Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમહિસાગરમાં આમ આદમી પાર્ટીના નેતાએ સરકારી જમીન પર તાણી બાંધ્યું મકાન, લેન્ડ...

    મહિસાગરમાં આમ આદમી પાર્ટીના નેતાએ સરકારી જમીન પર તાણી બાંધ્યું મકાન, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ: ખોટા કેસ કર્યા હોવાનો AAP અને INDI ગઠબંધનનો દાવો

    બાબુ ડામોર ગત વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને મહિસાગર જિલ્લાના પાર્ટી પ્રમુખ છે. તેમના પર આરોપ છે કે ડીટવાસ ખાતે તેમણે પોતાના રહેવા માટે જે ઘર બનાવ્યું છે તે જમીન સરકારી છે.

    - Advertisement -

    મહિસાગર જિલ્લાના (Mahisagar) AAP પ્રમુખ અને પાર્ટીના જૂના નેતાઓની હરોળમાં આવતા બાબુ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેમણે પહેલા સરકારી જમીન પર કબજો જમાવ્યો અને બાદમાં ત્યાં પોતાનું ઘર ઉભું કરી દીધું. ઘટનામાં ફરીયાદી મહિસાગર જિલ્લા પ્રશાસન પોતે છે. બીજી તરફ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પોતાના નેતાને બચાવવા મેદાને પડ્યા છે. INDI ગઠબંધનના નેતાઓએ ડામોરના ઘરે સભા કરીને તેમને ખોટા કેસ કરીને ફસાવવામાં આવ્યા હોવાની દલીલો આપી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર બાબુ ડામોર ગત વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુર (Santrampur) બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને મહિસાગર જિલ્લાના પાર્ટી પ્રમુખ છે. તેમના પર આરોપ છે કે ડીટવાસ ખાતે તેમણે પોતાના રહેવા માટે જે ઘર બનાવ્યું છે તે જમીન સરકારી છે. માહિતી અનુસાર તેમણે સરવે નંબર 19માં આવેલી સરકારી જમીનમા ગેરકાયદેસર દબાણ કરીને ત્યાં પોતાના રહેવા માટે મસ-મોટું મકાન બનાવી નાખ્યું હતું. આ બાબત તંત્રને ધ્યાને આવતા મામલાની તપાસ કરવામાં આવી હતી.

    ફરિયાદ દાખલ થયા બાદથી પોલીસ શોધી રહી હતી

    તપાસમાં દબાણ કરાયા હોવાનું ખુલ્યું હતું. જે બાદ થોડા મહિનાઓ અગાઉ કડાણાના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદથી જ બાબુ ડામોર ગાયબ હતા. ડીટવાસ પોલીસ સતત તેમને શોધી રહી હતી. તેવામાં ગત ગુરુવારે (25 જુલાઈ 2024) તેમના જ ગામમાં આમ આદમી પાર્ટીનો જાહેર કાર્યક્રમ હતો. પોલીસને બાતમી મળી હતી કે તેઓ આ સભામાં હાજરી આપવા આવવાના છે. માહિતી મળતાની સાથે જ કડાણા, ડીટવાસ અને સંતરામપુર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું. તેવામાં રાતના સમયે AAPના નેતા લપાતા છૂપાતા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના હાથે ચઢી ગયા હતા.

    - Advertisement -

    હાલ પોલીસે તેમની લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. તેમણે આ ગેરકાયદેસર કામ માટે કોની મદદ લીધી, તેમ જ સરકારી જમીન હડપ કરવા માટે તેમને કોણે-કોણે સાથ આપ્યો, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.

    એક તરફ પ્રશાસનની તપાસમાં સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે જે જમીન પર બાબુ ડામોરે મકાન બનાવ્યું છે, તે સરકારી જગ્યા છે અને ત્યાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના નેતાને છાવરતી જોવા મળી રહી છે. ધરપકડ બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને નેતા ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસી નેતાને સાથે રાખીને ડીટવાસમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજી હતી. આ સભામાં કેટલાક સ્થાનિક ગ્રામજનો AAPની ટોપીઓ પહેરીને બેસેલા જોવા મળ્યા હતા.

    ધરપકડના વિરોધમાં INDI ગઠબંધન

    સમગ્ર મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક મંચ પર જોવા મળ્યા હતા. ધરપકડ થયા બાદ INDI ગઠબંધન દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia), ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા પ્રભાબેન તાવિયાડ, લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ (Gulabsingh Chauhan) અને બંને પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામે એક સૂરમાં બાબુ ડામોર નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો હતો. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ બાબુ ડામોરના સમર્થનમાં એકત્ર થયા છે. સરકારે ખોટી ફરિયાદો કરી હોવાનનું કહીને તેમણે કેસ પાછા લેવાની માંગ કરી હતી.

    બીજી તરફ ગોપાલ ઈટાલીયાએ પણ મીડિયા સાથે વાત કરતા બાબુ ડામોરને ગરીબ ખેડૂત ગણાવતા કહ્યું હતું કે, તેઓ બે-પાંચ એકર જમીનના ટુકડામાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે અને ભાજપને તેની તકલીફ છે. નાના ખેડૂત ઉપર બહુ મોટી FIR કરી અને જાણે મોટું મીર માર્યો હોય એટલી બધી તાનાશાહી કરવામાં આવી રહી છે તેમ કહીને તેમણે પણ બાબુ ડામોરનું સમર્થન કર્યું હતું. ઑપઇન્ડિયાએ આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે કોઈ કારણોસર સંપર્ક સાધી શકાયો નહતો.

    દબાણ બાબુભાઈએ નહીં, તેમના પિતાજીએ કર્યું હશે: કોંગ્રેસી MLA ગુલાબસિંહ ચૌહાણ

    ઉલ્લેખનીય છે કે આ મામલે યોજાયેલી સભામાં લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર હતા. ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરતા તેમણે પણ એક જ સૂર આલાપ્યો હતો કે મહિસાગરના AAP જિલ્લા પ્રમુખ બાબુ ડામોર નિર્દોષ છે અને ભાજપે પ્રેશર કરીને ફરિયાદ કરાવી છે. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે, “બાબુભાઈનું પરિવાર ઘણા લાંબા સમયથી ત્યાં રહી રહ્યું છે. આમ જોવા જાવ તો દબાણ કોણ નથી કરતું? ભાજપના એક નેતાએ પણ દબાણ કરીને બાંધકામ કર્યા છે, તેમને કોઈએ કશું ન કીધું અને આમની ધરપકડ કરી. અમારી કોંગ્રેસ પાર્ટી બાબુભાઈ સાથે છે અને અમારો તેમને પૂરેપૂરો સહયોગ છે.” આ દરમિયાન તેમને બાબુ ડામોરને ક્લિન ચીટ આપતા ઑપઇન્ડિયાને તેમ પણ કહ્યું હતું કે, બાબુભાઈએ કોઈ દબાણ કર્યું જ નથી, બની શકે તેમના પિતાજીએ કર્યું હશે.

    તપાસમાં તે જમીન સરકારી હોવાનું સામે આવ્યું: ફરીયાદી મામલતદાર

    બીજી તરફ આ સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ ફરિયાદ કરનાર મામલતદાર ભરત ખાંટનો પણ સંપર્ક કર્યો હતો. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બાબુ ડામોરનું જે નિવાસ સ્થાન છે, તે સરકારી જમીન છે. મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જે લેન્ડ ગ્રેબિંગના ગુના ડામવા માટે ટીમ બનાવવામાં આવી છે, તેના દ્વારા ખાસ તપાસ આદરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુ ડામોરે સરકારી જમીનનો કબજો કર્યો છે. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, બાબુ ડામોરનું પરિવાર ઘણા લાંબા સમયથી અહીં દબાણ કરીને વસવાટ કરી રહ્યું છે તે સાચું. પરંતુ તેનાથી સરકારી જગ્યા તેમની માલિકીની નથી થઈ જતી. સરકારી જમીન પર દબાણ કરવું તે કાયદાકીય રીતે ગુનો બને છે અને ધારાધોરણ અનુસાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં