જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. પીએમ મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અહેવાલો અનુસાર પીએમએ અમિત શાહ સાથે વાત કરી અને સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરી. પીએમએ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હા સાથે પણ વાત કરી અને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી. પીએમને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધી કાઢવા માટે ગુરુવારે વિવિધ જિલ્લાઓના જંગલ વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ બે વ્યક્તિઓની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરી હતી, જેના પગલે પોલીસે અર્ધલશ્કરી દળો સાથે મળીને જમ્મુની બહારના નરવાલ બાયપાસ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
4 દિવસમાં 4 આતંકી હુમલાઓ
બુધવારે રાતે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો હતો. છેલ્લા 100 કલાકમાં આ ચોથો આતંકી હુમલો છે. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. હુમલામાં જમ્મુ અને કાશ્મીર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના (SOG) એક જવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. બુધવારે (12 જૂન 2024) રાત્રે 8:20 વાગ્યે શરૂ થયેલ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
આ પહેલા 9 જૂનના રોજ રિયાસી વિસ્તારમાં મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા ભક્તોની બસ પર ગોળી ચલાવવામાં આવતા 9 લોકોના મોત થયા હતા. આ પછી 11 જૂને કઠુઆમાં આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ આતંકીઓએ હીરાનગરના સૈદા સુખલ ગામમાં પાણી માંગવાના બહાને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો. ત્યારપછીની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન CRPFના એક જવાન પણ વીરગતિ પામ્યા હતા.