વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની મનમાની પર ગાળિયો કસવાની તૈયારીમાં હોવાના અહેવાલો ફરતા થયા છે. કોઈ પણ સંપત્તિને વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવાની અનિયંત્રિત શક્તિ પર મોદી સરકાર મોટાં પગલાં ભરવા જઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન વક્ફ એક્ટમાં 40થી વધુ સંશોધન કરવાની ચર્ચા કરવામાં આવી છે અને હવે ચાલુ સત્રમાં જ સરકાર સંસદમાં એક બિલ રજૂ કરશે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, વક્ફ બોર્ડ દ્વારા સંપત્તિઓ પર કરવામાં આવેલા દાવાનું ચોક્કસ સત્યાપન કરવામાં આવે તે પ્રકારના નિયમ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ મિલકતોમાં માલિકો અને વક્ફ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે તેને પણ સત્યાપનના નિયમ હેઠળ લાવવાની વિચારણા ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આવતા સપ્તાહમાં વક્ફ અધિનિયમમાં સંશોધન કરવા માટેનું બિલ સંસદમાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સેના અને રેલવે બાદ વક્ફ બોર્ડ જ એક એવી બોડી છે જેના નામે ભારતમાં સૌથી વધુ સંપત્તિ છે. કોઈ પણ મિલકત પર પોતાનો અધિકાર જમાવીને તેને કબજે કરવાની અનિયંત્રિત શક્તિઓ ધરાવતું વક્ફ બોર્ડ અત્યારે 8.7 લાખની વધુની સંપત્તિનું માલિક છે. એક રિપોર્ટ અનુસાર વક્ફની સંપત્તિ 9.4 લાખ એકરમાં ફેલાયેલી છે. ઘણા સમયથી કોંગ્રેસ સરકાર વખતે બનેલા આ કાયદામાં સંશોધન કરવાની માંગ ચાલી રહી હતી ત્યારે હવે મોદી સરકાર આ દિશામાં નક્કર કામો કરવા જઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેટલાક મુસ્લિમ બુદ્ધિજીવીઓ, મહિલાઓ તેમજ શિયા અને વોહરા સમાજ સહિતના લોકો પણ આ કાયદામાં ફેરફાર ઈચ્છે છે અને તેમની ઘણા લાંબા સમયથી માંગ છે કે વક્ફ અધિનિયમમાં સંશોધન થાય. નોંધનીય છે કે વિશ્વનો એક પણ એવો મુસ્લિમ દેશ નથી કે જેમાં આવું કોઈ બોર્ડ હોય અને દેશની કોઈ પણ સંપત્તિને પચાવી પાડવા તેને અનિયંત્રિત શક્તિઓ આપવામાં આવી હોય.
એ પણ ન ભૂલવું જોઈએ કે વર્ષ 2013માં UPAની સરકારમાં વક્ફના મૂળ અધિનિયમમાં સંશોધન કરીને તેની શક્તિઓ અનેક ગણી વધારી દેવામાં આવી હતી. ત્યારબાદથી બોર્ડને જાણે ગમે તે મિલકત પર કબજો જમાવવા માટેનું અભય વરદાન મળી ગયું. દેશમાં એવા અનેક કિસ્સાઓ બન્યા જેમાં વક્ફ બોર્ડે કબજો જમાવેલી મિલકત મેળવવા તેના મૂળ માલિક હજુ પણ વલખાં મારી રહ્યા હોય, પરંતુ 2013ની યુપીએ સરકારે આપેલી અનિયંત્રિત શક્તિઓના કારણે અનેકને અન્યાય થયો. જોકે રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની આ જ મનમાની પર ગાળિયો કસવાની તૈયારીમાં છે.
ગુજરાતના સુરતમાં પણ થોડાં વર્ષ પહેલાં આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકાની કચેરીને જ વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવી હતી. ‘મુઘલી સરાય’ના નામે ઓળખાતી SMCની મુખ્ય ઈમારતને ‘હુમાયુ સરાય’ નામ આપવાની માંગ સાથે વર્ષ 2016માં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં આંશિક રીતે અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધવામાં આવી હતી. જોકે, પછીથી મામલો વક્ફ ટ્રિબ્યુનલ પાસે પહોંચી જતાં ટ્રિબ્યુનલે વક્ફના આદેશને મનસ્વી, ભૂલભરેલો અને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધો હતો.