આદિ-અનાદિ કાળથી સનાતન ધર્મમાં કિન્નર સમાજને ખૂબ માનથી જોવામાં આવે છે. લગ્ન હોય કે બાળકોનો જન્મ, કિન્નરોના આશીર્વાદને વરદાન સ્વરૂપ માનવામાં આવે છે. ગુજરાતમાં તેમને પ્રેમ અને માનથી ‘માસી’ કહીને પણ સંબોધવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં તેમની હાલત કફોડી છે. સમાજમાં એક તબક્કો એવો પણ જે તેમને નકારે છે, તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. આવું જ કશું થયું છે ચરોતરના કિન્નર સમુદાય સાથે. પેટલાદના હિંદુ કિન્નર અખાડાને મુસ્લિમ ગાદીના તાબામાં આવવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
વાસ્તવમાં પેટલાદમાં આવેલો દાદા ગંગારામ કિન્નર અખાડો ગુજરાતનો દ્વિતીય નંબરનો સહુથી મોટો અખાડો છે. ત્યાંના કિન્નર સમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, છેલ્લા કેટલાક સમયથી તેમને તેમનો સનાતન અખાડો છોડીને મુસ્લિમ ગાદીના તાબામાં આવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમનો આરોપ છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પેટલાદ દાદા ગંગારામ કિન્નર અખાડો સનાતની રામાનંદી-વૈષ્ણવ પંથમાં માનનારો છે. તેમના વર્તમાન ગાદીપતિ મહંત આરતી કુંવર છે અને તેમનો હિંદુ ધર્માનુસાર મહામંડલેશ્વર પદ્માભિષેક પણ કરવામાં આવ્યો છે.
અખાડાના મુખિયાએ ઑપઇન્ડિયા પાસે ઠાલવી વ્યથા
પેટલાદના હિંદુ કિન્નર અખાડાની ગાદી સાથે સંકળાયેલા કિન્નરોની સનાતન ધર્મમાં ઊંડી આસ્થા છે. હાલ તેમનો આરોપ છે કે અમદાવાદ કિન્નરોના મુસ્લિમ ગાદીના અનુયાયીઓ દ્વારા તેમને ધર્માંતરણ કરીને તેમના તાબા હેઠળ આવવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે મહંત આરતી કુંવરે ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરીને પોતાની અને તેમના અનુયાયીઓની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં અમારો અખાડો બીજા નંબર પર આવતો સહુથી મોટો અખાડો છે. અમારે ત્યાં તમામ સમુદાયના કિન્નરો છે, તેમાં હિંદુ અને મુસ્લિમ તેમ બન્ને ધર્મમાં માનતા કિન્નરોનો સમાવેશ થાય છે. તમામ કિન્નરો પોતાની માન્યતાઓને જીવંત રાખીને અમારી સનાતન ધર્મની ગાદી સાથે સંકળાયેલા છે.”
આરતી કુંવરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે મૂળ વૈષ્ણવ-રામાનંદી કિન્નર અખાડાના છીએ, સ્થાનિક અને સરળ ભાષામાં કહીએ તો અમે હિંદુ સમાજની માસીઓ છીએ. અમારા કિન્નરોમાં બધા જ નાતના લોકો છે, તેમાં મુસ્લિમો પણ છે. પરંતુ અમારા અખાડા સાથે જોડાયેલા કિન્નરોને હિંદુ રીતિરિવાજ બાદ જ ચેલા કરવામાં આવે છે. માતાજીની સેવા પૂજા કરવામાં આવે છે અને કોઈ પણ ભેદભાવ નથી રાખવામાં આવતો. અમારો ધર્મ એક જ છે સનાતન ધર્મ. અમારા અખાડામાં બહુચર માતાજી, મેલડી માતાજી, હનુમાનજી મહારાજ સહિત તમામ દેવીદેવતાઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે.”
સામા પક્ષની ગાદી મહંમદ બેગડા વખતની- આરતી કુંવર
મહંત આરતી કુંવરે વધુમાં કહ્યું કે, “સામા પક્ષના જે કિન્નરો છે, તેમની ગાદી મહંમદ બેગડા વખતની મિયાં જમાલજીની ગાદી છે. તે લોકો છેલ્લા ત્રણ મહિનાથી અમારી સનાતન ગાદીના કિન્નરોને પ્રતાડિત કરી રહ્યા છે. તે લોકો ટોળાં કરીને નશાખોરી સહિતની અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને અમારું નામ વટાવે છે. ક્યારેક તે લોકો હિંસા પર ઉતરી આવીને મારપીટ પણ કરે છે. તેઓ ટોળા કરીને અજંપો ઉભો કરે અને બાદમાં ચરોતરના નડિયાદ, માતર, પેટલાદ સહિતના અમારી ગાદી હેઠળ આવતા આખાડાઓને બદનામ કરે છે. અમારી ઉપર ખોટા આક્ષેપો કરીને બનાવટી કેસ ઉભા કરવામાં આવી રહ્યા છે.”
આ બધું કરવા પાછળનું કારણ શું, તે સવાલ પર તેમણે જણાવ્યું કે, “આ બધું કરવા પાછળ તેમનો એક માત્ર ધ્યેય છે કે અમે અમારો સનાતન ધર્મ છોડીને તેમની ગાદીના તાબામાં જતા રહીએ. તેઓ કહે છે કે તમે તમારો ધર્મ છોડીને અમારો ધર્મ અપનાવો. તેમની એક જ ઈચ્છા છે કે ગુજરાતમાં તેમના ધર્મની ગાદી સિવાય કિન્નરોની અન્ય કોઈ ગાદી ન હોય અને બધા જ તેમના તાબામાં રહે. અમારી માત્ર એટલી જ માંગ છે કે અમે અને અમારા પૂર્વજો જે હજારો વર્ષોથી હિંદુ માન્યતા અનુસાર રહેતા આવ્યા છે અને આજે પણ હિંદુ માન્યતા અનુસાર રહે છે. અમારે કોઈ ધર્મ પરિવર્તન નથી કરવું. સરકાર પાસે અમને માત્ર એટલી જ અપેક્ષા છે કે અમને શાંતિથી રહેવા દેવામાં આવે અને અમારી માન્યતાઓનું હનન ન થાય તથા અમને અમારા ધર્મથી દૂર ન કરવામાં આવે. અમે પોલીસમાં ફરિયાદ આપી છે, પણ કાયર્વાહી ક્યાં સુધી થઈ છે તે વિશે હજુ અમને જણાવવામાં નથી આવ્યું.
કોણ છે મહામંડલેશ્વર આરતી કુંવર અને શું છે ગંગારામ અખાડો
મહંત આરતી કુંવરે ઑપઇન્ડિયાને આપેલી માહિતી અનુસાર, ગુજરાત અને રાજસ્થાન કિન્નર સમાજ દ્વારા તેમને 13 જૂન, 2024ના રોજ નર્મદા તટ માલસર ખાતેના ટીલાદ્વાર ગધ્યાચર્ય, મંગલપીઠાધીશ્વર 1008 માધવાચાર્ય અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં પશ્ચિમ ભારત કિન્નર સમાજના મહામંડલેશ્વર પદથી પદ્માભિષેક કરવામાં આવ્યો હતો. આરતી કુંવર (આરતીદાસ) ગુજરાત અને રાજસ્થાનના કિન્નર સમાજના મહામંડલેશ્વર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને તેમણે તેનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું.
તેઓ પેટલાદ દાદા ગંગારામ કિન્નર અખાડાના ગાદીપતિ પણ છે. કહેવામાં આવે છે કે પેટલાદના હિંદુ કિન્નર અખાડાનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તે ચરોતરનો સહુથી જૂનો અને ગુજરાતનો બીજા નંબરનો સહુથી મોટો કિન્નર અખાડો છે. આ અખાડાના આશ્રમમાં અલગ-અલગ દેવી-દેવતાઓના મંદિર પણ આવેલા છે. અહીં વસતા કિન્નર સમાજ દ્વારા હિંદુ ધર્મનું પાલન કરવામાં આવે છે.
આરતી કુંવરે ઑપઇન્ડિયાને જણાવ્યા અનુસાર, તેમનો અખાડો સમયાંતરે વિવિધ ધાર્મિક આયોજન પણ કરે છે. સાથે જ અખાડાના કિન્નરો દ્વારા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. તેમના અખાડાને પ્રતાડિત કરાતો હોવાની ફરિયાદ સાથે તેમણે સુરક્ષાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે “અમે સનાતની છીએ અને અમને સનાતની જ રહેવા દો”