પટના હાઈકોર્ટે (Patna High Court) બિહાર સરકારનો (Bihar Government) એક 2023નો નિર્ણય પલટાવતાં સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત 65% (Reservation) સુધી વધારવાનો આદેશ રદબાતલ ઠેરવ્યો છે. બિહાર સરકારે નવેમ્બર 2023માં બે કાયદાઓ પસાર કરીને પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતનો ક્વોટા 50%થી વધારીને 65% કરવાની જોગવાઇ કરી હતી.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. વર્ષ 2023માં રાજ્ય સરકારે કાયદો બનાવ્યા બાદ તેની વિરુદ્ધ 10 રિટ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર કોર્ટે મેરાથોન સુનાવણી હાથ ધર્યા બાદ ગત માર્ચ મહિનામાં આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આખરે ગુરુવારે (20 જૂન) ચુકાદો સંભળાવવામાં આવ્યો.
Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.
— ANI (@ANI) June 20, 2024
The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn
નવેમ્બર, 2023માં બિહાર સરકારે બે બિલ પસાર કર્યાં હતાં અને ત્યારબાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બિહાર રિઝર્વેશન (ફોર શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ) (અમેન્ડમેન્ટ) એક્ટ, 2023 અને બિહાર (ઇન એડમિશન ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન) રિઝર્વેશન (અમેન્ડમેન્ટ) એક્ટ, 2023 નામના આ બે એક્ટની મદદથી સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ક્વોટા 50%થી વધારીને 65% કરવામાં આવ્યો હતો. જેથી અન્ય વર્ગો માટે માત્ર 35% જ જગ્યાએ બાકી બચી હતી. જેમાં 1૦% EWS અનામત પણ સામેલ છે.
નવા કાયદામાં 20% અનામત SC માટે, 2% ST માટે, 18% બેકવર્ડ ક્લાસ અને 25 ટકા EBC માટે તેમજ 10% અનામત EWS માટે કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. સરકારે આ કાયદો લાવવા પાછળ એક ડેટાનો આધાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ડેટા પરથી જાણવા મળે છે કે હજુ પણ સરકારી સેવાઓમાં SC/ST અને OBCને ઓછી ભાગીદારી મળી રહી છે, જેથી અનામત વધારવું જરૂરી છે.
21 નવેમ્બર, 2023ના રોજ આ બંને એક્ટ લાગુ થયા હતા. જેવા આ બંને કાયદાઓ પસાર થયા કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને પટના હાઈકોર્ટમાં અરજીઓ કરીને કાયદાઓની બંધારણીય યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આજે ચુકાદો આપવામાં આવ્યો છે. વિસ્તૃત અને વિગતવાર ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે.