બુધવારે (3 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો. આ દરમિયાન લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષી નેતાઓએ હોબાળો મચાવીને વડાપ્રધાનના ભાષણ વખતે વિક્ષેપ સર્જવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ થોડીવાર બાદ ભાગી છૂટ્યા હતા અને વૉકઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન સમાપ્ત કર્યું હતું. બીજી તરફ, રાજ્યસભા ચેરમેન જગદીપ ધનખડે પણ વિપક્ષી નેતાઓને ફટકાર લગાવી હતી.
વડાપ્રધાન મોદીએ 12 વાગ્યે રાજ્યસભામાં સંબોધન શરૂ કર્યું હતું. પરંપરા અનુસાર તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા હતા. તેમણે સંબોધન શરૂ કરતાંની સાથે જ વિપક્ષે હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ થોડા સમય બાદ વિપક્ષના તમામ નેતાઓએ ઉઠીને ચાલતી પકડી હતી.
Rajya Sabha speaker says extremely painful, hurt to witness Amaryadit acharan (shameful conduct). "Government is in its third term, I had spoken to them, discussed and advised the leader of the opposition to let them speak without hindrance, today they have not just walked out of… pic.twitter.com/4Vcmwl02Ah
— OpIndia.com (@OpIndia_com) July 3, 2024
વિપક્ષના વૉકઆઉટને લઈને સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે, “અત્યંત દુઃખદ, પીડાદાયક અને અમર્યાદિત વર્તન કરવામાં આવ્યું છે. 6 દાયકા બાદ સતત ત્રીજી વખત સત્તાપક્ષ ફરી સત્તામાં આવ્યો છે. મેં (વિપક્ષ તરફ ઈશારો કરીને) ચર્ચા કરી, વિનંતી કરી કે વિપક્ષ નેતાને કોઇ રોકટોક વગર બોલવાની તક આપવામાં આવી. આજે તેઓ ગૃહ છોડીને નથી ગયા, મર્યાદા છોડીને ગયા છે. આજે તેમણે મને પીઠ નથી દેખાડી, ભારતના બંધારણને પીઠ દેખાડી છે. આજે તેમણે મારો કે તમારો અનાદર નથી કર્યો, એ શપથનો અનાદર કર્યો છે, જે બંધારણ હેઠળ લેવામાં આવી હતી. આ બંધારણનું અપમાન છે.”
તેમણે આગળ કહ્યું કે, “રાજ્યસભા ઉપલું ગૃહ છે. આ ગૃહે દેશનું માર્ગદર્શન કરવાનું છે. આજે આ વર્તનથી દેશના 140 કરોડ લોકોને ઠેસ પહોંચશે. ગૃહનો અર્થ છે તમે તમારી વાત કહો ત્યારબાદ સત્તા પક્ષની વાત સાંભળો. કાલે મોડી રાત સુધી ચર્ચા કરવામાં આવી. દરેક સભ્યને તક આપવામાં આવી. છતાં તેમણે (વિપક્ષ) બંધારણને પડકારવાનું કામ કર્યું. તેમણે શપથનું અપમાન કર્યું છે. હું આ ખુરશી પર બેસીને આટલો દુઃખી છું….ભારતના બંધારણનું આટલું મોટું અપમાન, આટલી મોટી મજાક. ભારતનું બંધારણ હાથમાં લઈને ફરવાનું પુસ્તક નથી, જીવવાનું પુસ્તક છે. હું આશા રાખું છું કે તેઓ આત્મચિંતન કરશે, મંથન કરશે અને કર્તવ્ય પર પરત ફરશે.”
ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે, સભાપતિની વેદના તેઓ સમજી શકે છે. આગળ તેમણે કહ્યું કે, “140 કરોડ દેશવાસીઓએ જે જનાદેશ આપ્યો છે તેને આ લોકો પચાવી નથી શક્યા. ગઈકાલે તેમની તમામ હરકતો નિષ્ફળ ગઈ તો આજે તેમનો એ લડાઇ લડવાની હિંમત ન રહી અને મેદાન છોડીને ભાગી ગયા. દેશની જનતાએ તેમને એવા પરાજિત કર્યા છે કે હવે તેમની પાસે ગલી-મહોલ્લામાં બૂમો પાડવા સિવાય બીજું કશું બચ્યું નથી.” તેમણે કહ્યું કે, “હું તો કર્તવ્યથી બંધાયેલો વ્યક્તિ છું. અહીં કોઇ ડિબેટમાં સ્કોર કરવા નથી આવ્યો. હું માત્ર જનતાને હિસાબ આપવા માટે આવ્યો છું.”
ઉલ્લેખનીય છે કે મંગળવારે (2 જુલાઈ) વડાપ્રધાન મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો હતો ત્યારે વિપક્ષી નેતાઓએ હુડદંગ મચાવ્યું હતું અને સમગ્ર ભાષણ દરમિયાન વારાફરતી નારાબાજી કરતા રહ્યા હતા. પછીથી અમુક વિડીયો સામે આવ્યા, જેમાં સ્વયં વિપક્ષ નેતા રાહુલ ગાંધી તેમના સાથીઓને વેલમાં આવીને હલ્લો મચાવવા માટે ઉશ્કેરી રહ્યા હતા. પછીથી લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીને ફટકાર પણ લગાવી હતી.