શુક્રવારે (5 જુલાઈ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતીય સેનાના વીરતા પુરસ્કારો એનાયત કર્યા. જેમાં એક નામ હતું કેપ્ટન અંશુમન સિંઘ. સિયાચીનમાં ફરજ દરમિયાન તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમને કીર્તિ ચક્ર (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના વતી તેમનાં પત્ની સ્મૃતિ અને માતાએ આ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો.
પુરસ્કાર સ્વીકાર્યા બાદ સ્મૃતિએ કેમેરા સામે વીરગતિ પ્રાપ્ત પતિ સાથેનાં સંસ્મરણો કહ્યાં હતાં. તેમણે કહ્યું કે, અંશુમન સિંઘ કહેતા કે મારું મૃત્યુ સામાન્ય નહીં હોય અને હું છાતીમાં પિત્તળ લઈને મરીશ.”
આગળ તેઓ જણાવે છે કે, “અમે કોલેજના પહેલા જ દિવસે મળ્યાં હતાં. હું નાટકીય રીતે નથી કહી રહી, પણ ખરેખર એ પહેલી નજરે થતા પ્રેમ જેવું હતું. એક જ મહિનામાં તેમની (અંશુમન) પસંદગી AFMC (આર્મડ્ ફોર્સ મેડિકલ કોલેજ)માં થઈ ગઈ. અમે મળ્યાં હતાં એન્જિનિયરિંગ કોલેજમાં, પરંતુ તેઓ પછી મેડિકલ કોલેજમાં સિલેક્ટ થઈ ગયા. તેઓ બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હતા.”
Cpt #AnshumanSingh was awarded #KirtiChakra (posthumous). It was an emotional moment for his wife & Veer Nari Smt Smriti who accepted the award from #President Smt #DroupadiMurmu. Smt Smriti shares the story of her husband's commitment & dedication towards the nation. Listen in! pic.twitter.com/SNZTwSDZ1Z
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) July 6, 2024
તેમણે આગળ કહ્યું, “લગભગ 8 વર્ષ સુધી અમે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યાં. ત્યારબાદ અમે લગ્ન કર્યાં. દુર્ભાગ્યપૂર્ણે બે જ મહિનામાં તેમનું પોસ્ટિંગ સિયાચિનમાં થઈ ગયું.” 24 કલાક પહેલાં જ અંશુમાન સાથે થયેલી વાતચીતને લઈને સ્મૃતિ કહે છે કે, “18 જુલાઈએ અમે વાત કરી હતી કે આગલાં 50 વર્ષમાં અમારું જીવન કેવું હશે. તેઓ કહેતા હતા કે સંતાનો હશે, તેમના માટે ઘર બનાવીશું અને ઘણું… પણ 19મીની સવારે હું જાગી અને મને કોલ આવ્યો કે તેઓ રહ્યા નથી…!’
સ્મૃતિ કહે છે કે, થોડા કલાકો સુધી અમે સ્વીકારવા જ તૈયાર ન હતાં કે આવું કશુંક બની ગયું છે. પરંતુ પછીથી પુષ્ટિ પણ કરી દેવામાં આવી. અમે કાયમ એવું વિચારતા રહ્યા કે કદાચ આ સાચું નહીં હોય. આજ સુધી હું સ્વીકારી શકતી ન હતી. કાયમ વિચારું છું કે કદાચ એ સાચું નહીં હોય. પણ હવે જુઓ…મારા હાથમાં કીર્તિ ચક્ર છે…એ જ સત્ય છે.”
‘તેઓ હીરો હતા’ તેમ કહીને સ્મૃતિ આગળ ઉમેરે છે કે, “અમે અમારા જીવનમાં થોડુઘણું ચલાવી લઈશું. તેમણે પણ જીવનમાં બહુ મેનેજ કર્યું હતું. તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, જેથી અન્ય ત્રણ પરિવારો બચી શકે.”
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતવાસીઓ કેપ્ટન અંશુમન સિંઘને તેમના સર્વોચ્ચ બલિદાન માટે નમન કરી રહ્યા છે તો બીજી તરફ વીરાંગના સ્મૃતિને પણ નમન થઈ રહ્યાં છે.
સાથીઓને બચાવવા જતાં વીરગતિ પામ્યા હતા કેપ્ટન અંશુમન સિંઘ
કેપ્ટન અંશુમન સિંઘ જુલાઈ, 2023માં વીરગતિને પ્રાપ્ત થયા હતા. સિયાચીનમાં પોસ્ટિંગ દરમિયાન 19 જુલાઇની રાત્રે આર્મી એમ્યુનેશન ડમ્પ (હથિયારો રાખવાનું સ્થાન)માં શોર્ટ સર્કિટના કારને આગ લાગી ગઈ હતી. દરમિયાન, કેપ્ટન અંશુમન સિંઘ ફાઇબર ગ્લાસની હટમાં ફસાયેલા અન્ય જવાનોની મદદ કરી રહ્યા હતા. પરંતુ એટલી વારમાં આગ નજીકના મેડિકલ સેન્ટર સુધી પ્રસરી ગઈ અને જેથી અંશુમન ત્યાં રાખેલી દવા અને મેડિકલ ઉપકરણો બચાવવા માટે કૂદ્યા, પરંતુ આટલી ઊંચાઈએ તેજ ગતિથી વાતા પવનના કારણે આગ ક્ષણવારમાં પ્રસરી ગઈ અને તેઓ બહાર ન નીકળી શક્યા. તેઓ સિયાચીનમાં જ વીરગતિ પામ્યા.
ભારત સરકારે તેમને કીર્તિ ચક્રથી (મરણોત્તર) સન્માનિત કર્યા છે, જે સેનામાં શાંતિસમયનો બીજો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર છે. ભારતીયો એક અવાજે કહી રહ્યા છે કે કેપ્ટને આપેલા બલિદાનને ક્યારેય ન ભૂલી શકાય, ન તેમનું આ ઋણ કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ચૂકવી શકશે.