વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના નાલંદામાં એક ઐતિહાસિક કાર્ય આરંભ્યુ છે. તેમણે નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અન્ય નેતાઓ પણ હાજર હતા. નાલંદામાં વિશાળ કાર્યક્રમ હેઠળ આ ઐતિહાસિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત હતા. ઘણા દેશોના રાજદૂતો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રીઓ પણ નાલંદા પહોંચ્યા હતા.
બુધવારે (19 જૂન, 2024) વડાપ્રધાન મોદી બિહારના પ્રવાસ પર છે. તેઓ વારાણસીમાં રાત્રિરોકાણ કરીને વહેલી સવારે બિહાર જવા માટે નીકળ્યા હતા. બિહાર પહોંચીને તેઓ સીધા રાજગીર માટે રવાના થયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાને કેમ્પસમાં એક વૃક્ષ પણ રોપ્યુ છે. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની નજીક જ આ ભવ્ય કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશ્વવિદ્યાલયની મદદથી બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખતા દેશો જેવા કે, શ્રીલંકા, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, વિયતનામ, લાઓસ, કમ્બોડિયા અને જાપાનમાં ભારત પ્રત્યે તેવો જ સદભાવ બનાવવાનો પ્રયાસ થશે જેવો પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય કાળમાં હતો.
#WATCH | Nalanda, Bihar: Prime Minister Narendra Modi unveils a plaque at the new campus of Nalanda University as he inaugurates the campus. The PM also planted a sapling here. pic.twitter.com/LUtRN02Jxy
— ANI (@ANI) June 19, 2024
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારનો પ્રયાસ નવી નાલંદા વિશ્વવિદ્યાલયને 21મી સદીમાં તે સ્થાન અપાવવાનો છે, જે પહેલાં પહેલાં તેને હાંસલ હતું. નવું કેમ્પસ સરકારનો તે હેતુ દર્શાવે છે કે, સરકાર નાલંદાને શિક્ષણક્ષેત્રના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માંગે છે. વર્ષ 2010માં કાયદો બનાવીને ભારત સરકારે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, પરંતુ હમણાં સુધી અભ્યાસ અસ્થાયી કેમ્પસમાં ચાલી રહ્યો હતો.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન પહેલાં પ્રાચીન નાલંદાના ખંડેરનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે અવશેષોને ઊંડાણપૂર્વક જોયા હતા. તેમણે લગભગ 15 મિનિટ સુધી પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો જોયા હતા. ત્યારબાદ તેમણે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના નકશાનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેમણે મહિલા ગાઈડ પાસેથી પ્રાચીન વિશ્વવિદ્યાલય અને વિશ્વમાં તેના પ્રભાવ વિશેની માહિતી પણ મેળવી હતી. નોંધનીય છે કે, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય બૌદ્ધ અને હિંદુ ધર્મના શિક્ષણનો મુખ્ય સ્ત્રોત હતો. તક્ષશિલા વિશ્વવિદ્યાલય અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણતા હતા. ઇસ્લામિક આક્રાંતાઓએ આ ધરોહરનો નાશ કર્યો હતો.