બાંગ્લાદેશમાં અનામત ક્વોટા વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધા બાદ અસ્થિરતાના માહોલ વચ્ચે કટ્ટરપંથી ઈસ્લામીઓ દ્વારા હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અનેક હિંદુઓનાં ઘરોમાં તોડફોડ અને આગજની કરવામાં આવી તો મંદિરો ઉપર પણ હુમલા કરવામાં આવ્યા. ક્યાંક હિંદુ હોવાની ખાતરી કરીને લિન્ચિંગ કરવામાં આવ્યું. આ બધાની વચ્ચે બાંગ્લાદેશમાં પ્રખ્યાત એક હિંદુ ગાયકનું ઘર પણ કટ્ટરપંથીઓના આતંકની ભેંટ ચડી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગાયક છે રાહુલ આનંદ. તેમનું ઘર, ઘરવખરી અને હજારો સંગીતનાં સાધનો હવે બળીને ખાખ થઈ ચૂક્યાં છે. આ ઘટના છે મંગળવાર (6 ઑગસ્ટ)ની.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટ્ટરપંથીઓએ આનંદના ઘર પર પહેલાં હુમલો કર્યો હતો, લૂંટફાટ કરી, તોડફોડ મચાવી અને ત્યારબાદ સળગાવી દીધું હતું. ઇસ્લામવાદીઓએ એટલો ભયાનક હુમલો કર્યો હતો કે આનંદે પરિવાર સહિત ભાગી જવું પડ્યું છે. અહેવાલો સાનુસર ગાયક આનંદ તેમના પુત્ર અને પત્ની સાથે હુમલાથી બચવા ઘર છોડીને ભાગી ગયા અને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા. તેમણે કોઈક ગુપ્ત સલામત સ્થળે આશરો લીધો હોવાનું સામે આવ્યું છે. આનંદના એક સાથીદાર સૈફુલ ઈસ્લામ જર્નલના જણાવ્યા અનુસાર, જે ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો તે રાહુલની માલિકીનું પણ ન હતું અને દાયકાઓથી તેઓ અહીં ભાડે રહેતા હતા.
એક કુટુંબીજને આપેલી માહિતી અનુસાર, હુમલો કરનારાઓએ પહેલાં ઘરનો દરવાજો તોડ્યો હતો, ત્યારબાદ અંદર તોડફોડ શરૂ કરી. ઘરમાંથી જે સમાન મળ્યો એ ફર્નિચર, અરીસાઓથી લઈને કિંમતી ચીજવસ્તુઓ સુધી બધું લૂંટી લીધું અને આખરે આખું ઘર સળગાવી દીધું.
Horrific. Islamist Mob has attacked Eminent Bangladeshi Singer Rahul Ananda’s 140 year old House in Dhaka’s Dhanmondi. Rahul is from the #Hindu Minority community. Over 3000 Musical Instruments burnt to ashes, house furniture looted, and the house gutted. Family somehow survived. pic.twitter.com/eabGxqSEFO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 6, 2024
ધ ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, આનંદ પાસે 3000થી વધુ સંગીતનાં વાદ્યો હતાં, જે તેમણે તેમની આટલા વર્ષની કારકિર્દી દરમિયાન વસાવ્યાં હતાં. ઉપરાંત તેમણે તેમના ઘરને એક ક્રિએટિવ હબ તરીકે ડિઝાઇન કર્યું હતું. આ વાદ્યો વગાડવા માટે અને સંગીત માણવા માટે સંગીત રસિયાઓ અવારનવાર અહીં આવતા રહેતા. આ સાધનો હવે બળી ગયાં છે. રાહુલને આ હુમલાના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમનું આ ઘર ઢાકામાં શેખ મૂજીબૂર રહેમાનઆ ઘરના પાસે જ હતું. જે હાલ સંપૂર્ણપણે રાખમાં ફેરવાઇ ગયું છે. એ પણ નોંધનીય છે કે થોડાં વર્ષો પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ પણ રાહુલ આનંદના આ ઘરની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે બાંગ્લાદેશના ઇસ્લામવાદીઓ દ્વારા હિંદુઓને નિશાનો બનાવવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પર તેઓ એક હિંદુ પત્રકાર અને 2 કાઉન્સિલરની હત્યા કરી ચૂક્યા છે. તેમણે હિંદુ મંદિરો અને શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કર્યો હતો. તાજેતરમાં જ આ ઉપદ્રવીઓએ વિરોધ અને આંદોલનના નામે શેખ હસીનાની પાર્ટીના એક નેતાની માલિકીની હોટલમાં આગ ચાંપી દઈને 24 લોકોને જીવતા સળગાવી દીધા હતા.