ઉત્તર પ્રદેશમાં હાથરસમાં થયેલી દુર્ઘટના મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે. યુપી પોલીસે હાથરસ કાંડ કેસમાં શનિવારે (6 જુલાઈ) 2 આરોપીઓની ધરપકડ કરી છે. તે બંને આરોપીઓ સત્સંગમાં સેવાદાર હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડના એક દિવસ પહેલાં જ સત્સંગના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકરને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. હવે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
હાથરસ કાંડ મામલે પોલીસે શનિવારે (6 જુલાઈ) હાથરસના કેલોરા વિસ્તાર અને ગોપાલપુર કચોરી પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી. બંનેનાં નામ રામપ્રકાશ શાક્ય અને સંજુ યાદવ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સેવાદાર મધુકર સહિત હમણાં સુધીમાં કુલ 9 ધરપકડ થઈ હોવાના સમાચાર છે. તાજેતરમાં ઝડપાયેલા બંને આરોપીઓ પણ સત્સંગમાં સેવાદાર તરીકે કાર્ય કરી રહ્યા હતા. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.
યુપી પોલીસે દાવો કર્યો છે કે, કોઈ રાજકીય સંગઠને તાજેતરમાં જ મધુકરનો સંપર્ક કર્યો હતો. પોલીસે કહ્યું કે, પોલિટિકલ કનેક્શન અને નાણાકીય લેવડદેવડ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ આ મામલે ઝડપી અને સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, જો કોઈ રાજકીય પાર્ટી આ ગતિવિધિમાં સામેલ હશે તો તેના વિરુદ્ધ ‘સખતમાં સખત’ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ પૂછપરછ દરમિયાન મધુકરે પણ આ અંગેની માહિતી આપી હતી.
હાથરસ પોલીસ અનુસાર, પૂછપરછ દરમિયાન મધુકરે ખુલાસો કર્યો છે કે, થોડા સમય પહેલાં જ કેટલાક રાજકીય પક્ષોએ તેમનો અને સત્સંગના આયોજકોનો સંપર્ક કર્યો હતો. પોલીસે કહ્યું કે, સત્સંગ દરમિયાન નાણાંની લેવડદેવડને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેથી તે જાણી શકાય કે, આવા કાર્યક્રમોને પોલિટિકલ પાર્ટીઓ ફંડ આપી રહી છે કે નહીં. હાથરસ SP નિપુણ અગ્રવાલે જણાવ્યું કે, મધુકરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શુક્રવારની રાત્રે પકડવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ નામક વ્યક્તિ સાથે જોડાયેલો હતો. તે 2 જુલાઈના રોજ યોજાયેલા સત્સંગનો મુખ્ય આયોજક હતો અને તેની પરવાનગી પણ તેણે જ મેળવી હતી.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં ‘ભોલે બાબા’ના મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘરે જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.
થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ 130 લોકોનાં મોત થયાં છે.