સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ રવિવારે (25 ઑગસ્ટ) કોલકાતામાં 15 જેટલા ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, CBIએ આરજી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા છે. આરજી કર મેડિકલમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચાર મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સંદીપ ઘોષના નિવાસસ્થાન સિવાય પણ અન્ય 14 ઠેકાણાં પર CBIનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. એજન્સીએ ભ્રષ્ટાચારની તપાસમાં આ કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી અનુસાર, CBIની ટીમ આરજી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના નિવાસસ્થાને સવારે 6.45 કલાકે પહોંચી હતી. ઘણા સમય સુધી ટીમ ઘોષના દરવાજા પાસે ઊભી રહી હતી. સવારના લગભગ 8 કલાકે સંદીપ ઘોષે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ એજન્સીએ તપાસ ચાલુ કરી હતી. તે સિવાય CBIએ આરજી કર હૉસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં કાર્યરત દેવાશીષ સોમના બેલાઘાડા સ્થિત ઘર પર પણ દરોડા પાડ્યા હતા. તેમજ હાવડા જિલ્લાના હટગાચામાં પણ પૂર્વ સુપ્રિન્ટેડ સંજય વશિષ્ઠ અને મેડિકલ સપ્લાયર બિપલબ સિંઘના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે.
#WATCH | Kolkata, West Bengal: CBI Anti Corruption Branch reached RG Kar Medical College and hospital ex-principal Sandip Ghosh's residence.
— ANI (@ANI) August 25, 2024
CBI started a corruption investigation against Sandeep Ghosh by filing an FIR, yesterday. pic.twitter.com/UlXn3wnUp3
નોંધવા જેવુ છે કે, 24 ઑગસ્ટ, 2024ના રોજ CBIની એન્ટી કરપ્શન બ્રાન્ચે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતાનો લઈને FIR નોંધી હતી. જેના એક દિવસ બાદ જ CBIએ 15 ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. કેન્દ્રીય એજન્સીએ કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ બાદ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચવામાં આવેલી SIT પાસેથી તપાસની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી. આ પહેલાં પણ હાઈકોર્ટે મહિલા ડૉક્ટર રેપ-મર્ડર કેસની તપાસ CBIને સોંપી દીધી હતી.
કલકત્તા હાઈકોર્ટે કથિત ગેરરીતિની તપાસ CBIને સોંપવાનો આદેશ ડૉ. અખ્તર અલીની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. ડૉ. અલી 2023 સુધી આરજી કર હૉસ્પિટલના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટના હતા. તેમણે બુધવારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ઘોષના કાર્યકાળ દરમિયાન થયેલી ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડોની તપાસ EDને સોંપવાની વિનંતી કરી હતી. પોતાની અરજીમાં તેમણે એવું કહ્યું હતું કે, સંદીપ ઘોષ લાવારિસ લાશોને વેચતા હતા. ઉપરાંત તેમના પર વિદ્યાર્થીઓના માર્ક વધારી આપવા, વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેવી અને મેડિકલ ઉપકરણો, બાયોમેડિકલ વેસ્ટની હેરફેર સહિતના આરોપ પણ લાગ્યા હતા. આ બધી ગેરકાયદે ગતિવિધિઓથી તેમણે લાખો રૂપિયા બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદથી CBI ટીમ તપાસમાં લાગી ગઈ હતી. હાલ એજન્સી રેપ-મર્ડર કેસ અને હોસ્પિટલમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસમાં લાગી છે. અલગ-અલગ ટીમો બનાવીને બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.