તાજેતરમાં જ સુરત SOGએ દુબઈથી સોનાની દાણચોરી કરતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે એક મદરેસાનો મૌલવી અબ્દુલ બેમાત હતો. પોલીસે મૌલવી સહિત 4ની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા છે. પોલીસે મૌલવી અબ્દુલની પૂછપરછ કરી હતી. જે બાદ જાણવા મળ્યું છે કે, દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરતી આ ટોળકીએ 25 ટ્રીપમાં 7 કરોડનું 10 કિલો સોનું વડોદરા મોકલ્યું હતું. મૌલવીએ આ સોનું વડોદરાના સોની અને વોન્ટેડ ફૈઝલ મેમણને આપ્યું હતું. ફૈઝલે આ સોનું વડોદરા શહેરમાં વેચ્યું હતું.
દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર મૌલવી અબ્દુલ બેમાત છે. તે સાઉથ આફ્રિકાનું વોટ્સએપ વાપરે છે. પોલીસે તેના મોબાઈલની પણ તપાસ કરી હતી. જેનાથી જાણવા મળ્યું છે કે, તેની વોટ્સએપની ચેટ અને કોલમાં સૌથી વધારે કોલ દુબઈ અને સાઉથ આફ્રિકાના છે. અબ્દુલની તપાસમાં હવે ગુજરાત ATS પણ જોડાઈ ચૂકી છે. સાથે ઇન્કમ ટેક્સ વિભાગ અને ED પણ આ મામલે તપાસ હાથ ધરશે. વધુમાં આરોપી અબ્દુલ બેમાતના મોબાઈલમાંથી 30થી વધુ પેસેન્જરોના પાસપોર્ટની કૉપી મળી છે અને તેણે પોતે સુરતથી શારજાહ અને દુબઈની 10 યાત્રા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ શારજાહથી પણ સોનું લાવતા હતા.
સુરત SOGએ મૌલવી સહિત 4ની કરી હતી ધરપકડ
નોંધનીય છે કે, SOGએ સુરતથી મૌલવી અબ્દુલ સમદ બેમાત, ઉમૈમા સાલેહ, નઇમ સાલેહ અને ફિરોઝ ઈબ્રાહીમ નૂરની ધરપકડ કરી હતી. જેમાં ઉમૈમા અને નઇમ પતિ-પત્ની હોવાનું સામે આવ્યું હતું. આ ટોળકી દુબઈથી સુરત સોનાની દાણચોરી કરી રહી હતી. પોલીસે 64.89 લાખના સોના સાથે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. દુબઈથી સોનાને પેસ્ટ કરી ટ્રૉલી બેગમાં લેયર બનાવી સ્મગલિંગના આ રેકેટને દેશમાં પહેલીવાર સુરત SOGએ ઉજાગર કર્યું છે. આ ઉપરાંત આ ટોળકી એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ એકવારીઝિયા પણ વાપરતા હતા.
The news of the Surat police SOG arresting a Molvi and a couple with 65 lakh rupees worth of gold from Dubai is concerning.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 10, 2024
The revelation that they were adulterating the gold by adding chemicals and converting it into paste form for smuggling. pic.twitter.com/ykwgFznFuV
જોકે, તેમ છતાં સુરત SOGએ આ ટોળકીને ઝડપી પાડી હતી. સમગ્ર ઘટના બહાર લાવવા માટે ઘરેણાં બનાવનાર કારીગર પાસે પેસ્ટની તપાસ કરાવવામાં આવી હતી. કારીગરે પેસ્ટ ઓગાળ્યું તો 927 ગ્રામ સોનું (કિંમત 64,89,000) નીકળ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળ પરથી જ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, તમામ આરોપીઓ સુરત ગ્રામ્ય માંગરોળના વતની છે. આરોપી મૌલવી 6500 રૂપિયા માસિક પગારમાં એક મદરેસામાં નોકરી કરે છે અને તે 10 ધોરણ સુધી ભણ્યો છે. આરોપી નઇમ સાલેહ, ઉમૈમા સાલેહ પતિ-પત્ની છે, જેઓ કેરિયર તરીકે પકડાયા હતા.
તે બંનેને લેવા મોકલનાર મૌલવી અબ્દુલ છે, આ સાથે જ તે રોકાણકાર પણ છે. ફિરોઝ નૂર કરીને ડ્રાઈવર છે. પોલીસે આ ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. તે સાથે જ પોલીસે વડોદરાના સોની ફૈઝલ મેમણને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. આ તમામ સોનું વિદેશથી લાવીને તેને આપવામાં આવી રહ્યું હતું અને તે વડોદરા શહેર તથા આસપાસના શહેરોમાં તેનો ભારે વ્યાપાર કરતો હતો. તે ઉપરાંત પોલીસે જ્હોનીસબર્ગ અને દુબઈમાં રહેતા મૌલવીના કૌટુંબિક ભાઈઓ સોકત અને શહેઝાદને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. તે બંને આ નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.