પુણેના બહુચર્ચિત પોર્શે કાર અકસ્માત કેસના મુખ્ય આરોપીએ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ નિબંધ જમા કરાવી દીધો હોવાની જાણકારી મળી છે. અકસ્માત બાદ બોર્ડે તેને જામીન આપતાં આ શરત મૂકી હતી, જેની વિરુદ્ધ પછીથી દેશભરમાંથી આક્રોશ વ્યક્ત થતાં પોલીસની અરજી બાદ આદેશ પરત ખેંચી લેવામાં આવ્યો હતો અને આરોપીને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો હતો. બૉમ્બે હાઇકોર્ટના આદેશને પગલે આરોપી મુક્ત થયા બાદ તેણે ગત બુધવારે (3 જુલાઈ) જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ માર્ગ સુરક્ષા પર નિબંધ લખીને જમા કરાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સગીર આરોપીએ રોડ સેફ્ટી ઉપર 300 શબ્દોનો નિબંધ લખીને જમા કરાવી દીધો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ આ નિબંધ બુધવારે જમા કરાવવામાં આવ્યો હતો. જે બાબતની અધિકારીઓએ પુષ્ટિ કરી હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના પુણેમાં એક સગીરે દારૂ પીને મોંઘીદાટ પોર્શે કાર એક મોટરસાયકલ પર ચડાવી દીધી હતી, જેમાં બે વ્યક્તિઓનાં મોત થયાં હતાં. આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચર્ચાનું અન્ય એક કારણ એ પણ હતું કે સગીરને અકસ્માત બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતાં બોર્ડે તેને 15 દિવસ માટે ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાની અને એક નિબંધ લખવાની શરતે જામીન આપી દીધા હતા. જેની વિરુદ્ધ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યા બાદ પુણે પોલીસે ફરી એક અરજી દાખલ કરીને બોર્ડને પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરવા કહ્યું હતું.
પછીથી બોર્ડ દ્વારા અગાઉનો જામીન આદેશ રદ કરી દેવામાં આવ્યો હતો અને આરોપીને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના પિતા, દાદા અને માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેના બાપ અને દાદા પર ફેમિલી ડ્રાઇવરને (જે અકસ્માત સમયે કારમાં હાજર હતો) ડરાવી-ધમકાવીને અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો જ્યારે માતા પર બ્લેડ સેમ્પલ બદલી નાખવાનો આરોપ હતો. આ કેસમાં બ્લડ સેમ્પલ બદલનાર બે ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગત 25 જૂનના રોજ બૉમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, અકસ્માત બન્યો તે દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, પરંતુ આરોપીને કાયમ માટે કેદમાં રાખી શકાય નહીં અને દેશમાં સગીર બાળકોને લગતા કાયદાનું સંપૂર્ણ પાલન થાય એ જરૂરી છે. ત્યારબાદ બીજા દિવસે આરોપી બહાર આવી ગયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે સગીરના બાપ અને દાદાને પણ કિડનેપિંગ કેસમાં જામીન આપ્યા હતા.