છેલ્લા બે દિવસથી એક નવો વિવાદ શરૂ થયો છે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરતાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે સંબોધન કરતાં ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો હતો. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ, અધીર રંજને માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો અને આ વિવાદમાં સોનિયા ગાંધીની પણ એન્ટ્રી થઇ હતી.
આ વિવાદ બાદ પ્રશ્ન એ પણ ચર્ચાઈ રહ્યો છે કે શું એક મહિલા રાષ્ટ્રપતિને પણ ‘રાષ્ટ્રપતિ’ જ સંબોધન કરવું જોઈએ? વર્ષ 2007 સુધી તો આ મુદ્દે કોઈ ચર્ચા થઇ ન હતી પરંતુ 2007માં કોંગ્રેસે પહેલી વખત એક મહિલા પ્રતિભા પાટીલને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યાં ત્યારે આ મામલે ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી કે તેઓ રાષ્ટ્રપતિ બને તો સંબોધન શું કરવામાં આવશે?
હાલ તો આ મામલે ફેમિનિસ્ટોએ વાંધો ઉઠાવ્યો નથી પરંતુ 2007માં કેટલીક મહિલા કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવતા ‘રાષ્ટ્રપતિ’ સંબોધનને ‘પિતૃસત્તાક’ અને ‘જાતિભેદ’ કરતું ગણાવ્યું હતું. જોકે, જે બાદ બંધારણીય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રપતિ પદ બંધારણીય છે અને તે મહિલા હોય કે પુરુષ, તેનાથી સંબોધન બદલાઈ જતું નથી.
બંધારણીય નિષ્ણાતો અનુસાર, ‘રાષ્ટ્રપતિ’ શબ્દ બંધારણીય સભામાં વિચાર-વિમર્શ અને ચર્ચા બાદ અસ્તિત્વમાં આવ્યો હતો. માત્ર દેશનાં રાષ્ટ્રપતિ એક મહિલા હોવાના કારણે તેને બદલી શકાય નહીં. આ શબ્દ જાતિવાચક નથી. સમજવાની વાત માત્ર એટલી જ છે કે અંગ્રેજીના ‘પ્રેસિડેન્ટ’ શબ્દનું ગુજરાતી-હિંદી ભાષાંતર ‘રાષ્ટ્રપતિ’ થાય છે.
બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું તે સમયે બંધારણ સભામાં ચર્ચા દરમિયાન સર્વોચ્ચ પદને લઈને પણ ઘણી ચર્ચા થઇ હતી. સભામાં દેશના સર્વોચ્ચ બંધારણીય વડાને કઈ રીતે સંબોધવામાં આવા જોઈએ તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. દરમ્યાન, ચર્ચા થઇ હતી કે સ્વતંત્રતા પહેલાં કોંગ્રેસ પ્રમુખને ‘રાષ્ટ્રપતિ’ તરીકે સંબોધિત કરવામાં આવતા હતા. જેથી આ શબ્દ સામાન્ય રીતે ચલણમાં હતો.
આ મામલે ચર્ચા દરમિયાન ડૉ. આંબેડકરે બંધારણ સભાને જણાવ્યું હતું કે, અંગ્રેજીમાં બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિએ આ શબ્દની પસંદગી કરવાનું હિંદી અને અન્ય ભાષાઓમાં ખરડો તૈયાર કરનારાઓ પર છોડી દીધું હતું. જેથી હિંદીમાં ‘પ્રધાન’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઉર્દુ ડ્રાફ્ટમાં તેનું ભાષાંતર ‘સરદાર’ તરીકે કરવામાં આવ્યું હતું.
સભામાં ચર્ચા દરમિયાન ‘રાષ્ટ્રપતિ’ની જગ્યાએ ‘નેતા’ જેવા શબ્દો વાપરવા પણ સૂચનો કરવામાં આવ્યાં હતાં, પરંતુ જવાહરલાલ નહેરુના સૂચન અનુસાર, ‘રાષ્ટ્રપતિ’ શબ્દ નક્કી કરવામાં આવ્યો હતો.