ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ફરી એક વખત ઇતિહાસ રચવા જઈ રહી છે. ચંદ્રયાન-3 મિશનથી શરૂ થયેલા મિશનોના સિલસિલામાં હવે ફરી એક વખગ યશકલગી સ્થાપિત થવા જઈ રહી છે. શુક્રવારે (16 ઑગસ્ટ) ISRO દેશના સૌથી નાના રોકેટ SSLV-D3 દ્વારા ‘અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ-8’ (EOS-8) લૉન્ચ કરશે. આ સેટેલાઈટ પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર લગભગ 450 KM ઉપર સ્થાપિત કરવામાં આવશે. તે પૃથ્વીના વાતાવરણમાં થતાં તમામ પરિવર્તન પર સતત નજર રાખશે. લગભગ 1 વર્ષ સુધી તે ભારત માટે કાર્યરત રહેશે.
શુક્રવારે (16 ઑગસ્ટ) ISRO શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી SSLV-D3 રોકેટને લૉન્ચ કરશે. આ રોકેટ દ્વારા દેશનો નવો EOS-8 સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવશે. તે સિવાય તેમાં એક નાનો સેટેલાઈટ SR-0 DEMOSAT પણ પેસેન્જર સેટેલાઈટ તરીકે સાથે જ લૉન્ચ કરવામાં આવશે. આ બંને સેટેલાઈટ સંયુકત રીતે કાર્ય કરશે અને ધરતીનું સતત નિરીક્ષણ કરશે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે, પૃથ્વીમાં આવનારી તમામ કુદરતી આફતો વિશે તેને પહેલાંથી જ જાણ થઈ જશે. જેના કારણે તે દુનિયાને એલર્ટ આપી શકશે અને સરકારો દ્વારા આફતોને પહોંચી વળવા માટે પૂરતા સમય સાથે બચાવ કામગીરી કરવામાં આવશે.
પર્યાવરણ અને સેટેલાઈટને લઈને સટીક જાણકારી આપવાનો ધ્યેય
EOS-8 સેટેલાઈટનું ધ્યેય પર્યાવરણ અને કુદરતી આફતોને લઈને સટીક જાણકારી આપવાનું છે. આ પહેલાં ISROએ લૉન્ચિંગ માટે 15 ઑગસ્ટની તારીખ નક્કી કરી હતી. પરંતુ તે પછી તેનો સમય 16 ઑગસ્ટના રોજ શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ISRO તરફથી તેના કારણ વિશેની કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી. EOS-8 સેટેલાઈટમાં ત્રણ પેલોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ-નેવિગેશન સિસ્ટમ-રિફલેક્ટ્રોમેન્ટ્રી પેલોડ (GNSS-R) અને SiC-UV ડોસીમીટરનો સમાવેશ થયો છે.
SSLV-D3/EOS-08 Mission:
— ISRO (@isro) August 15, 2024
Six-and-a-half-hour countdown leading to the launch commenced at 02:47 hrs IST pic.twitter.com/XXy7GmWvaC
EOIR પેલોડને આફતનું નિરીક્ષણ, પર્યાવરણની જાણકારી અને તસવીરો ક્લિક કરવાં માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ પેલોડ દિવસે અને રાત્રે સ્પષ્ટ તસવીરો ક્લિક કરીને ભારત મોકલી શકવા માટે સમર્થ છે. GNSS-R પેલોડ સમુદ્રની સપાટી પર હવાનું નિરીક્ષણ, જમીન સપાટીની પર ભેજનું નિરીક્ષણ અને પૂર આવવાના સંજોગોનો અભ્યાસ કરવા માટે રિમોટ સેસિંગ ક્ષમતા માટે તૈયાર થયેલ છે. SiC-UV ડોસીમીટર ગગનયાન મિશન માટે અલ્ટ્રાવાયલેટ કિરણોનું નિરીક્ષણ કરશે.
ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવી રહેલા આ સેટેલાઈટ દ્વારા પૃથ્વીની સપાટી પર થતાં પરિવર્તનો, સમુદ્રની સપાટી પર નોંધાયેલા ફેરફારો અને જમીન પરના ભેજનું આકલન કરવામાં આવશે. જેના આધારે ધરતી પર આવનારી કોઈપણ આફતની જાણકારી મનુષ્યોને પહેલાંથી જ મળી જઈ શકશે. જેથી સમયસર તે દિશામાં કાર્ય પણ કરી શકાય અને મોટી જાનહાનિ અને માલહાનિને પણ અટકાવી શકાય. આ સેટેલાઈટનો ધ્યેય ધરતીને આફતોથી બચાવવા માટેનો હશે.