થોડા દિવસ પહેલાં એક ટીવી ડિબેટમાં થયેલા વિવાદ બાદ ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા શાઝિયા ઇલ્મીએ ઇન્ડિયા ટુડેના ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટનાં જજ મનમીત પ્રીતમ સિંઘ અરોડાની બેન્ચે સરદેસાઈ અને ઇન્ડિયા ટુડેને આદેશ કરીને સંપૂર્ણ, એનએડિટેડ વિડીયો રજૂ કરવા માટે નિર્દેશ આપીની મામલાની સુનાવણી મંગળવારે (13 ઑગસ્ટ) મુકરર કરી છે.
શાઝિયા ઇલ્મી તરફથી કોર્ટમાં હાજર વકીલે કોર્ટને કહ્યું હતું કે, આ વિડીયો હજુ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે અને લોકો તેમની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે મામલાની સુનાવણી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી રાજદીપનાં ટ્વીટ્સ પ્રાઈવેટ કરી દેવામાં આવે. જોકે, કોર્ટે આગલી સુનાવણીની તારીખ નક્કી કરીને હાલ કોઈ આદેશ આપ્યો નથી.
બીજી તરફ, સરદેસાઈના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમને અરજીની નકલ હજુ સુધી મળી નથી. ત્યારબાદ કોર્ટે ઇલ્મીના વકીલને સામેના પક્ષને (રાજદીપ+ઈન્ડિયા ટુડે) અરજીની નકલ પૂરી પાડવા માટે આદેશ કર્યો હતો. હવે આગળ મંગળવારે સુનાવણી થશે.
શું છે મામલો?
આ વિવાદ ગત 26 જુલાઈએ શરૂ થયો હતો. ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા હોવાથી શાઝિયા ઇલ્મી ઇન્ડિયા ટુડેની એક ડિબેટમાં ભાગ લેવા માટે ગયાં હતાં, જ્યાં હોસ્ટ કરી રહ્યા હતા રાજદીપ સરદેસાઈ. અહીં રાજદીપ-શાઝિયા વચ્ચે અગ્નિપથ યોજના વિશે ચાલતી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રાજદીપે બોલવાની તક ન આપવાનું અને જાણીજોઈને અવાજ ધીમો કરાવ્યાનું કહીને ભાજપ પ્રવક્તાએ ડિબેટ છોડી દીધી હતી.
@sardesairajdeep @IndiaToday @aajtak
— Shazia Ilmi (@shaziailmi) July 26, 2024
Don’t you ever bring down my Fader again.
Remember I have been on both the sides and know how to handle bullies like you.
BTW it doesn’t behove political propagandists masquerading as journalists to sermonise.
And learn your facts…
બીજા દિવસે શાઝિયાએ X પર એક પોસ્ટ કરીને પોતે શા માટે શો છોડ્યો હતો તેની જાણકારી આપી અને રાજદીપને પણ આડેહાથ લીધા હતા. જેનો જવાબ આપતાં રાજદીપે એક વિડીયો પોસ્ટ કર્યો અને શાઝિયા પર ઇન્ડિયા ટુડેના કેમેરામેન સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વિડીયોમાં શાઝિયા ઇલ્મીને ડિબેટ બાદ પોતાનાં સ્થાનેથી ઊભાં થઈને પત્રકારને બહાર જવાનું કહેતાં જોઈ શકાય છે.
આ વિડીયોને લઈને પછીથી વિવાદ થયો, જેમાં ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે કેમેરા મેને તેમના ઘરમાં જઈને ખોટી રીતે ડિબેટ પૂર્ણ થયા બાદ પણ વિડીયો શૂટ કરવાનો ચાલુ રાખ્યો હતો અને અયોગ્ય રીતે મહિલાનું અપમાન થાય તે રીતે વિડીયો બનાવવામાં આવ્યો, જેને પછીથી રાજદીપ સરદેસાઈએ જાહેર માધ્યમ પર મૂકી દીધો હતો. આ મામલે પછીથી ભાજપ પ્રવક્તાએ કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી, જે મામલે હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.