Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકપાર્કિંગ બાબતે થયો ઝઘડો, વામપંથી મીડિયાએ આપી દીધો સાંપ્રદાયિક એન્ગલ: આણંદના ચિખોદરામાં...

    પાર્કિંગ બાબતે થયો ઝઘડો, વામપંથી મીડિયાએ આપી દીધો સાંપ્રદાયિક એન્ગલ: આણંદના ચિખોદરામાં ક્રિકેટ મેચ દરમિયાન હત્યા મામલે પોલીસે ઑપઇન્ડિયાને કહ્યું- મીડિયાના દાવા તદ્દન ખોટા

    ઑપઇન્ડિયાએ વાસ્તવિકતા જાણવા સૌપ્રથમ આણંદ જીલ્લાના DYSP જયેશ પંચાલનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, "જે પ્રકારના સાંપ્રદાયિક એન્ગલની વાત મીડિયા કરી રહ્યું છે તે તદ્દન ખોટું છે."

    - Advertisement -

    થોડા દિવસો પહેલા આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રી દરમિયાન રમાડવામાં આવી રહેલી ક્રિકેટ મેચમાં બાઈક મુકવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે ઝઘડો થયો અને બોલાચાલી બાદ મારામારી થઇ. ઘટનામાં 23 વર્ષના એક યુવકનું મૃત્યુ થયું. આ મામલે પોલીસે અંદાજે 9 જેટલા લોકોની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારે રિમાન્ડ પૂર્ણ થતા મામલો હવે કોર્ટે પહોંચ્યો છે. બીજી તરફ ધ વાયર, ધ ક્વિંટ, મકતૂબ મીડિયા, ધ કાશ્મીરીયત સહિતના વામપંથી પોર્ટલોએ આ આખી ઘટનાને સાંપ્રદાયિક એન્ગલ આપીને બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

    વાસ્તવમાં ઘટના ગત 22 જૂનની છે. મૃતકનું નામ સલમાન વ્હોરા છે અને તે ચિખોદરા ખાતે ચાલી રહેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે આવ્યો હતો. દરમિયાન ઈમરોઝ અબ્દુલ રહીમ નામના વ્યક્તિની આરોપીઓ સાથે મગજમારી થઈ હતી. બાઈક પાર્ક કરવા મામલે શરૂ થયેલી બોલાચાલી છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. દરમિયાન મૃતક સલમાન મહંમદ હનીફ વ્હોરા ઈમરોઝનો બચાવ કરવા વચ્ચે પડ્યો. આરોપીઓએ બેટ તેમજ અન્ય તીક્ષ્ણ હથિયાર વડે બંને પર હુમલો કરતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    સારવાર દરમિયાન 23 વર્ષીય સલમાનનું મૃત્યુ થયું હતું. આ મામલે ઈમરોઝની ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધી 9 લોકોની (પહેલા 7 અને બાદમાં 2) ધરપકડ કરી છે, જયારે અન્ય 2 વ્યક્તિ ફરાર છે જેમને ઝડપી લેવા પોલીસ કામગીરી કરી રહી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 143, 147, 148, 149, 302, 324, 323, 504, 506(2) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

    - Advertisement -

    વામપંથી મીડિયાએ આખી ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કર્યો

    બીજી તરફ આ સમગ્ર ઘટના મામલે ધ વાયર, ક્વિન્ટ, મકતૂબ મીડિયા, ધ કાશ્મીરીયત તેમજ અન્ય કેટલાક વામપંથી ન્યુઝ પોર્ટલોએ આ આખી ઘટનાને સાંપ્રદાયિક રંગે રંગવાનો પ્રયત્ન કર્યો. દાવો કરવામાં આવ્યો કે, સારું રમી રહેલા મુસ્લિમોથી નારાજ હિંદુત્વ સમર્થકોએ મુસ્લિમ વ્યક્તિની હત્યા કરી… જ્યાં ક્રિકેટ રમાઈ રહી હતી ત્યાં હિંદુઓના ટોળા એકઠા થઈ ગયા હતા… મેચ દરમિયાન જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા… મીડિયા રીપોર્ટમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો કે ઘટના સમયે હિંદુઓનું ટોળું ભેગું થઈને હત્યારાઓને ઉશ્કેરી રહ્યું હતું.

    મીડિયાનો દાવો તદ્દન ખોટો: DySP પંચાલ

    સમગ્ર ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ વાસ્તવિકતા જાણવા પ્રયત્ન કર્યો. ઑપઇન્ડિયાએ સૌપ્રથમ આણંદ જીલ્લાના DYSP જયેશ પંચાલનો સંપર્ક કર્યો. વાતચીત દરમિયાન ઑપઇન્ડિયાએ પંચાલને મીડિયા અહેવાલોમાં કરવામાં આવી રહેલા દાવા વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, “જે પ્રકારના સાંપ્રદાયિક એન્ગલની વાત મીડિયા કરી રહ્યું છે તે તદ્દન ખોટું છે. ઘટના બાદ પોલીસ સતત ઇન્વેસ્ટીગેટ કરી રહી છે. અમે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી છે, તેમણે પણ આ પ્રકારની કોઈ વાત નથી જણાવી, ઘટના દરમિયાન મેદાનમાં હાજર લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. ઘટનાને નજરે જોનાર લોકોએ પણ નિવેદનમાં આવું કશું નથી નોંધાવ્યું.”

    વાતચીત દરમિયાન તેમણે આગળ જણાવ્યું કે, “આટલું જ નહીં, ઘટનામાં જે વ્યક્તિ ફરિયાદી છે, તેણે પણ પોતાની ફરિયાદમાં આ પ્રકારની કોઈ ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો.” દરમિયાન ઑપઇન્ડિયાએ તેમને “જય શ્રીરામ”ના નારા અને હિંદુઓના ટોળા વિશે પૂછતા તેમણે વાતને જડમૂળમાંથી નકારી કાઢીને કહ્યું હતું કે, “આટલા દિવસની તપાસમાં એક વાર પણ આ પ્રકારની કોઈ ઘટના ધ્યાને નથી આવી કે પછી ફરિયાદી, સાક્ષી કે પછી આરોપીઓના નિવેદનમાં ક્યાય આ પ્રકારનો ઉલ્લેખ નથી. તેમણે જણાવ્યું કે ઘટનામાં મોટરસાઈકલ મામલે માથાકૂટ થઈ હતી. મીડિયામાં કરવામાં આવેલા દાવા ખોટા છે.”

    ઘટનામાં સાંપ્રદાયિક એન્ગલ નથી: સ્થાનિક મુસ્લિમ અગ્રણી

    DySP સાથેની વાતચીત બાદ ઑપઇન્ડિયાએ સ્થાનિક મુસ્લિમ અગ્રણી ઈસ્માઈલભાઈ સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મેચ દરમિયાન લાગેલા નારાઓને અને હત્યાની ઘટનાને સાથે કોઈ લાગતું વળગતું નથી. આ આખી ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એન્ગલ નથી. જે થયું છે તે ખૂબ જ ખોટું છે. મૃતકને તાજેતરમાં જ નિકાહ થયા હતા. મારવાવાળા લોકોએ તેને કિડનીમાં મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે.” ઑપઇન્ડિયાએ તેમને હત્યાના મામલે ધાર્મિક એન્ગલ વિશે તેમને પૂછતા તેમણે કહ્યું હતું કે, “જુઓ ઘટના ખૂબ જ ખરાબ અને ગંભીર છે. પરંતુ ખોટું નહીં કહીએ, આમાં કોઈ સાંપ્રદાયિક એન્ગલ જણાતો નથી.”

    ઈસ્માઈલભાઈ સાથે વાત કર્યા બાદ ઑપઇન્ડિયાએ અન્ય એક સ્થાનિક સાથે વાત કરી હતી. નામ ન આપવાની શરતે તેમણે જણાવ્યું હતું કે, “ઘટના સમયે મેદાન પર બંને પક્ષના લોકો હાજર હતા. કાયમ અહીંયા પ્લાસ્ટિકની દડીથી ક્રિકેટ મેચો યોજાય છે, પણ આવું કશું ક્યારેય થયું નથી. જે લોકો આમાં બે કોમ વચ્ચેનો મામલો કહી રહ્યા છે તે તદ્દન ખોટો છે. અહીં બધા હળીમળીને રહે છે. આખી માથાકૂટ બાઈક મુકવા બાબતે થઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મામલો હવે કોર્ટમાં છે. આશા છે કે કોર્ટ ન્યાય કરશે અને આરોપીઓને આકરી સજા કરશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં