કોલકતાની RG કર મેડિકલ કોલેજ (RG Kar Hopistal) અને હોસ્પિટલ ખાતે 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની (Kolkata Doctor Rape Murder) ઘટના સામે આવી હતી. આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIની પૂછપરછ દરમિયાન કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર અજાણી લાશોને વેચવા સહિત અન્ય ગેરકાયદે ગતિવિધિઓના આરોપ લાગ્યા છે.
અહેવાલ અનુસાર RG કર મેડિકલ કોલેજના પૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ અખ્તર અલીએ એવો દાવો કર્યો હતો કે સંદીપ ઘોષ લાવારિસ લાશોને વેચતા હતા. ઉપરાંત તેમના પર વિદ્યાર્થીઓના માર્ક વધારી આપવા, વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેવી અને મેડિકલ ઉપકરણો, બાયોમેડિકલ વેસ્ટની હેરફેર સહિતના આરોપ લગાવ્યા હતા. આ બધી ગેરકાયદે ગતિવિધિઓથી તેમણે લાખો રૂપિયા બનાવ્યા હતા.
News 18 સાથે વાતચીતમાં અખ્તર અલીએ કહ્યું હતું કે, “મેં ઘોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે ગુનેગાર હતો અને આ હોસ્પિટલમાંથી લાખોની કમાણી કરતો હતો. ત્યારે કોઈએ મારી વાત ન સાંભળી. હવે, હું કોર્ટનો પણ સંપર્ક કરીશ.” ઉપરાંત તેમણે ઘોષ પર હોસ્પિટલના તમામ ટેન્ડરો પર 20% લાંચ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વિદ્યાર્થીઓને પાસ કરવા લાંચ, હોસ્પિટલના દરેક ટેન્ડરમાં કમિશન સહિતના આરોપ
આ સિવાય તેમણે કહ્યું હતું કે સંદીપ ઘોષ જાણી જોઈને વિદ્યાર્થીઓને ફેલ કરતાં હતા, જેથી તેમને પાસ કરવા માટે તે પૈસા વસૂલી શકે. આ ઉપરાંત દરેક જગ્યાએ ઘોષનું કમિશન પણ નક્કી હતું. તેમણે આ અંગે વર્ષ 2023માં તકેદારી વિભાગને ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન આવી અને અલીની બદલી કરી દેવામાં આવી હત. અલીની સાથે તપાસ સમિતિના બે અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે CM મમતા બેનરજી પર પણ RG કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને બચાવવાના આરોપ લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે. CBIએ 21 ઓગસ્ટ બુધવારે સતત છઠ્ઠા દિવસે ઘોષ સાથે પૂછપરછ કરી હતી. જેમાં નાણાકીય ગેરરીતિ સાથે અન્ય મામલાઓ પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે 20 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ ઘોષ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અત્યાર સુધી CBI દ્વારા સંદીપ ઘોષની લગભગ કુલ 64 કલાક પૂછપરછ કરવામાં આવી છે. જેમાં નવા ખુલાસાઓ થયા છે. ઉપરાંત સંદીપ ઘોષે પશ્ચિમ બંગાળની પોલીસ સામે હાજર થઈને ભ્રષ્ટાચાર મામલે તેના નિવેદનો નોંધવાના હતા. આ મામલે હજી વધુ ખુલાસા થવાની સંભાવના છે.