તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને આમ આદમી પાર્ટી (AAP) સતત ખોટા દાવા કરી રહી છે. AAPના મોટા નેતાઓ વારંવાર પ્રેસ કૉન્ફરન્સ કે અન્ય માધ્યમો દ્વારા ‘કેજરીવાલ જોખમ’માં હોવાના દાવા કરતાં રહે છે. AAPનો આરોપ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જેલમાં રહીને કેજરીવાલનું વજન 8 કિલો ઘટી ગયું છે. આ સાથે જ તેમનું સુગર લેવલ પણ ઘણું વધી ગયું છે. જ્યારે આવા દાવાઓ વધુ થવા લાગ્યા ત્યારે તિહાડ પ્રશાસને પોતે આ દાવાઓ પર સ્પષ્ટતા આપવી પડી છે. તિહાડ જેલ પ્રશાસનનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, કેજરીવાલ જાણીજોઇને વજન ઘટાડી રહ્યા છે. તેઓ વારંવાર ઘરના ભોજનને પરત કરી રહ્યા છે.
તિહાડ જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને થઈ રહેલા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તિહાડ જેલ પ્રશાસનનો (Tihar Jail) રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, કેજરીવાલનું વજન 8 કિલો નથી ઘટ્યું. 2 જૂને પાછા જેલમાં આવ્યા બાદ તેમનું વજન માત્ર 2 કિલો ઓછું થયું છે. રિપોર્ટમાં એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, કેજરીવાલ (Arvind Kejriwal) જાણીજોઇને તેમનું વજન ઘટાડી રહ્યા છે. તેઓ વારંવાર ઘરના ભોજનને પરત મોકલી દે છે. AAPના ભ્રામક દાવાઓ વચ્ચે તિહાડ જેલ પ્રશાસને રિપોર્ટ જારી કરીને ખુલાસા આપવા પડ્યા છે.
તિહાડ જેલ પ્રશાસનના રિપોર્ટ અનુસાર, 1 એપ્રિલના રોજ પહેલીવાર જેલ આવતા સમયે કેજરીવાલનું વજન 65 કિલો હતું. 9 મેના રોજ જેલથી નીકળતા સમયે પણ તેમનું વજન 65 કિલો જ હતું. 2 જૂનના રોજ ફરી જેલમાં આવતા સમયે તેમનું વજન 63.5 કિલો હતું. 14 જુલાઈના રોજ કેજરીવાલનું વજન 61.5 કિલો હતું અને 2 જૂનથી 14 જુલાઈ વચ્ચે તેમનું વજન માત્ર 2 કિલો ઓછું થયું છે. આ સાથે તિહાડ પ્રશાસને કારણ દર્શાવતા કહ્યું છે કે, કેજરીવાલ જાણીજોઇને વજન ઘટાડી રહ્યા છે. તેઓ ઘરનું ભોજન પરત કરી દે છે. પહેલાં જાણીજોઇને એવું ભોજન લેતા હતા જેનાથી સુગર વધે. કેજરીવાલના સ્વાસ્થ્ય પર AIIMS મેડિકલ બોર્ડની સતત નજર છે.
કેજરીવાલના જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં સુનાવણી
સાથે એ પણ નોંધવું જોઈએ કે, સોમવારે (15 જુલાઈ) દારૂ નીતિ કૌભાંડ કેસમાં જેલમાં બંધ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. 20 જૂનના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. 21 જૂનના રોજ EDએ હાઈકોર્ટમાં જઈને રાઉઝ એવન્યુ કોર્ટને પડકાર આપ્યો હતો. 25 જૂનના રોજ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે એજન્સીએ દાવો કર્યો હતો કે, ટ્રાયલ કોર્ટ દ્વારા તેનો પક્ષ સરખી રીતે સાંભળવામાં આવ્યો નથી અને કેજરીવાલને જામીન આપી દેવામાં આવ્યા છે.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, સરખી રીતે દલીલો થઈ નહોતી. નીચલી અદાલતે બુદ્ધિ વાપર્યા વગર જામીન આપી દીધા છે. તેથી રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવે છે. આ સાથે કોર્ટે નીચલી અદાલતને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, નીચલી અદાલતે EDને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પર્યાપ્ત સમય આપવો જોઈએ. ત્યારબાદ હવે આ અરજી પર 15 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી CM કેજરીવાલ પર ED સિવાય CBIનો કેસ પણ ચાલી રહ્યો છે. દારૂ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારને લઈને CBIએ 26 જૂને તેમની ધરપકડ કરી હતી.