અમેરિકી શોર્ટસિલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એક વખત ભારતીય ઉદ્યોગસમૂહ અદાણીને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ વખતે માર્કેટ રેગ્યુલેટર SEBI ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા છે, જેને ચેરપર્સન માધવી બુચ સદંતર નકારી ચૂક્યાં છે. હવે આ મામલે અદાણી જૂથનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તમામ આરોપો નકારીને કડક શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી છે.
અદાણીએ કહ્યું કે, હિંડનબર્ગના આરોપો દ્વેષપૂર્ણ અને વાંધાજનક છે, જેમાં પહેલેથી જ સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીમાંથી ચાલાકીપૂર્વક અમુક જાણકારી લઈને તથ્યો અને કાયદાની અવગણના કરીને પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ કાઢી લેવામાં આવ્યો છે, જેનો આશય બીજો કોઈ નહીં પણ વ્યક્તિગત લાભો મેળવવાનો છે. અમે સંપૂર્ણપણે અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આ આરોપો નકારી કાઢીએ છીએ, જે બીજું કશું જ નહીં પરંતુ અગાઉ બદનામ કરવા માટે થયેલા દાવાનું પુનરાવર્તન છે, જેની પહેલાં જ તલસ્પર્શી તપાસ થઈ ચૂકી છે અને જાન્યુઆરી, 2024માં સુપ્રીમ કોર્ટ પણ આ દાવા ફગાવી ચૂકી છે.
ઉદ્યોગસમૂહે આગળ કહ્યું કે, “ફરીથી એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે અમારું ઓવરસીસ હોલ્ડિંગ સ્ટ્રકચર એકદમ પારદર્શક છે અને અનેક દસ્તાવેજોમાં જરૂરી તમામ વિગતો નિયમિત રીતે સાર્વજનિક કરવામાં આવતી રહે છે.” આગળ કહેવામાં આવ્યું કે, “અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટેના જાણીજોઈને કરવામાં આવેલા પ્રયાસમાં જે વ્યક્તિઓ કે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમની સાથે ઉદ્યોગસમૂહના ક્યારેય કોઇ વ્યવસાયી સંબંધ રહ્યા નથી. અમે તમામ કાયદાકીય અને નિયામક જરૂરિયાતો સાથે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દૃઢતાપૂર્વક પ્રતિબદ્ધ છીએ.
આગળ હિંડનબર્ગને આડેહાથ લેતાં કહેવામાં આવ્યું કે, ભારતીય સુરક્ષા કાયદાઓના ઉલ્લંઘન માટે પહેલેથી જ તપાસના લેન્સ હેઠળ આવી ગયેલા એક શોર્ટ સેલરના આરોપો બીજું કશું જ નહીં પણ એક હતાશ થઈ ગયેલી સંસ્થાનો નકામો પ્રયાસ છે, જે ભારતીય કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં SEBI ચેરપર્સન માધવી બુચે પણ એક નિવેદનમાં હિંડનબર્ગના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, SEBI દ્વારા હિંદનબર્ગને જે શો કૉઝ નોટિસ પાઠવવામાં આવી હતી, તેના કારણે આ ચરિત્રહનનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના તમામ નાણાકીય વ્યવહારો ખુલ્લી કિતાબ જેવા છે અને તેઓ તમામ વિગતો આપવા માટે તૈયાર છે.
એ પણ ઉલ્લેખનીય છે કે શનિવારે (10 ઑગસ્ટ) સાંજે પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યા કે SEBIએ અદાણી સામે કાર્યવાહી કરવામાં બહુ રસ ન દાખવ્યો, તેનું કારણ એ છે કે SEBI પ્રમુખ માધવી બુચ અને તેમના પતિએ પણ ઑફશોર ફંડ્સમાં રોકાણ કર્યું છે. અમેરિકી ફર્મે દાવો કર્યો કે SEBI ચેરપર્સન અને તેમના પતિની બરમુડા અને મોરેશિયસના ફંડમાં ભાગીદારી હતી, જે ટેક્સહેવન દેશો છે અને આ જ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો.