Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, 7 તિજોરીઓ-સંદૂકોમાં મળી...

    પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, 7 તિજોરીઓ-સંદૂકોમાં મળી આવ્યાં સોના-ચાંદી: જાણો ક્યાંથી આવ્યાં આટલાં રત્ન અને આભૂષણો

    જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખાતે 7 તિજોરીઓ અને સંદૂકો મળી આવ્યાં છે. જેમાં હીરા, રત્ન અને સોનું મળ્યાં છે.

    - Advertisement -

    ઓડિશાના પુરીમાં સ્થિત મહાપ્રભુ જગન્નાથના મંદિરના રત્ન ભંડારમાં રાખવામાં આવેલો ખજાનો ગુરુવારે (18 જુલાઈ) બહાર કાઢવામાં આવ્યો હતો. દરમ્યાન પુરીના મહારાજા ગજપતિ દિવ્યસિંહ દેવ ચતુર્થ તેમજ સમિતિના 11 સભ્યો પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખાતે 7 તિજોરીઓ અને સંદૂકો મળી આવ્યાં છે. જેમાં હીરા, રત્ન અને સોનું મળ્યાં છે.

    અહીંથી જાડા કાચની ત્રણ અને લોખંડની 1(6.50 ફૂટ ઊંચી, 4 ફૂટ પહોળી) તિજોરી મળી આવી હતી. આ ઉપરાંત 3 ફૂટ ઉંચી અને 4 ફૂટ પહોળી લાકડાની 2 સંદુકો અને 1 લોખંડની સંદૂક હતી. સંદૂકોની અંદર પણ ઘણાં બોક્સ મળ્યાં છે, જેમાં સોનું હતું. આ તમામ બોક્સમાંથી ખજાનો કાઢીને મહાપ્રભુના શયન કક્ષમાં મૂકવામાં આવ્યો હતો. આ કામગીરીમાં લગભગ 7 કલાક લાગ્યા.

    આ પહેલાં 14 જુલાઈએ રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. ભંડારના બહારના ઓરડામાંથી 6 સંદૂકો મળી આવી હતી. આ સંદુકોમાંથી 95.325 કિલો સોનું અને 19.480 કિલો ચાંદી મળી આવી હતી. આ બધી વસ્તુઓ અહીંથી બહાર કાઢીને સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવી હતી. 14મી જુલાઇ રવિવારના રોજ રત્ન ભંડારનો અંદરનો ઓરડો પણ ખોલવામાં આવ્યો પરંતુ ત્યાં ખૂબ અંધારું હતું અને જાળાં પણ લાગેલાં હતાં. અહીં મોટી સંખ્યામાં ચામાચીડિયાં પણ જોવા મળ્યાં હતાં. અંધારું અને ગંદકીને જોતાં સમિતિએ ચાર દિવસ પછી ઓરડો ફરી ખોલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ 18 જુલાઈના રોજ સવારે 9:15 વાગ્યે રૂમ ખોલવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અહીંથી 50.6 કિલો સોનું અને 134.50 કિલો ચાંદી મળી આવી હતી. અહેવાલ અનુસાર અહીંથી સોના અને ચાંદીના 12 બોક્સ મળી આવ્યાં છે. તેમની કુલ કિંમત 100 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવે જણાવ્યું કે, ભંડારઘરમાં તાળું માર્યા બાદ તેમણે ચાવીઓ સરકારી ટ્રેઝરીમાં આપી દીધી છે. બાહ્ય અને આંતરિક રત્ન ભંડારની તમામ કિંમતી વસ્તુઓ ભગવાન જગન્નાથના શયન કક્ષમાં મૂકવામાં આવી છે. બંને ભંડાર ASIને સોંપવામાં આવશે. ASI દીવાલોનું લેસર સ્કેનિંગ દ્વારા સમારકામ માટે યોજના તૈયાર કરશે. સોના અને જ્વેલરીના લિસ્ટિંગ અને ઓડિટ અંગેનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.

    અગાઉ એવી બાબતો ચર્ચામાં હતી કે અંદરના રત્ન સ્ટોરમાં સાપ અને ઘણી સુરંગ જોવા મળી હતી. જોકે, આ અફવા સાબિત થઈ. મંદિરના પ્રશાસક અને સમિતિના સભ્ય અરવિંદ પાધીએ જણાવ્યું કે અંદરના રત્ન ભંડારમાં ન તો સાપ જોવા મળ્યા કે ન તો કોઈ સુરંગ મળી. આ બધી માત્ર અફવા હતી.

    જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ક્યારે-ક્યારે ખોલવામાં આવ્યો?

