તાજેતરમાં જ નડિયાદના એક કોંગ્રેસી નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા અને ઉપહાસ કર્યો હતો. તે વિડીયોમાં રોડ-રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા હતા, જેમાં વાહનો આવીને ફંગોળાઈ રહ્યા હતા. કોંગ્રેસી નેતાએ તે વિડીયો ગુજરાતનો હોવાનો દાવો કરીને વાયરલ કર્યો હતો. જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેક વિડીયો વાયરલ કરવા બદલ કાર્યવાહીની ચેતવણી આપતા આરોપીએ વિડીયો ડિલીટ પણ કરી નાખ્યો હતો. ત્યારબાદ આખરે આરોપી કોંગ્રેસી નેતાની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રહલાદ દલવાડી નામના એક કોંગ્રેસી નેતાએ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો એક રસ્તાનો હતો અને તેના પર મસમોટા ખાડા પડ્યા હતા. આ ખાડામાં પુરપાટ ઝડપે આવતી ગાડીઓ ફંગોળાતી નજરે પડી રહી હતી. કોંગ્રેસી નેતાએ દાવો કર્યો હતો કે, આ વિડીયો ગુજરાતનો છે અને ગુજરાત સરકારના રાજમાં રોડ-રસ્તાની હાલત ખૂબ કફોડી છે. જોકે, પ્રહલાદ દલવાડીએ શેર કરેલો વિડીયો ગુજરાતનો ન હોવાનું ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેની પોલ ખોલી નાખી હતી.
આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુઠ્ઠાણું ફેલાવનારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. જોકે, ચેતવણી મળ્યા બાદ તરત જ કોંગ્રેસી નેતા જાગી ઉઠયા હતા અને તેમણે શેર કરેલો ભ્રામક વિડીયો ડિલીટ કરી દીધો હતો. તેમ છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી કોંગ્રેસી નેતા પ્રહલાદ દલવાડીની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર, પ્રહલાદ દલવાડી નડિયાદમાં રહે છે અને તે અવારનવાર X પર આવા વિડીયો શેર કરતો રહે છે. પરંતુ આ વખતે તેણે કરેલી પોસ્ટ બીજા દેશની હતી અને તેને ગુજરાત સાથે જોડવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. આ સંદર્ભે જ નડિયાદથી તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રહલાદ કોંગ્રેસી નેતા હોવાની સાથે વેપારી પણ છે અને અંગ્રેજી ભાષાનો જાણકાર પણ છે. તેમ છતાં કોઈપણ તપાસ વિના તેણે વિડીયો શેર કરી દીધો હતો. હાલ તે મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.