ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વ એક તાંતણે બંધાયું છે ત્યારે શુક્રવારે (19 જુલાઈ) માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી થઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી થયાની અસર વિશ્વના મોટાભાગના દેશોમાં થઈ છે. પરંતુ સૌથી વધુ અસર એરપોર્ટ અને બેંકોમાં જોવા મળી રહી છે. વિશ્વની ઘણી બેંકોમાં લાંબી લાઈનો લાગી ગઈ છે. સર્વર ડાઉન હોવાને કારણે વિમાનો એરપોર્ટ પરથી ટેક ઓફ થઈ શકતા નથી.
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી થવાના કારણે સ્થિતિ એવી થઈ છે કે ઈન્ડિગો, અકાસા એરલાઈન્સ અને સ્પાઈસ જેટ સહિતની ઘણી એરલાઈન્સે પોતાના પ્લેન લેન્ડ કરાવવા પડ્યા કારણ કે ફ્લાઈટ સંચાલનમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગોએ જણાવ્યું હતું કે સમગ્ર નેટવર્કની તમામ સિસ્ટમ્સ Azure સાથે ચાલી રહેલી સમસ્યાથી પ્રભાવિત થઈ છે. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ચેક-ઈન સહિતની ઘણી ઓનલાઈન સેવાઓ કામ કરી રહી નથી.
બર્લિન એરપોર્ટે પણ બપોરે ટેક્નિકલ ખામીને કારણે 1:30 (ભારતીય સમય) વાગ્યા સુધી તમામ ફ્લાઇટ્સ અટકાવી દીધી છે. યુએસમાં અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા અને યુનાઇટેડ સહિતની ઘણી મોટી એરલાઇન્સે તમામ ફ્લાઇટ્સ લેન્ડ કરાવી દીધી છે. યુએસ સ્થિત ફ્રન્ટિયર એરલાઇન્સે ફ્લાઇટ્સ લેન્ડ કરાવી દીધી હતી. માઈક્રોસોફ્ટના આઉટેજને કારણે ઓનલાઈન રિઝર્વેશન અને બુકિંગને પણ અસર થઈ.
આ મામલે ભારતના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે “MEITY વૈશ્વિક આઉટેજ અંગે Microsoft અને તેના સહયોગીઓ સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું કારણ ઓળખવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. CERT ટેક્નિકલ એડવાઈઝરી જારી કરી રહ્યું છે. NIC નેટવર્ક અસરગ્રસ્ત નથી.”
MEITY is in touch with Microsoft and its associates regarding the global outage.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2024
The reason for this outage has been identified and updates have been released to resolve the issue.
CERT is issuing a technical advisory.
NIC network is not affected.
સર્વર ડાઉનના કારણે વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જની કામગીરી ખોરવાઈ ગઈ હતી. લંડન સ્ટોક એક્સચેન્જની સેવાઓને અસર થઈ હતી. નુવામા, એડલવાઈસ અને મોતીલાલ ઓસ્વાલ સહિતની કેટલીક બ્રોકરેજ કંપનીઓને પણ ટેકનિકલ આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ છે. નોંધનીય છે કે આઉટેજને કારણે વિશ્વભરની સમાચાર સેવાઓને પણ અસર થઈ હતી. બ્રિટનની મુખ્ય ટેલિવિઝન ન્યૂઝ ચેનલોમાંની એક, સ્કાય ન્યૂઝે જણાવ્યું હતું કે તેઓને બ્રોડકાસ્ટ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
આ અગાઉ પણ સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ગણતાં એવા Disney+ Hotstarનું સર્વર પણ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ચાલુ મેચમાં જ ઠપ થઈ ગયું હતું. થોડા જ સમયમાં લોકોએ સોશિયલ મીડિયામાં મીમ્સ દ્વારા Disney+ Hotstarની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી. બાદમાં Disney+ Hotstarએ તેને એક ટેકનિકલ ખામી ગણાવી હતી.