોઈ સમાજના પ્રમુખ તહેવારો પૈકીનો એક તહેવાર છે અને તેને લઈને રાજસ્થાનના બિકાનેરના અખિલ ભારતીય બિશ્નોઈ સમાજ દ્વારા ચૂંટણી પંચને એક વિનંતી પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં બિશ્નોઈ સમાજના આસોજ અમાવસ્યા તહેવારની મહત્વતા અને તેને લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વસતા બિશ્નોઈ સમાજના લોકો તેમના પૈતૃક ગામ જઈ ધાર્મિક યાત્રા કરતા હોય છે. તેવામાં 1 ઓકટોબરના રોજ તેઓ મતદાન ન કરી શકે અને તેમનો મતાધિકાર નહીં મળી શકે.
મહત્વની વાત તે છે કે આ વર્ષે આસોજ અમાવસ્યા 2 ઑક્ટોબરના રોજ છે અને હરિયાણાની ચૂંટણી 1 ઑક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ હરિયાણામાં બિશ્નોઈ સમાજના મતદારોની સંખ્યા સારી એવી છે. આવી સ્થિતિમાં જો તેઓ 2 ઑક્ટોબરના રોજ રાજસ્થાન પોતાના પૈતૃક ગામે તહેવારને લઈને યાત્રા કરે તો મતદાનમાં પણ અસર થઇ શકે તેમ હતું. આથી ચૂંટણી પંચે બિશ્નોઈ સમાજની આસ્થા અને માંગને માન આપીને ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કર્યો છે.
શું છે આસોજ અમાવસ્યા અને બિશ્નોઈ સમાજમાં તેનું મહત્વ શું કામ?
નોંધનીય છે કે આસોજ અમાવસ્યા એ દેશભરમાં વસતા બિશ્નોઈ સમાજ માટે અતિ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર તેમના સમાજના સંસ્થાપક અને તેમના આધ્યાત્મિક ગુરુ જમ્બેશ્વર મહારાજની યાદમાં મનાવવામાં આવે છે. જમ્બેશ્વર મહારાજને રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા મુકામ નામના ગામમાં સમાધિ આપવામાં આવી હતી અને બિશ્નોઈ સમાજ માટે આ સ્થળ પ્રમુખ ગુરુદ્વારો છે. અહીં દર ફાગણ અમાવસ્યા અને આસોજ અમાવસ્યાના રોજ મેળા યોજાય છે અને દેશભરના બિશ્નોઈયો અહીં આવે છે. અહીં આસોજ જે અમાવસ્યાના મેળાની વાત છે તેને 1591માં બિશ્નોઈ સમાજના જ સંત વિલ્હોજીએ શરૂ કર્યો હતો અને તેને આજદિન સુધી તહેવારની જેમ ઉજવવામાં આવે છે.
આ વર્ષે આસોજ અમાવસ્યા 1 ઑક્ટોબરની રાત્રે 9 વાગીને 39 મિનિટે શરૂ થઈને 3 ઑક્ટોબરની રાત્રે 12 વાગીને 18 મિનીટ સુધી રહેવાની છે. તેવામાં અમાવસ્યાનો મેળો 2 ઑક્ટોબરથી શરૂ થવાનો છે. બિશ્નોઈ પરંપરાની માન્યતા અનુસાર મહારાજ જમ્બેશ્વરને આ મેળાવાળી જગ્યાએ એકાદશીના દિવસે સમાધિ આપવામાં આવી હતી. આ સ્થળ મુક્તિધામ તરીકે પ્રચલિત છે અને માન્યતા એવી છે કે જે કોઈ અહીં શરણાગતિ સ્વીકારે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિશ્નોઈ સમાજની ધાર્મિક માન્યતા અને તેમની સંસ્કૃતિને લઈને કરવામાં આવેલી માંગને માન આપને ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ફેરફાર કરી મતદાનની તારીખોમાં ફેરબદલ કર્યો છે.