તાજેતરમાં આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ગેલ્સ હોસ્ટેલના વૉશરૂમમાં છુપા કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવીને પ્રદર્શનો કર્યાં હતાં, ત્યારબાદ પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસ કરનાર પોલીસનું કહેવું છે કે તેમને હોસ્ટેલના કોઇ વૉશરૂમમાં કેમેરા મળ્યા નથી. બીજી તરફ, ઘટનાને લઈને વિદ્યાર્થીઓ કોલેજ પર ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
મામલો ગુરુવારે સામે આવ્યો હતો, જ્યારે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ ‘વી વૉન્ટ જસ્ટિસ’ના નારા લગાવીને પ્રદર્શન કર્યું હતું અને પરિસરમાં સુરક્ષા સુનિશ્ચિત કરીને આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસને અંતે એમ કહ્યું કે, તેમને વૉશરૂમમાં કેમેરા મળી આવ્યા નથી.
બીજી તરફ, અમુક વિદ્યાર્થિનીઓએ નામ આપ્યા બાદ પોલીસે શંકાના આધારે એક વિજય નામના શખ્સની અટકાયત કરી હતી, જે આ જ કોલેજનો વિદ્યાર્થી છે. તેનું લેપટોપ અને મોબાઈલ બંને જપ્ત કરવામાં આવ્યાં હતાં, પરંતુ પોલીસનું કહેવું છે કે આ ઉપકરણોમાંથી પણ કશું મળી આવ્યું નથી.
કૃષ્ણા જિલ્લાના પોલીસ વડા ગંગાધર રાવે જણાવ્યું હતું કે, “શુક્રવારની (30 ઑગસ્ટ) સ્થિતિ પ્રમાણે પોલીસને ગર્લ્સ હોસ્ટેલ પરિસરના વૉશરૂમમાં છુપા કેમેરા મળ્યા નથી. અમે કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ કેસમાં સંદિગ્ધના લેપટોપ, મોબાઈલ ફોનની તપાસ કરી હતી, પરંતુ તેમાંથી પણ કોઇ પુરાવા મળ્યા નથી.” જોકે, તેમણે જણાવ્યું હતું કે આ મામલે એક SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તમામ મહિલા અધિકારીઓ જ રહેશે.
બીજી તરફ, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સૂચના પર રાજ્ય સરકારના મંત્રી કે રવિન્દ્ર કોલેજ પહોંચ્યા હતા અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થિનીઓની પૂરતી સુરક્ષા માટે પોલીસ રક્ષણ આપવાનું પણ વચન આપ્યું હતું. મંત્રીએ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યા બાદ વિદ્યાર્થીઓએ પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું. બીજી તરફ, કોલેજ પ્રશાસને ત્રણ દિવસ માટે રજાનું એલાન કરી દીધું છે.
વિદ્યાર્થીઓએ મંત્રી સમક્ષ કોલેજ પ્રશાસન વિરૂદ્ધ પણ ફરિયાદ કરી હતી અને ફરિયાદ નોંધાવવા બદલ ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેની ઉપર મંત્રીએ પૂરતી તપાસ બાદ યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. બીજી તરફ, બનાવને લઈને કોલેજ પરિસરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.