ભારત અને રશિયાની દોસ્તી કેટલી જૂની અને મજબૂત છે, તે તાજેતરમાં જ આખી દુનિયાએ જોયું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન (President Putin) વડાપ્રધાન મોદીનું ઘણું સન્માન કરે છે. તાજેતરની રશિયા યાત્રા દરમિયાન પુતિને PM મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. ભારત-રશિયા વચ્ચેના સંબંધો હવે જગજાહેર છે. અમેરિકા પણ હવે આ સંબંધોને સારી રીતે જાણી ગયું છે. તે જ કારણ છે કે, રશિયા (Russia) યાત્રા બાદથી જ અમેરિકા ભારતને સતત વિનંતી કરી રહ્યું છે. હવે ફરી એકવાર અમેરિકાએ ભારતને વિનંતી કરી છે અને કહ્યું છે કે, ભારત રશિયા સાથેના તેના સંબંધોનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરે અને યુક્રેન સાથે ચાલી રહેલું યુદ્ધ અટકાવે.
જ્યારે વડાપ્રધાન મોદી રશિયાની યાત્રા પર હતા, ત્યારે પણ અમેરિકાએ વારંવાર ભારતને વિનંતી કરી હતી કે, ભારત રશિયા સાથે વાત કરીને યુક્રેન યુદ્ધ (Russia-Ukrain War) અટકાવી શકે છે. જોકે, વડાપ્રધાન મોદીએ પુતિન સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ યુદ્ધનો સમય નથી. તેમ છતાં હજુ અમેરિકા ભારતને વારંવાર વિનંતી કરી રહ્યું છે. ત્યારે હવે ફરીવાર અમેરિકાએ આવી જ વિનંતી કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે (Matthew Miller) એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વિનંતી કરી હતી. તેમણે દિલ્હી અને મોસ્કોના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને ભારતને હસ્તક્ષેપ કરવા માટેની રીતસર વિનંતી કરી હતી. તેમણે ભારતને વિનંતી કરી કે, રશિયા સાથેના સંબંધોનો ઉપયોગ કરીને ભારત આ યુદ્ધને અટકાવવાનો પ્રયાસ કરે.
We Want India To Speak To Russia – US State Dept Spox And The Neverending Story
— RT_India (@RT_India_news) July 16, 2024
Responding to a question on PM Modi's visit to Russia last week & the reaction of Ukraine leader Vladimir Zelensky, Matthew Miller sang the old song again.
"Utilise", "urge", "encouraged" and… pic.twitter.com/AxnN56Xv9M
અમેરિકી (America USA) વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, “ભારતનો રશિયા સાથે ખૂબ જૂનો સંબંધ છે. મને લાગે છે કે, આ વાત કોઈનાથી અજાણ નથી. હું અમેરિકા તરફથી ભારતને નમ્ર વિનંતી કરું છું કે, તે રશિયા સાથેના પોતાના સંબંધો અને પોતાની ખાસ પોઝિશનનો ઉપયોગ કરે. આગ્રહ છે કે, ભારત રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આ યુદ્ધ પૂર્ણ કરવા અને એક ન્યાયસંગત શાંતિ, એક સ્થાયી શાંતિની દિશામાં આગળ વધવા માટે કહે. સાથે જ વ્લાદિમીર પુતિનને તે પણ કહે કે, તે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું સન્માન કરે અને યુક્રેનની સ્થાનિક અખંડિતતા અને સંપ્રભુતાનું સન્માન કરે. ભારતને વિનંતી છે કે, તે રશિયા સાથે વાત કરે.”
PM મોદીની યાત્રા દરમિયાન પણ અમેરિકાએ કર્યો હતો આગ્રહ
PM મોદીની રશિયા યાત્રા દરમિયાન પણ અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી હતી. તે સમયે વડાપ્રધાનની રશિયા યાત્રા પર વાઇટ હાઉસના પ્રવક્તા કેરિન જીન-પિયરે આધિકારિક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત અને રશિયા એક રણનીતિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે દરેક મુદ્દાઓ પર સ્પષ્ટ વાતચીત થાય છે. યુક્રેનની વાત આવે તો ભારત સહિતના તમામ દેશો શાંતિનું સમર્થન કરે છે. અમેરિકાનું માનવું છે કે, ભારત પાસે તે ક્ષમતા છે કે, તે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે.”
તેમણે કહ્યું કે, “ભારત રશિયા સાથે વાતચીત કરીને યુદ્ધને અટકાવી શકે છે. તે રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાત કરી શકે છે. તેમના દીર્ઘકાલીન સંબંધો તેમને પુતિન સાથે વાત કરવા માટેની ક્ષમતા આપે છે. ભારત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને અટકાવી શકે છે. જોકે, આખરી નિર્ણય રાષ્ટ્રપતિ પુતિનનો જ રહે છે. રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ શરૂ કર્યું છે અને તેઓ જ આ યુદ્ધને પૂર્ણ કરી શકે છે.” વાઇટ હાઉસના આ નિવેદન બાદ હવે અમેરિકી વિદેશ વિભાગ તરફથી પણ નિવેદન આપ્યું છે. એક રીતે ‘જગત જમાદાર’ બનતું અમેરિકા રશિયા-યુક્રેન મુદ્દે ભારત ભરોસે બેઠું છે.