રવિવારે (8 જુલાઈ 2024) અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોએ નગરચર્યા પર નીકળેલા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર રથયાત્રાની પૂર્ણાહુતિ બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ શહેરના રસ્તાઓનું સફાઈ અભિયાન આદર્યું હતું. આ અભિયાનમાં વિદ્યાર્થી પરિષદના 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન 22 કિમી લાંબા રૂટ પર હાથી, ટ્રક, અખાડા, ભજન મંડળી અને ભગવાનના ત્રણય રથ સાથે લાખોની જનમેદની પસાર થઈ હતી. આવડી મોટી યાત્રા અને ભક્તોના પસાર થવા બાદ સ્વભાવિક છે કે પાછળ થોડો કચરો છૂટી જાય. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ રૂટ પર સાફસફાઈનું કામ કરતું આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિષદના 200થી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ રથયાત્રા બાદ સાફસફાઈ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રથયાત્રા પાછળ ABVPની સ્વચ્છતા યાત્રા : Ahmedabadમાં ABVP દ્વારા સફાઈ અભિયાન ચલાવાયું । Gujarat First
— Gujarat First (@GujaratFirst) July 7, 2024
@GujaratFirst @ABVPVoice@AmdavadAMC @ABVPGujarat #ABVP #ABVPKarnavati #ABVPGujarat #GujaratFirst #Rathyatra #AhmedabadRathyatra2024 pic.twitter.com/KaaiMIoaUZ
આ મામલે વધુ માહિતી આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પાછળ રહીને કરવામાં આવે છે. તે અંતર્ગત 147મી રથયાત્રા બાદ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સફાઈ અભિયાનમાં કર્ણાવતીના (અમદાવાદ) કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.”
તેમણે જણાવ્યું હતું કે, “આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે, લોકો અને સમાજ સુધી એક સારો સંદેશ પહોંચે અને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત નિર્માણ કરવામાં વિદ્યાર્થીઓ પણ આ ભગીરથી અભિયાનમાં પોતાનું યોગદાન આપે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ‘સ્ટુડન્ટ ફોર સેવા’ વિંગ વિદ્યાર્થીઓમાં સેવાવૃત્તિનું નિર્માણ થાય અને તેઓ સેવા કરવા આગળ આવે તે હેતુથી કાર્યરત છે.”
ઉલ્લેખનીય છે કે માત્ર અમદવાદ જ નહીં, પરંતુ વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદ જેવા મોટા શહેરોમાં જ્યાં પણ રથયાત્રાઓ નીકળે છે ત્યાં-ત્યાં રથયાત્રાની પૂર્ણાહુતિ બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ શહેરના રસ્તાઓનું સફાઈ અભિયાન આદર્યું હતું. ABVP દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. બીજી તરફ શહેરના લોકોએ પણ ABVPના સેવા કાર્યને બિરદાવ્યું છે અને બને તેટલો કચરો ઓછો થાય તે માટે પહેલ કરવા નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ વિદ્યાર્થી પાંખ છે. સંઘ હંમેશા વિશ્વભરમાં પોતાના સેવાકાર્યોને લઈને વખણાતું રહ્યું છે અને તે જ ગુણો તેની વિદ્યાર્થી પાંખમાં પણ છે. ઉલ્લેખનીય છે કે પુરીમાં યોજાતી વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રામાં પણ RSSના સ્વયંસેવકો પોતાની સેવા આપતા હોય છે. તાજેતરમાં જ રવિવારનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સંઘના સ્વયંસેવકો માનવ સાંકળ બનાવીને રથયાત્રાના રસ્તા પર એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપતા જોવા મળ્યા હતા.