કેરળ (Kerala) ખાતે વાયનાડમાં (Wayanad) ભૂસ્ખલન (Landslide) થવાના કારણે ભારે હોનારત સર્જાઈ છે. કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ઘણા લોકો ઘાયબ છે, કેટલાય ગામડાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે, લોકો બેઘર થયા છે. આ હોનારત મામલે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરવામાં આવી રહ્યું હતું. તેવામાં ગૃહમંત્રી અમિત શાહે 31 જુલાઇ, બુધવારે રાજ્યસભામાં આ બાબતે માહિતી આપીને વિપક્ષને ઉઘાડો પાડી તેના કચ્ચા ચિઠ્ઠા ખોલી દીધા છે. તેમણે કહ્યું હતું કે કેરળ સરકારને ભૂસ્ખલન બાબતે સતત ચેતવણી આપવામાં આવી હતી.
રાજ્યસભામાં સંબોધન કરતાં અમિત શાહે હોનારતનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે “આ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. હું મૃતકોના સંબંધીઓ અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે અપાર સંવેદના વ્યક્ત કરું છું.”
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "My condolences to the bereaved families… I want to clarify something for the country… They kept on talking about early warning. I want to clarify that on July 23, the government of India gave an early warning to the… pic.twitter.com/pyi8WCFPq2
— ANI (@ANI) July 31, 2024
આ બાદ તેમણે કહ્યું કે, “જાણકારીના અભાવના પરિણામે ઘણી બધી ટિપ્પણીઓ કરવામાં આવી હતી, આ ટિપ્પણીઓના કારણે દેશવાસીઓ કોઈ ગેરસમજણનો ભોગ ન બને એ માટે સ્પષ્ટતા કરવા માંગુ છું.” વિપક્ષ દ્વારા વારંવાર અર્લી વોર્નિંગ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો ત્યારે ગૃહમંત્રીએ એ જ શબ્દને પકડીને કહ્યું કે, “કેન્દ્ર સરકાર દ્વારા કેરળ સરકારને અગાઉથી ભૂસ્ખલન અંગે અર્લી વોર્નિંગ (Early Warning) આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 23 તારીખે કેરળ સરકારને ચેતવણી આપી હતી, પરંતુ કેરળ સરકાર દ્વારા આ ચેતવણી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.”
વધુમાં તેમણે કહ્યું કે આ બાદ 24, 25 અને 26 જુલાઈએ પણ કેન્દ્ર સરકારે કેરળ સરકારને ભૂસ્ખલન અંગે અર્લી વોર્નિંગ આપી હતી. આ બધી જ ચેતવણીઓમાં અગાઉથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે 20 સેંટીમીટરથી વધુ વરસાદ પડશે, ભારે વરસાદ થશે અને ભૂસ્ખલનની સંભાવના છે, જેના કારણે લોકોના મોત થઈ શકે છે.
ભારત સરકારની ચેતવણી પ્રણાલીના સફળ દાખલા ગણાવ્યા
આગળ ગૃહમંત્રીએ કહ્યું કે, ”હું વધુ કંઈ કહેવા માંગતો નથી પરંતુ ભારત સરકારની ચેતવણી પ્રણાલી પર સવાલો ઉઠી રહ્યા છે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં આ ચેતવણી પ્રણાલીના ઉપયોગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાં જાનહાનિની માત્રા શૂન્ય હતી.” ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર અને ઓડિશા સરકારે આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં આ ચેતવણી પ્રણાલીને કારણે એક પણ મૃત્યુ થયું નહોતું. ભારત સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે ₹2 હજાર કરોડ ખર્ચ્યા છે. દરેક રાજ્યને 7 દિવસ અગાઉ માહિતી મોકલવામાં આવે છે. આ માહિતી સાઇટ પર દરેક માટે ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે ગુજરાતમાં જ્યારે બિપરજોય વાવાઝોડું આવવાનું હતું ત્યારે પણ કેન્દ્ર સરકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ (Early Warning System) દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી, આ ચેતવણી ના પગલે રાજ્ય સરકારે અગાઉથી જ જરૂરી પગલાં લઈ દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર કરાવી દીધું હતું. આ જ સિસ્ટમના કારણે ગુજરાતને નહિવત માત્રામાં જાણ-માલનું નુકસાન થયું હતું. પરંતુ કેરળ સરકાર દ્વારા કેન્દ્ર સરકારની ચેતવણીની અવગણના કરવામાં આવતાં હોનારત વિશાળ પ્રમાણમા નુકસાન પહોંચાડી રહી છે.