આસામ પોલીસે બે દિવસ અગાઉ રાજ્યમાંથી જેહાદી તત્વો અને બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે સબંધ ધરાવતા બે ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. એક મોડ્યુલ આસામના મોરીગાંવમાંથી પકડવામાં આવ્યું હતું જ્યારે અન્ય એકનો ખુલાસો આસામના બારપેટા જિલ્લામાંથી થયો હતો. આ મામલે 11 જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.
પોલીસે જણાવ્યા અનુસાર, આ બંને મોડ્યુલના સબંધો આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે હતા, જે કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાનો જ એક ભાગ છે અને બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારમાં સક્રિય રહે છે. બાંગ્લાદેશની સરકારે આ આતંકી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે.
ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ આસામ ADGP હિરેન નાથે મીડિયાને જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય મળી આવ્યું છે, તેમજ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ જેહાદી સામગ્રીઓથી જ ભરેલાં હતાં. હાલ આ મામલાની વિગતે તપાસ ચાલી રહી છે.
આસામના મોરીગાંવ જિલ્લાનો રહેવાસી મુફ્તી મુસ્તફા ABTનો સક્રિય સભ્ય હોવાનું આસામ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ઉપરાંત તે એક મદ્રેસા પણ ચલાવતો હોવાની વિગતો મળી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને મદ્રેસા સીલ કરી દીધી હતી. જેનો ઉપયોગ સેફ હાઉસ તરીકે કરવામાં આવતો હોવાની પોલીસને આશંકા છે.
જે બાદ પોલીસે એન્ટી ટેરેરિસ્ટ ઓપરેશનમાં મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપરા વિસ્તારોમાંથી કુલ 11 જેહાદીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ તમામ અલ-કાયદા અને ABT જેવાં ઇસ્લામિક આતંકી સંગઠનો સાથે સબંધો ધરાવતા હતા.
રિપોર્ટ અનુસાર, મુસ્તફાએ આ મદ્રેસા વર્ષ 2018માં શરૂ કરી હતી. તેણે મદ્રેસામાં બાંગ્લાદેશી નાગરિકતા ધરાવતા આતંકીઓને આશરો આપ્યો હોવાનો આરોપ છે. તેમજ તેણે સિમ અને અન્ય મદદ પણ પૂરી પાડી હોવાનું સામે આવ્યું છે. મુસ્તફાના બેન્ક અકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે થોડા સમય પહેલાં કોલકાત્તા અને બારપેટામાંથી પકડાયેલા અંસારુલ ઇસ્લામના સભ્યો અમીરુદ્દીન અન્સારી અને મામુન રાશિદ સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા. તેમજ તેને વિદેશથી ફન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.
આ કેસ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, જેહાદ સમસ્યા નથી. અમે આ સંગઠનો સાથે સબંધ ધરાવતા લોકોની ધરપકડ કરી લીધી છે. તેમના બેન્ક અકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશથી ફન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
સીએમ સરમાએ કહ્યું કે, આસામ રાજ્યમાં ચાલતી કોમી મદ્રેસાઓનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે વિચાર કરી રહી છે, જેથી જેહાદી પ્રવૃત્તિઓ માટે મદ્રેસાઓનો ઉપયોગ બંધ કરી શકાય. નોંધવું જોઈએ કે આસામ સરકાર રાજ્ય-સરકાર સંચાલિત મદ્રેસાઓ પહેલેથી જ બંધ કરી ચૂકી છે.