Friday, October 18, 2024
More
    હોમપેજદેશટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ‘ખેડૂતો’, શંભુ બોર્ડર પર યથાસ્થિતિ...

    ટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ‘ખેડૂતો’, શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવાનો સુપ્રીમનો આદેશ: સ્વતંત્ર પેનલ બનાવીને વાતચીત કરવાનો પ્રસ્તાવ

    સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “પ્રદર્શનકારીઓ પાસે સેંકડો JCB, ટ્રેક્ટરો અને ‘આર્મર્ડ ટેન્ક’ તરીકે મોડિફાય કરેલી ટ્રોલીઓ છે અને તેમને જો દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેમ છે.”

    - Advertisement -

    પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે આવેલી શંભુ બોર્ડર પ્રાયોગિક ધોરણે ખોલવાના પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સાથે કોર્ટે કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. હરિયાણા સરકારની અરજી પર બુધવારે (24 જુલાઈ) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પંજાબ-હરિયાણા સરહદ ફેબ્રુઆરી મહિનાથી ‘ખેડૂતો’ના આંદોલનને પગલે બંધ કરવામાં આવી છે. આ પહેલાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 10 જુલાઈના રોજ એક સપ્તાહની અંદર બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો, જેનો સમયગાળો 17 જુલાઈ બુધવારના રોજ પૂરો થઈ રહ્યો હતો. પરંતુ ડેડલાઇન પહેલાં હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં મામલાની સુનાવણી ચાલી રહી છે.

    જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભૂયાંની બેન્ચે આદેશ પસાર કરતાં કહ્યું કે, “અમે એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે પ્રસ્તાવ કરી રહ્યા છીએ, જે ખેડૂતો સાથે વાતચીત કરી શકે અને હિતધારકો સાથે પણ ચર્ચા કરે.” તેમણે આ સમિતિમાં કોને સમાવી શકાય તે માટે પંજાબ અને હરિયાણા રાજ્યની સરકારો પાસેથી નામો મંગાવ્યાં છે. 

    - Advertisement -

    જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, “આ કેસ વિશ્વાસના અભાવનો છે. આપણને એવા સ્વતંત્ર વ્યક્તિઓની જરૂર છે, જેઓ આ વિવાદમાં તટસ્થ હોય. ત્યાં સુધી બંને રાજ્યો સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખે, જેથી શંભુ બોર્ડર પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને.”

    હરિયાણા તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “પ્રદર્શનકારીઓ પાસે સેંકડો JCB, ટ્રેક્ટરો અને ‘આર્મર્ડ ટેન્ક’ તરીકે મોડિફાય કરેલી ટ્રોલીઓ છે અને તેમને જો દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેમ છે.” કોર્ટે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ ટ્રેક્ટરો અને ટ્રોલીઓ વગર પ્રવેશ માટે સરહદ ખોલી શકે કે કેમ? જેના જવાબમાં SGએ જણાવ્યું કે, પ્રાયોગિક ધોરણે પણ જો સ્થિતિ બદલવામાં આવે તો તેનાથી કાયદો-વ્યવસ્થાને અસર પડી શકે છે અને આ બાબત રાજ્ય સરકાર પર છોડવી વધુ યોગ્ય રહેશે. 

    ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત, પણ ટ્રૅક્ટરો લઈને નહીં આવી શકે: SG

    SGએ કહ્યું કે, ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત જ છે, પરંતુ તેઓ ટેન્કરો અને JCB લઈને નહીં આવી શકે. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, તે વાત સાચી છે અને ટ્રેક્ટરો અને ટ્રોલીની પરવાનગી આપી શકાય નહીં. તેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે આખરે સરકારે ખેડૂતો સાથે વાતચીતના પ્રયાસ કર્યા છે કે કેમ? જેનો સોલિસિટર જનરલે હકારમાં જવાબ આપ્યો હતો. 

    જોકે કોર્ટે કહ્યું કે, “તમે મંત્રીઓ અને અન્યોને મોકલી રહ્યા છો. ત્યાં વિશ્વાસનો અભાવ સર્જાય છે. તમારા મંત્રીઓ ત્યાં જશે અને ખેડૂતો સાથે સ્થાનિક મુદ્દાઓ સમજ્યા વગર વાતચીત કરશે. જેના કારણે મંત્રીઓનો આશય શુભ પણ હોય તોપણ બીજા પક્ષને લાગશે કે તેઓ માત્ર સરકારનો જ પક્ષ રાખી રહ્યા છે. તમે કોઇ ન્યુટ્રલ એમ્પાયર માટે કેમ વિચારતા નથી..બંને પક્ષે? તેનાથી વિશ્વાસ સ્થપાશે.”

    જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે, “ઊંઘેલા માણસને જગાડી શકાય છે, પણ ઊંઘવાનો ઢોંગ કરતા માણસને જગાડી નથી શકાતો.” તેમણે કહ્યું કે, ખેડૂતોએ અગાઉ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શનો કર્યાં હતાં, પણ તે પછીથી હટાવી લેવામાં આવ્યા. હવે તેઓ બીજી જ માંગો લઈને આવ્યા છે. જોકે, સાથે કહ્યું કે, સરકાર કોર્ટનાં સૂચનોને ગંભીરતાથી લઈને એ દિશામાં પ્રયાસો કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં