રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ લગભગ 24 વર્ષ પહેલાં થયેલા લાલ કિલ્લા આતંકી હુમલા કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી દીધી છે. 24 વર્ષ જૂના આ આતંકવાદી હુમલા કેસમાં પાકિસ્તાની આતંકવાદીની ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટે પહેલાં જ મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ આતંકી આરીફે રાષ્ટ્રપતિ સમક્ષ પોતાનો જીવ બચાવવાની અપીલ કરી હતી. હવે ત્યાંથી પણ આતંકી આરિફની દયા અરજી ફગાવી દેવામાં આવી છે. જોકે, કાનૂની નિષ્ણાંતોનું માનવું છે કે, પાકિસ્તાની આતંકી પાસે હજુ પણ એક વિકલ્પ બાકી છે.
વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદભાર ગ્રહણ કર્યા બાદથી (25 જુલાઈ 2022) અત્યાર સુધીમાં બે દયા અરજીઓ ફગાવી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 3 નવેમ્બર, 2022ના રોજ પાકિસ્તાની આતંકી આરિફની રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. તે સાથે જ તેની ફાંસીની સજા પણ યથાવત રાખવામાં આવી હતી. આ પછી આતંકી આરિફે પોતાના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. હવે તે અરજી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ફગાવી દીધી છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને 15 મેના રોજ પાકિસ્તાની આતંકી આરિફ ઉર્ફે અશફાકની દયા અરજી મળી હતી. રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી 29 મેના રોજ અપાયેલ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મૂર્મુએ 27 મેના રોજ લાલ કિલ્લા હુમલા કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદીની દયા અરજી ફગાવી દીધી છે. તે પહેલાં સુપ્રીમ કોર્ટે તેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી અને રાષ્ટ્રપતિ તરફથી પણ તેને કોઈ દયા મળી શકી નથી. તેમ છતાં પાકિસ્તાની આતંકી પાસે હજુ એક વિકલ્પ બાકી છે.
કાયદાકીય વિશેષજ્ઞોનું માનવું છે કે, આતંકી મોહમ્મદ આરિફ બંધારણની કલમ 32 (બંધારણીય ઉપાયોનો અધિકાર) હેઠળ સજામાં છૂટની માંગણી કરી શકે છે. તે મૃત્યુદંડની સજાના અમલમાં વધુ પડતાં વિલંબના આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. હમણાં સુધી બંધારણીય પ્રક્રિયામાં આતંકીને કોઈપણ પ્રકારની રાહત મળી નથી. પરંતુ અંતિમ એક વિકલ્પ તરીકે તેની પાસે અરજી કરવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બર, 2000ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ લાલ કિલ્લામાં ઘૂસીને ભયાનક ગોળીબાર ચાલુ કરી દીધો હતો. તેમણે 7 રાજપૂતાના રાઈફલ્સના જવાનો પર હુમલો કરી દીધો હતો. આ આતંકી હુમલામાં ત્રણ જવાનો વીરગતિ પામ્યા હતા. દિલ્હી પોલીસે હુમલાના ચાર દિવસ બાદ મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ધરપકડ કરી લીધી હતી.
પાંચેક વર્ષ ટ્રાયલ ચાલ્યા બાદ ઓક્ટોબર, 2005માં આરિફને કોર્ટે દોષી ઠેરવીન ફાંસીની સજા સંભળાવી હતી. તે અને અન્ય ત્રણ LeT આતંકવાદીઓ 1999માં ભારતમાં ઘૂસ્યા હતા અને શ્રીનગરમાં રહીને લાલ કિલ્લા પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, બાકીના ત્રણ આતકવાદીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
ટ્રાયલ કોર્ટની સજા બાદ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. વર્ષ 2007માં દિલ્હી હાઈકોર્ટે પણ સજા યથાવત રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈ, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ કોઇ પણ પ્રકારની રાહત આપવાની ના પાડીને સજા બરકરાર રાખી હતી. ઓગસ્ટ, 2012માં તેની પુનર્વિચાર અરજી પણ રદ કરી દેવામાં આવી.