    ઉલ્લેખનીય છે કે આ મંદિરના રત્ન ભંડારનો સૌપ્રથમ દસ્તાવેજ ચાર્લ્સ ગ્રુમે 1805માં કર્યો હતો, તે સમયે ત્યાં 64 સોના-ચાંદીના ઘરેણાં હતાં. 128 સોનાના સિક્કા, 1,297 ચાંદીના સિક્કા, 106 તાંબાના સિક્કા અને 1,333 કપડાં પણ મળી આવ્યાં હતાં. જે બાદ તેને 1905માં ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1926માં આ જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો.

    ત્યારબાદ 1978માં ફરીથી ખોલીને સોના-ચાંદીની સૂચિ બનાવવામાં આવી. આ દરમિયાન તેમાંથી લગભગ 128 કિલો સોનું અને 222 કિલો ચાંદી મળી આવી હતી. આ સમયગાળા દરમિયાન, સોના અને ચાંદીની ઘણી વસ્તુઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું. એવું કહેવાય છે કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર વર્ષ 1985માં પણ ખોલવામાં આવ્યો હતો, પરંતુ સૂચિ અપડેટ કરવામાં આવી ન હતી.

    વર્ષ 2018માં ઓડિશા હાઈકોર્ટે રાજ્ય સરકારને રત્ન ભંડાર ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. 4 એપ્રિલ 2018ના રોજ કોર્ટના આદેશ પર જ્યારે 16 લોકોની ટીમ રત્ન ભંડાર રૂમમાં પહોંચી હતી પરંતુ તેમણે ખાલી હાથ પરત ફરવું પડ્યું, કારણ કે દાવો એવો કરવામાં આવ્યો હતો કે રત્ન ભંડારની ચાવીઓ ખોવાઈ ગઈ છે. જેના કારણે ત્યારે ખૂબ હોબાળો પણ મચી ગયો હતો. ત્યારબાદ ઓડિશાના તત્કાલિન મુખ્યમંત્રી નવીન પટનાયકે 4 જૂન, 2018ના રોજ આ મામલે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ સમિતિએ 29 નવેમ્બર, 2018ના રોજ સરકારને ચાવી સંબંધિત પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, પરંતુ સરકારે તેને સાર્વજનિક કર્યો ન હતો અને ન ચાવી મળી હતી. વાસ્તવમાં બહારના ઓરડાની 3 ચાવીઓ હતી, જેમાંથી એક ગજપતિ મહારાજાને, બીજી મંદિર પ્રશાસનને અને ત્રીજી એક સેવકને સોંપવામાં આવી હતી. જ્યારે અંદરના ઓરડાની ચાવી ખોવાઈ ગઈ હતી.

    મંદિરમાં આટલાં આભૂષણો કોણે આપ્યાં?

    રાજાશાહીમાં રાજાઓ-મહારાજાઓ મંદિરોને વિવિધ કાર્યો માટે દાન આપતા હતા. સામાન્ય લોકો અને શ્રીમંત લોકો પણ મંદિરમાં દાન આપતા હતા. એવું કહેવાય છે કે 9મી સદીથી બનવાના શરૂ થયેલા અને 10મી સદીમાં પૂર્ણ થયેલા જગન્નાથ મંદિરમાં તત્કાલિન ક્ષત્રિય મહારાજા અનંગ ભીમદેવે લાખો રૂપિયાનું સોનું દાનમાં આપ્યું હતું. એક તોલા સોનામાં બે માધા હોય છે એટલે કે એક માધા પાંચ ગ્રામનું હોય છે.

    તે મુજબ મહારાજાએ મંદિરમાં લગભગ 5 કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું હતું. આ સિવાય ઘણા ક્ષત્રિય શાસકોએ ભગવાન જગન્નાથને સોનું અને કિંમતી રત્નો અર્પણ કર્યાં હતાં. 15મી સદીમાં સૂર્યવંશી ક્ષત્રિય મહારાજા કપિલેન્દ્ર દેવે મંદિરમાં સોનું, ચાંદી અને અનેક કિંમતી હીરા વગેરેનું દાન કર્યું હતું. એવું કહેવાય છે કે આ સામાન ઘણા હાથીઓ પર લાદી મંદિરમાં લાવવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત મહારાજા રણજીત સિંહે પણ આ મંદિરમાં ઘણું સોનું દાન કર્યું હતું. મહારાજા રણજીત સિંહે પોતાની વસિયતમાં જગન્નાથ મંદિરને કોહિનૂર હીરા આપવાનું કહ્યું હતું. આ પછી પણ રાજાઓએ અહીં દાન આપ્યું હતું. દાન તરીકે સોનું અને ચાંદી પ્રાપ્ત કર્યા પછી મંદિરમાં ‘સુના બેશા’ ની પરંપરા શરૂ થઈ. આ પરંપરા અંતર્ગત ભગવાન જગન્નાથનો સ્વર્ણથી શૃંગાર કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં