કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લીધી હતી અને વિકાસકાર્યો અને કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેવા માટે ગયાં હતાં અને વિકાસકાર્યો અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કલપેટ્ટા, મારાવયાલ, અંબાલાચલ અને કનિયાબેટ્ટા વગેરે જેવા આદિવાસી ક્ષેત્રોની મુલાકાત લઈને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અંગે સમીક્ષા કરી હતી. બીજી તરફ, આ જ મતવિસ્તારના સાંસદ રાહુલ ગાંધી નેપાળમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરતાં કહ્યું કે, “વાયનાડ જીલ્લામાં કેન્દ્ર સરકારના કલ્યાણકારી કાર્યો અને યોજનાઓના અમલની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી.” આ ઉપરાંત અન્ય ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે, તેમણે જિલ્લા કલેક્ટરની હાજરીમાં ક્ષેત્રના આદિવાસી સમુદાય સબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આદિવાસી વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે વરદૂર આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને કલપેટ્ટામાં પોન્નાડા આંગણવાડી કેન્દ્રમાં બાળકો સાથે સમય પણ વિતાવ્યો હતો.
Visited Varadoor Anganwadi Center developed by a Central Government PSU as part of its CSR activities in Kaniyambetta Gram Panchayat of Wayanad district. pic.twitter.com/Jcu4zx2mP0
— Smriti Z Irani (@smritiirani) May 3, 2022
નોંધનીય બાબત છે કે કેરળનો વાયનાડ જિલ્લો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. કેન્દ્ર સરકારે અહીંના આદિવાસી સમુદાયના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અને મંત્રી આ વિકાસ કાર્યો અને પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જ વાયનાડ ગયાં હતાં. જોકે, નોંધવા જેવી બાબત એ પણ છે કે એક તરફ રાહુલ ગાંધી ઘણા દિવસોથી રાજકીય રીતે સક્રિય નથી ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમના મતવિસ્તારની મુલાકાત કરી હતી.
બીજી તરફ, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે નેપાળના કાઠમાંડુમાં એક બારમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તેઓ સુમનિમા ઉદાસ નામની તેમની મિત્રનાં લગ્નમાં ભાગ લેવા માટે નેપાળ ગયા છે. સુમનિમા ઉદાસ CNN સંવાદદાતા છે અને ભારતવિરોધી વલણના કારણે અવારનવાર ચર્ચામાં પણ રહે છે.
રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો ત્રણ મેના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. અહેવાલો અનુસાર, આ પહેલાં પણ જ્યાં દિલ્હીમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પાર્ટીના ભવિષ્ય અંગે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ગયા હતા.
2019 માં રાહુલ ગાંધી સામે જંગી બહુમતીએ જીત્યાં હતાં સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી શરૂ થયો હતો. 2014 માં સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા ક્ષેત્ર પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ ઉમેદવારી કરી હતી. જોકે, તેઓ એક લાખ મતોથી હારી ગયાં હતાં. જોકે, ત્યારબાદ પણ સ્મૃતિ ઈરાનીએ સતત અમેઠી વિસ્તારની મુલાકાત ચાલુ રાખી હતી. જે બાદ વર્ષ 2019 માં તેમણે રાહુલ ગાંધીને 55 હજારથી વધુ મતોથી હરાવી દીધા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની જીત સૌથી વધુ ચર્ચાઈ હતી.
અગાઉથી પરિણામ ભાળી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને કેરળના વાયનાડથી પણ ઉમેદવારી કરાવી હતી, જ્યાં તેઓ જીતી ગયા હતા. પરંતુ જે રીતે સ્મૃતિ ઈરાનીએ વાયનાડમાં પણ મુલાકાતો શરૂ કરી દીધી છે તેને જોતાં લાગે છે કે રાહુલ સરળતાથી છુટકારો મેળવી શકશે નહીં!