Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ, જાહેર સભામાં થયો ગોળીબાર: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિનો આબાદ...

    ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ, જાહેર સભામાં થયો ગોળીબાર: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિનો આબાદ બચાવ, હુમલો કરનાર ઠાર- ઘટનાનો વિડીયો વાયરલ

    વિડીયોમાં જોઈ શકાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનમેદની વચ્ચે મંચ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ જાય છે. હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળી ટ્રમ્પના કાનને વીંધીને નીકળી જાય છે.

    - Advertisement -

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે થયો, જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટેની એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. આ સભા પેન્સિલવેનિયાના બટલર ખાતે યોજાઈ હતી. હુમલામાં ટ્રમ્પ ઘાયલ થયા છે, સદનસીબે ગોળી તેમના કાનને વીંધીને નીકળી જતાં આજની તારીખને ઇતિહાસમાં કાળી ટીલી લાગતાં રહી ગઈ. ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતાં મૃત્યુ થયું છે, જ્યારે હુમલો કરનાર પણ ઠાર મરાયો છે. અમેરિકન એજન્સીઓ હાલ મામલાની તપાસ હાથ ધરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે થોડા જ મહિનાઓમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પાર્ટીઓએ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી પ્રચારને લઈને જ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગોળીબાર થતાં અફરાતફરી મચી ગઈ હતી અને પૂર્વ રાષ્ટ્રપતિએ સંબોધન અચાનક વચ્ચેથી અટકાવવું પડ્યું હતું. જોકે, ગોળી ટ્રમ્પના કાન નજીકથી નીકળી જતાં વધુ ગંભીર ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ તરત સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

    ઘટનાનો વિડીયો વાયરલ

    વિડીયોમાં જોઈ શકાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનમેદની વચ્ચે મંચ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ જાય છે. હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળી ટ્રમ્પના કાનને વીંધીને નીકળી જાય છે. દરમિયાન તેઓ તાત્કાલિક પોડિયમ પાસે બેસીને પોતાનો બચાવ કરતા નજરે પડે છે. ગણતરીની સેકન્ડમાં જ તેમના સુરક્ષાકર્મીઓ તેમને ઘેરી લે છે. હુમલાથી સભામાં હાજર લોકો પણ ગભરાઈને ચીસો પાડતા નજરે પડે છે.

    - Advertisement -

    થોડી જ ક્ષણોમાં સુરક્ષાકર્મીઓ તેમને ત્યાંથી લઈ જતા વિડીયોમાં દેખાય છે. વિડીયોમાં ટ્રમ્પના ચહેરા પર લોહી જોવા મળે છે. જેવા તેઓ ઉભા થાય છે તેવા જ તેઓ હાથની મુઠ્ઠી વાળીને ઉંચો કરી લોકોને પોતાનો જુસ્સો બતાવે છે, જે જોઇને લોકો પણ તાળીઓ પાડીને તેમને વધાવે છે. આ આખા ઘટનાક્રમમાં હુમલો કરનાર એક વ્યક્તિને પોલીસે ઠાર માર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ વિષય આખા વિશ્વમાં ચર્ચામાં છે. FBI, સિક્રેટ સર્વિસ અને ATF આ કેસની તપાસ કરી રહ્યા છે. આ ઘટનાને એટેમ્પ્ટેડ એસેસિનેશન એટલે કે જીવલેણ હુમલાની જેમ તપાસવામાં આવી રહી છે.

    8 રાઉન્ડ ફાયર કરાયા, એકનું મોત, શૂટર ઠાર

    પ્રાપ્ત માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ પર એઆર પ્રકારની રાયફલથી 8 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. તે સભાસ્થળની નજીક આવેલી બિલ્ડીંગની છત પર સંતાયો હતો. આ મામલે સિક્રેટ સર્વિસે કહ્યું છે કે ટ્રમ્પ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ ગોલ્ડિંગરે પુષ્ટિ કરી છે કે હુમલો કરનાર વ્યક્તિ માર્યો ગયો છે. ઘટનામાં સભામાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે અને બે અન્ય લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર હાલ ચાલી રહી છે..

    વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રેસીડેન્ટ બાઈડને આપી પ્રતિક્રિયા

    બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, “મારા મિત્ર અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાથી ખૂબ ચિંતિત છું. આ ઘટનાની આકરી નિંદા કરું છે. રાજનીતિ અને લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. મૃતકના પરિવાર, ઘયો અને અમેરિકાના નાગરિકો પ્રત્યે અમારી સંવેદના છે.”

    તો આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને લખ્યું, “મને ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં ગોળીબાર થયાની માહિતી મળી છે. તે જાણીને ખુશી છે કે તેઓ સુરક્ષિત છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે. હું તેમના અને તેમના પરિવાર તેમજ રેલીમાં હાજર તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જીલ અને હું તેમને સુરક્ષિત રાખવા માટે સિક્રેટ સર્વિસીસના આભારી છીએ. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. અમે એક રાષ્ટ્રના રૂપમાં એકજૂથ થઈને તેની નિંદા કરવી જોઈએ.”

    રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ટ્રમ્પ હાલ સ્વસ્થ છે અને ઝડપી અને ત્વરિત કાર્યવાહી બદલ એજન્સીઓનો આભાર વ્યક્ત કરે છે. ટીમે જણાવ્યું કે, તેઓ અમેરિકા માટે આ જ રીતે કામ કરતા રહેશે. સાથે એ પણ પુષ્ટિ કરવામાં આવી કે આગામી સમયમાં યોજાનાર રિપબ્લિકન કન્વેન્શન આયોજન મુજબ જ યોજાશે અને ટ્રમ્પ તેમાં હાજરી આપશે. નોંધવું જોઈએ કે 15થી 18 જુલાઈ સુધી રિપબ્લિકન કન્વેન્શન યોજાશે, જેમાં ટ્રમ્પને અધિકારીક રીતે US રાષ્ટ્રપતિ ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. અહીં જ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારની પણ પસંદગી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં