Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિકુમારગુપ્ત પ્રથમથી લઈને નરેન્દ્ર મોદી સુધીની યાત્રા..: નાલંદા વિશ્વવિદ્યાલયને ન ઝૂકાવી શક્યો...

    કુમારગુપ્ત પ્રથમથી લઈને નરેન્દ્ર મોદી સુધીની યાત્રા..: નાલંદા વિશ્વવિદ્યાલયને ન ઝૂકાવી શક્યો ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજી, 800 વર્ષે પણ ફરી જીવંત થઈ ભારતની ભવ્ય ધરોહર

    નાલંદાએ વિશ્વને બદલવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આર્યભટ્ટની શોધે દક્ષિણ ભારત અને સમગ્ર અરબી દ્વીપકલ્પમાં ગણિત અને ખગોળશાસ્ત્રના વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. નાલંદાએ સમગ્ર એશિયામાં બૌદ્ધ અને હિંદુ ઉપદેશો તથા તત્વજ્ઞાન ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -

    લગભગ 800 વર્ષની લાંબી રાહ બાદ નાલંદા વિશ્વવિદ્યાલય તેના જૂના સ્વરૂપમાં પરત ફરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (19 જૂન) નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. નવા કેમ્પસના ઉદ્ઘાટનના સમાચારો અને તસવીરો વચ્ચે તેનો ભવ્ય ભૂતકાળ અને વારસો વળગીને આંખે આવે છે. વિશ્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી નાલંદા પોતાની ભીતર એટલો પ્રાચીન ઇતિહાસ દબાવીને બેઠી છે કે, તેના પર હજારો પુસ્તકો લખી શકાય. જ્યારે દુનિયામાં યુનિવર્સિટીઓ બનાવવાનું શરૂ થયું હતું, ત્યારે નાલંદા સદીઓ જૂની યુનિવર્સિટી તરીકે આગળ વધી રહી હતી. હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના ઉદ્ગમસ્થાન સમી આ સંસ્થાનો રોચક અને રસપ્રદ ઇતિહાસ છે.

    આજે આખી દુનિયાના વિદ્યાર્થીઓ ભણવા માટે બ્રિટન અને અમેરિકા તરફ જાય છે. પરંતુ એક સમય એવો હતો, જ્યારે દુનિયાભરના વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભારત આવતા હતા. વિશ્વની તમામ મોટી યુનિવર્સિટીઓ કરતાં પણ પ્રાચીન વિશ્વવિદ્યાલયો ભારતમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી વિદ્યાલય અને તેના જેવી અઢળક યુનિવર્સિટીઓ ભારતનું ગૌરવ હતું. તેમાં પણ નાલંદા વિશ્વવિદ્યાલય જ્ઞાન પ્રાપ્તિનું શિરમોર સંસ્થાન હતું. હવે 800 વર્ષ બાદ ફરી નાલંદા વિશ્વવિદ્યાલય જીવંત થયું છે. મોદી સરકાર તેને શિક્ષણક્ષેત્રનું કેન્દ્રબિંદુ બનાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે જાણીએ ભારતની તે ભવ્ય ધરોહરનો ઇતિહાસ.

    કુમારગુપ્ત પ્રથમે કરી હતી સ્થાપના

    નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના 450 ADમાં ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. બાદમાં તેને હર્ષવર્ધન અને પાલ શાસકોનું પણ સમર્થન મળ્યું હતું. આ વિશ્વવિદ્યાલયની ભવ્યતાનું અનુમાન તેનાથી લગાવી શકાય કે, તેમાં વિદ્યાર્થીઓને રહેવા માટેના 300 ઓરડા, 7 મોટા હૉલ અને ભણવા માટેનું 9 માળનું બિલ્ડિંગ હતું. જેમાં લાખોની સંખ્યામાં પુસ્તકો અને ધર્મગ્રંથો હતાં. અહીં એકસાથે હજારો બાળકો ભણી શકતાં હતાં. 2,700થી વધુ શિક્ષકો અહીં અધ્યાપન કાર્ય કરાવતા હતા. વિદ્યાલયના ભરણપોષણ માટે તેને 200 ગામો દાનમાં આપી દેવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    નાલંદા પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. મહાયાન બૌદ્ધ ધર્મના આ શૈક્ષણિક કેન્દ્રમાં, હીનયાન અને હિંદુ ધર્મ સહિતના અન્ય ધર્મોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હતા. અહીં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા. રહેવા, જમવાથી લઈને અહીં શિક્ષણ પણ નિશુલ્ક આપવામાં આવતું હતું. ગુપ્તવંશના પતન પછી પણ ત્યારબાદના તમામ શાસકોએ તેની સમૃદ્ધિમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું. સ્થાનિક શાસકોની સાથે તેને ઘણા વિદેશી શાસકો પાસેથી પણ અનુદાન પ્રાપ્ત થતું હતું.

    નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો

    સૌથી મહત્વની વાત તો એ છે કે, આટલી વિશાળ અને ભવ્ય ધરોહર વિશે આધુનિક દુનિયાને છેક 19મી સદીમાં જાણ થઈ હતી. કેટલી સદીઓ સુધી આ વિશ્વવિદ્યાલય જમીનમાં દબાઈ રહ્યું હતું. 1812માં બિહારના સ્થાનિક લોકોને નાલંદા સ્થળ પરથી કેટલીક બૌદ્ધ મૂર્તિઓ મળી આવી હતી. ત્યારબાદ ઘણા વિદેશી ઇતિહાસકારોએ તેના પર અધ્યયન કર્યું હતું. સંશોધન બાદ જાણ થઈ હતી કે, તે સ્થળ પર નાલંદા વિશ્વવિદ્યાલય હતું. જે પ્રાચીન ભારતમાં વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપી રહ્યું હતું.

    વિશાળ કેમ્પસમાં વિશ્વના અનેક દેશના વિદ્યાર્થીઓ કરતાં હતા જ્ઞાન અર્જિત

    નાલંદા વિશ્વવિદ્યાલય એટલા માટે પણ વિશેષ હતું કારણ કે મહાન શિક્ષકોએ સમયાંતરે અહીં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. આ મહાનના શિક્ષકોમાં નાગાર્જુન, બુદ્ધપાલિતા, શિલાભદ્ર, શાંતરક્ષિતા અને આર્યદેવનો સમાવેશ થાય છે. જો આપણે અહીં ભણતા વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો ઘણા દેશોમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. પ્રખ્યાત ચીની પ્રવાસીઓ અને વિદ્વાનો હ્યુ-એન-ત્સાંગ, ફાહીયાન અને ઇતસિંગે પણ અહીં જ અભ્યાસ કર્યો હતો. હ્યુ-એન-ત્સાંગ નાલંદાના આચાર્ય શીલભદ્રના શિષ્ય હતા. તેમણે વિશ્વવિદ્યાલયમાં 6 વર્ષ રહીને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

    પ્રાચીન નાલંદાના અવશેષો

    વિશ્વવિદ્યાલની ભવ્યતાની વાત કરવામાં આવે તો તેમાં 300 ઓરડા, 7 મોટા હૉલ અને અભ્યાસ માટેની 9 માળની ઇમારતો હતી. સાથે જ તે ઘણા એકરમાં ફેલાયેલી ભવ્ય ઇમારત હતી. અહીં દરેક વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે વિશાળ લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જેમાં 90 લાખથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં. આ જ લાઇબ્રેરીમાં ભારતના ઘણાં રહસ્યમય પુસ્તકો પણ સંરક્ષિત હતાં. જેમાં મૂળ વેદોનો સમાવેશ પણ થાય છે. કહેવાય છે કે, બખ્તિયાર ખિલજીએ જ્યારે યુનિવર્સિટીને આગ લગાડી ત્યારે તેની લાયબ્રેરી જ 3 મહિના સુધી સળગતી રહી હતી. તેના પરથી કલ્પના કરી શકાય કે, તેમાં કેટલાં પુસ્તકો હશે. વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ કહે છે કે, ભારતનું જ્ઞાન સદીઓથી વિશ્વને દેદીપ્યમાન કરી રહ્યું હતું.

    કયા વિષયો પર થતો હતો અભ્યાસ?

    આ વિશ્વવિદ્યાલયને જ્ઞાનનો ભંડાર માનવામાં આવતું હતું. અહીં ધાર્મિક ગ્રંથો સિવાય લિટ્રેચર, થિયોલોજી, લૉજિક, મેથ્સ, મેડિસિન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી, મનોવિજ્ઞાન, કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, વ્યાપાર-વાણિજ્ય, રાજ્યશાસ્ત્ર, નુવંશશાસ્ત્ર, હસ્તકળા, સંગીત, નૃત્ય જેવા અનેક વિષયો શીખવવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે, તે સમયે જે વિષયો ત્યાં શીખવવામાં આવતા તે બીજે ક્યાંય પણ શીખવવામાં આવતા નહોતા. આ યુનિવર્સિટી 700 વર્ષ સુધી દુનિયાને પ્રકાશ આપતી રહી હતી. હ્યુ-એન-ત્સાંગ અને ઇતસિંગ જેવા ચીની વિદ્વાનોએ પણ ભારતમાં આવ્યા બાદ નાલંદા યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી અને તેને વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ યુનિવર્સિટી ગણાવી હતી.

    નાલંદામાં પ્રવેશ મેળવવો પણ ખૂબ અઘરો હતો. અહીં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ નાલંદાના ટોચના પ્રોફેસરો સાથે મૌખિક સાક્ષાત્કારમાં ભાગ લેવો પડતો હતો અને પોતાના જ્ઞાનનું પ્રમાણ આપવું પડતું હતું. જે ભાગ્યશાળી હતા, તે લોકોને ભારત મહાન અને વિદ્વાન પ્રોફેસરો દ્વારા શીખવવામાં આવતું હતું. લાઇબ્રેરીમાં 90 લાખ હસ્તલિખિત, તામ્રપત્રની પાંડુલિપિઓ દુનિયામાં બૌદ્ધ જ્ઞાનનો સમૃદ્ધ ભંડાર હતી. તે તામ્રપત્રોની પુસ્તકો અને લાકડાના પાનાંઓમાંથી માત્ર મુઠ્ઠીભર પુસ્તકો જ આગથી બચી શકી હતી, તેને પણ ભાગી રહેલા બ્રાહ્મણ અને બૌદ્ધ ભિક્ષુઓએ બચાવી હતી. એકવાર દલાઈ લામાએ કહ્યું હતું કે, આપણી પાસે જે પણ જ્ઞાન છે, તેનો સ્ત્રોત નાલંદા છે.

    વિશ્વમાં નાલંદાનો પ્રભાવ

    ભારતીય ગણિતના પિતા આર્યભટ્ટે છઠ્ઠી સદીમાં યુનિવર્સિટીનું નેતૃત્વ કર્યું હોવાનો અંદાજ છે. તે આર્યભટ્ટ જ હતા જેમણે વિશ્વને શૂન્ય (Zero) સાથે પરિચય કરાવ્યો અને શૂન્યને સંખ્યા તરીકે માન્યતા આપી હતી. જે એક ક્રાંતિકારી ખ્યાલ હતો. આ શૂન્ય ગાણિતિક ગણતરીઓને સરળ બનાવે છે અને બીજગણિત જેવા વધુ જટિલ વિષયો વિકસાવવામાં મદદ કરે છે. શૂન્ય વિના આપણી પાસે કમ્પ્યુટર્સ પણ ન હોત. આ જ કારણ છે કે, નાલંદાએ વિશ્વને બદલવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આર્યભટ્ટની શોધે દક્ષિણ ભારત અને સમગ્ર અરબી દ્વીપકલ્પમાં ગણિત અને ખગોળશાસ્ત્રના વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. શૂન્યની શોધ સિવાય તેમણે ‘પાઇ’ની શોધ પણ કરી હતી. નાલંદાએ સમગ્ર એશિયામાં બૌદ્ધ અને હિંદુ ઉપદેશો તથા તત્વજ્ઞાન ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ

    તે સિવાય હિંદુ ધર્મની ઘણી રહસ્યમય વિદ્યાઓ પણ વિશ્વવિદ્યાલયમાં શીખવામાં આવતી હતી. પરંતુ તે પહેલાં તેના માટે સક્ષમ અને સમર્થ બનવું અનિવાર્ય હતું. અનેક વિદ્યાઓની સાથે અહીં ધ્યાન અને યોગના વિશેષ વર્ગ પણ થતા હતા. બૌદ્ધ સાહિત્યોની સાથે સૌથી વધુ અહીં વેદોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. વિશ્વના અનેક દેશોમાંથી અહીં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. તે સમયે આટલી સમૃદ્ધ યુનિવર્સિટી કોઈપણ સંસ્કૃતિમાં ન હતી. તેથી દૂરસુદૂરથી વિદ્યાર્થીઓ અહીં આવતા હતા અને સંસ્કૃત શીખીને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવતા હતા.

    ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજીનું આક્રમણ અને વિશ્વવિદ્યાલયનું પતન

    વિદ્વાનો જણાવે છે કે, જે હુમલામાં નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ થયો હતો તે આ યુનિવર્સિટી પર થયેલો પહેલો હુમલો નહોતો. તે પહેલાં 5મી સદીમાં હુણો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 8મી સદીમાં પણ તેના પર હુમલો થયો હતો. આ બંને હુમલાથી યુનિવર્સિટી બચી ગઈ હતી. પરંતુ તે પછી ઇસ્લામિક આક્રાંતા બખ્તિયાર ખિલજીએ ભયાનક હુમલો કર્યો હતો. જેના કારણે યુનિવર્સિટી નાશ પામી હતી. 1190ના દશકમાં તુર્ક-અફઘાન સૈન્ય જનરલ બખ્તિયાર ખિલજીના નેતૃત્વમાં ઇસ્લામિક આક્રાંતાઓએ આ વિશ્વવિદ્યાલયનો નાશ કરી દીધો હતો. તેના વિશેની ઘણી વાતો ઇતિહાસના પાનાંઓ પર લખાયેલી છે.

    ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજી (ફોટો: ArtGellary)

    ઇતિહાસકારો કહે છે કે, એક વખત બખ્તિયાર ખિલજી ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તેના હકીમોએ બખ્તિયારની ઘણી સારવાર કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે કોઈએ બખ્તિયાર ખિલજીને નાલંદા યુનિવર્સિટીના આયુર્વેદ વિભાગના વડા આચાર્ય રાહુલ શ્રીભદ્રજી પાસેથી સારવાર કરાવવાની સલાહ આપી. જે પછી આચાર્ય રાહુલ શ્રીભદ્રજી સાથે તેણે મુલાકાત કરી, ત્યારે બખ્તિયાર ખિલજીએ તેમની સમક્ષ એક વિચિત્ર શરત મૂકી કે તે તેમના દ્વારા આપવામાં આવેલી કોઈપણ આયુર્વેદિક દવાનું સેવન નહીં કરે. તેમ છતાં આચાર્ય તેને સ્વસ્થ કરીને ભારતીય આયુર્વેદની મહાનતા સમજાવશે. આચાર્યએ પણ ખિલજીની શરત સ્વીકારી અને તેને માત્ર કુરાન વાંચવાની સલાહ આપી.

    ત્યારબાદ કુરાન વાંચીને બખ્તિયાર ખિલજી સાજો થઈ ગયો. એવું કહેવાય છે કે, આચાર્ય રાહુલ શ્રીભદ્રજીએ કુરાનના પાના પર દવા લગાવી હતી, જેના કારણે દવા ખિલજીના હાથમાં પહોંચી જતી અને જ્યારે તે પાનાં ફેરવવા માટે પોતાની જીભ પર આંગળી મૂકતો હતો, ત્યારે તે દવા શરીરની અંદર જતી હતી. આ રીતે બખ્તિયાર ખિલજી સ્વસ્થ થયો હતો. જ્યારે બખ્તિયાર ખિલજીને આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે, ભારતીય વિદ્વાનો તેના હકીમો કરતાં વધુ જાણકાર અને ચતુર છે. ખિલજીને એવું લાગવા માંડ્યું હતું કે, નાલંદામાંથી મળતા ઉપદેશો ઇસ્લામ કરતાં ચડિયાતા સાબિત થઈ રહ્યા છે. તેથી તેણે નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરમાં આગ લગાવી દીધી હતી. એવું પણ માનવામાં આવે છે કે, બૌદ્ધ અને હિંદુ ધર્મનો અંત લાવવા માટે તેણે નાલંદામાં આગ લગાવી હતી.

    ઇતિહાસકારો અનુસાર, અનેક બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકો તે આગમાં હોમાઈ ગયા હતા. ચીનના બૌદ્ધ ઇતિહાસમાં વર્ણન છે કે, બખ્તિયાર ખિલજીએ બ્રાહ્મણોનું મુંડન કર્યું હતું, તેની જનોઈઓ તોડી નાખી હતી અને ત્યારપછી તેમના પર આગ ચાંપી દીધી હતી. તેણે એક-એક બ્રાહ્મણને શોધી-શોધીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેથી કરીને ફરી ક્યારેય આ વિશ્વવિદ્યાલય ઊભું ન થઈ શકે. એક વિદ્યાર્થી કે, શિક્ષક યુનિવર્સિટીમાં જીવતો બચી શક્યો નહોતો. તેથી બૌદ્ધ અને હિંદુ શિક્ષણનું કેન્દ્રબિંદુ ત્યાં અંત પામ્યું હતું. પરંતુ હવે તે ઘટનાના 800 વર્ષ બાદ ફરી તે જીવંત થયું છે.

    પ્રાચીન નાલંદાના અવશેષો (ફોટો: Indian History)

    નાલંદાના અવશેષો હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. દર વર્ષે આ ઐતિહાસિક જ્ઞાન કેન્દ્રના અવશેષો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. નાલંદા યુનિવર્સિટીનું કેમ્પસ એટલું વિશાળ હતું અને ત્યાં એટલા બધા પુસ્તકો હતાં કે હુમલાખોરોએ લગાડેલી આગ ત્રણ મહિના સુધી સળગતી રહી. આ આગે માત્ર શિક્ષણના એક કેન્દ્રને જ નહોતું બાળ્યુ પરંતુ સદીઓનું જ્ઞાન અને વારસો પણ નષ્ટ કરી નાખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં