મહાભારતના રચયિતા અને વિશ્વના મહાન સાહિત્યકાર ઋષિ વેદવ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનારા પ્રથમ ગુરુ હતા, તેથી તેમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે, દર વર્ષે અષાઢ પૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા કે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ગુરુપૂર્ણિમા હિંદુ ધર્મની સાથે-સાથે બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. આ દિવસે મુખ્યત્વે જીવન ગુરુ અને આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર અને પાવનકારી પર્વ પર આપણે ઋષિ વેદવ્યાસના જીવન અને ગુરુશિષ્ય પરંપરાના ભવ્ય ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીશું.
કહેવાય છે કે, અષાઢ પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસના 5 શિષ્યો દ્વારા કરવામાં આવી હતી. સનાતન ધર્મમાં ઋષિ વેદવ્યાસને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીએ જ વેદોનો વિસ્તાર કર્યો હતો. પ્રાચીન ગુરુશિષ્ય પરંપરાને આવા અઢળક ઋષિઓએ જીવંત રાખી હતી. પ્રાચીન તપોવન પદ્ધતિ કે ગુરુકુળ પદ્ધતિમાં ‘ગુરુના પુત્ર જ ગુરુ બનશે’નો સહેજ પણ ભાવ નહોતો. પરિવારવાદને દૂર કરીને યોગ્યતાના આધારે ગુરુ તેમના શિષ્યોમાંથી ઉત્તરાધિકારી નિયુક્ત કરતા હતા. મહર્ષિ વેદવ્યાસ પણ એક સમયના શિષ્ય હતા અને બાદમાં તેઓ સર્વોચ્ચ ગુરુના પદ પર બિરાજમાન થયા હતા. સનાતન ધર્મને મજબૂત અને ઉન્નત બનાવવામાં મહર્ષિ વેદવ્યાસનો સિંહફાળો છે. તેથી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ તેમને સમર્પિત છે.
ઋષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ છે. તેઓ માત્ર મહાભારતના રચયિતા જ નહીં, પરંતુ મહાભારતની તમામ ઘટનાઓના સાક્ષી પણ રહ્યા હતા. ઋષિ વેદવ્યાસના યોગદાનને સદીઓ બાદ આજે પણ યાદ કરવામાં આવે છે. અષાઢ સુદ પૂનમને વ્યાસપૂજાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યાસપૂજનના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન કરવામાં આવે છે. સંસ્કૃતિના ઘડતરનું કાર્ય છૂટીછવાઈ રીતે અનેક મહાપુરુષો અને ઋષિઓએ કર્યું હતું, પરંતુ વેદવ્યાસે બધા વિચારોનું સંકલન કરીને આપણને સંસ્કૃતિના જ્ઞાનકોષરૂપ ‘મહાભારત’ ગ્રંથ આપ્યો. ‘भारतः पंचमों वेदः’ તેમના આ ગ્રંથને પાંચમા વેદની ઉપમા મળી છે. મહાભારત દ્વારા તેમણે સંસ્કૃતિના વિચારો દ્રષ્ટાંતો અને ભવ્ય ધરોહરને સરળ અને રસાળ ભાષામાં સમાજ પાસે મૂક્યા.
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઋષિ વેદવ્યાસને અનેક રીતે સન્માનિત કર્યા હતા. વેદવ્યાસના જીવન અને કવનને અમર બનાવવા તેમના અનુગામી ચિંતકોએ, સંસ્કૃતિના વિચારોનો પ્રચાર કરનારા સૌ મહાપુરુષોને ‘વ્યાસ’ તરીકે સંબોધિત કરવાનું શરૂ કર્યું હતું. સંસ્કૃતિના વિચારો જે પીઠ પરથી વહેતા થાય છે તે પીઠ આજે પણ ‘વ્યાસપીઠ’ તરીકે ઓળખાય છે. આ વ્યાસપીઠ પર આરુઢ થઈને જે નિસ્વાર્થ ભાવે પોતાની ઉપાસના અથવા તો ભક્તિ સમજીને કર્તવ્યભાવે સંસ્કૃતિના પ્રચારનું જીવનવ્રત લે છે, તેમની પૂજા ગુરુપૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
મહર્ષિ વેદવ્યાસ સંસ્કૃત ભાષામાં નિપુણ હતા. તેમણે મહાભારત, 18 મહાપુરાણો, બ્રહ્મસૂત્ર જેવા અનેક સાહિત્યનો રચના કરી હતી. ધર્મશાસ્ત્રો અનુસાર, તેઓ ત્રિકાલ જ્ઞાની હતા. તેમણે દિવ્ય દ્રષ્ટિથી જાણી લીધું હતું કે કલિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે. ધર્મના ક્ષીણ થવાથી મનુષ્ય નાસ્તિક, કર્તવ્યહીન, ધર્મહીન અને અલ્પાયુ થઈ જશે. એક વિશાળ વેદનું સંપૂર્ણ અધ્યયન તેમના સામર્થ્યની બહાર થઈ જશે. તેથી જ મહર્ષિ વેદવ્યાસે વેદને ચાર ભાગોમાં વિભાજિત કર્યા અને તેના નામ પણ આપ્યા. જે અનુક્રમે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદો ખૂબ ગૂઢ અને રહસ્યમય જ્ઞાનનો ભંડાર હોવાથી સામાન્ય લોકો તેના વિચારોને સમજી શકતા નહોતા. તેથી મહર્ષિ વેદવ્યાસે પાંચમા વેદ તરીકે 18 પુરાણોની રચના કરી હતી. જેમાં વેદોના ગૂઢ જ્ઞાનને રોચક કથાનક તરીકે લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. તેઓ આધુનિક હિંદુ ધર્મના શિલ્પી પણ ગણાય છે.
મહર્ષિ વ્યાસને આપણે હિંદુ ધર્મના પિતા કહી શકીએ છીએ. તેમના મહાન યોગદાનને યુગો-યુગો સુધી વિશ્વભરમાં યાદ રાખવામાં આવશે. ‘વ્યક્તિનો મોક્ષ’ અને ‘સમાજનો ઉદ્ધાર’ એ બંને આદર્શો પ્રત્યે અભેદબુદ્ધિથી જોનારા અભ્યુદય અને નિઃશ્રેયસ બંનેનો સમન્વય સાધનારા, અધ્યાત્મપારાયણ વ્યાસજીથી ચડી જાય તેવો બીજો કોઈ સમાજશાસ્ત્રી તેમના પછી ન તો થયો છે, ન તો થશે. તેમનું વૈદિક તેમજ લૌકિક જ્ઞાન એટલું અમર્યાદ હતું કે, સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જતાં હતા. અંગ્રેજ સાહિત્યકારોએ મહાભારતને ‘વિશ્વનો સાર’ ગણાવ્યો છે. યુગો બાદ પણ આજે પણ મહાભારત એટલું જ અસરકારક છે, જેટલું દ્વાપરમાં હતું. વ્યાસ જીવનના સાચા અને મહાન ભાષ્યકાર છે. કારણ કે, તેમણે જીવનને તેના સમગ્ર સ્વરૂપમાં જાણ્યું છે.
તેમના અનુસાર, જીવન એ ન માત્ર પ્રકાશ છે કે ન માત્ર અંધકાર. જીવન તો તેજ-છાયાની સંતાકૂકડી છે, જીવન ભરતી-ઓટની રમત અને સુખ-દુઃખનો સમન્વય છે. કોઈ માણસ આજીવન સુખી કે દુઃખી નથી રહેતો. આ જ જીવન છે. મહર્ષિ વેદવ્યાસને શબ્દોમાં વર્ણવવા કોઈપણ આધુનિક લેખક કે ભાષાવિદ માટે ખૂબ કપરું કામ છે. તેઓ સમાજના સાચા અને પ્રથમ ગુરુ હતા. તેમના બાદથી પરંપરાગત વ્યાસપૂજા ગુરુપૂજા કહેવાવા લાગી અને વ્યાસપૂર્ણિમા ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાવા માંડી.
ગુરુશિષ્ય પરંપરા અને ગુરુનું મહત્વ
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર હિંદુ ધર્મના અનુયાયીઓ શાળાજીવનના શિક્ષક સહિત આધ્યાત્મિક ગુરુઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. પ્રાચીન ગુરુશિષ્ય પરંપરામાં પણ ગુરુને ભગવાન કરતાં ચડિયાતા ગણવામાં આવ્યા હતા. સ્વયં મહાદેવે પણ ગુરુની મહિમા ગાઈ છે. નિર્જીવ વસ્તુઓને ઉપર ફેંકવા માટે જેમ સજીવની જરૂર પડે છે, તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા માટે એક જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે. આ વ્યક્તિ એટલે ગુરુ. માનવને દેવ બનવા માટે પોતાની પશુતુલ્ય વૃત્તિઓ પર સંયમ મૂકવો પડે છે. આ સંયમની પ્રેરણા તેને ગુરુના જીવન પરથી મળે છે. વેદોમાં પણ ગુરુને ‘આચાર્ય દેવ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આચાર્ય ચાણક્ય પણ એક સનાતન વાક્ય હંમેશા કહેતા હતા કે, ‘શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રગતિ અને પ્રલય તેના ખોળામાં રમે છે.’
પ્રાચીન ગુરુશિષ્ય પરંપરામાં દરેક વિદ્યાર્થીએ સોળ સંસ્કાર પૈકીના ‘ઉપનયન સંસ્કાર’નું પાલન કરવું અનિવાર્ય રહેતું. ગુરુની પાસે બેસીને વિદ્યા ગ્રહણ કરવી તે જ સંસ્કારનો એક ભાગ હતો. ભગવાન રામ, ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરીને જ આગળ વધ્યા હતા. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ‘જગદગુરુ શ્રીકૃષ્ણ’એ ગુરુને મહાન ગણાવ્યા છે. ભગવદ ગીતા અનુસાર, શિષ્ય નમ્રતા, જિજ્ઞાસા અને સેવાથી ગુરુ પાસે રહેલું જ્ઞાનામૃત પીએ છે. ગુરુનું પૂજન એ વૈદિક પરંપરા છે.
આ સાથે જ આપણાં પ્રાચીન સાહિત્યોમાં ગુરુના અનેક પ્રકાર પણ વર્ણવવામાં આવ્યા છે. દરેક ગુરુ પોતાના શિષ્યને જે-તે ક્ષેત્રમાં હંમેશા આગળ વધવામાં મદદગાર થતાં હતા. ભારતે વિશ્વભરમાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો હતો, જેમાં સૌથી મોટું યોગદાન ગુરુનું હતું. ઋષિ સાંદીપનિના શિષ્ય કહેવડાવવામાં કૃષ્ણ અને સુદામા બંને ગૌરવ અનુભવતા હતા. ભગવાન રામ પણ ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રને પરમ આદરણીય માનતા હતા. પરશુરામ પાસેથી જ્ઞાન મેળવવા માટે કર્ણે ઘણા કષ્ટો સહન કર્યા હતા. ગૌડપાદાચાર્યનું નામ આવતા જ આદિગુરુ શંકરાચાર્ય ભાવવિભોર થઈ જતાં હતા. ભારતીય સંસ્કૃતિએ ગુરુઓમાં કળશરૂપ સદગુરુને હંમેશા પૂજયા છે.
જ્ઞાનના સુર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય જેવા ગુરુનું ‘ગુરુપૂર્ણિમા’ના દિવસે પૂજન કરવાનું હોય છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે હંમેશા કહેતા કે, ગુરુપૂજન એટલે સત્યનું પૂજન, જ્ઞાનનું પૂજન, અનુભવોનું પૂજન.. આ સમયે કદાચ આવા ગુરુઓ ન મળે તો ‘कृष्णं वंदे जगद्गुरुम’ના જયઘોષ સાથે ભગવાન કૃષ્ણને ગુરુ બનાવી તેમણે દાખવેલા જીવનપથ પર ચાલવું એ જ શ્રેયસ્કર છે. જેમણે ભારતીય સંસ્કૃતિના વૃક્ષને પોતાના રકતસિંચનથી ઉછેર્યુ છે, તેવા જગદગુરુ શ્રીકૃષ્ણને ગુરુપદ પર સ્થાપિત કરીને વિશ્વ પણ જીતી શકાય છે.
(સંદર્ભ ગ્રંથો: ઋષિ સ્મરણ, વ્યાસવિચાર, સંસ્કૃતિ પૂજન)